સઢ : જેનાથી પવનનો ઉપયોગ વહાણ કે હોડીનું નોદન કરવામાં થાય છે તેવો કૅન્વાસ જેવા મજબૂત કાપડનો પડદો.

જલતરણમાં સઢનો ઉપયોગ

શરૂઆતમાં સઢ પ્રાણીઓના ચામડામાંથી બનાવવામાં આવતા હતા. એક જ ઉત્કાષ્ઠન (log) ધરાવતી હોડી કે તરાપાને પવન-ઊર્જાનો ઉપયોગ કરી હંકારવા તેનો ઉપયોગ થતો હતો. તે પછીનો સંભવિત તબક્કો બે સ્તંભ વચ્ચે ઘાસની પોલી સળીઓ ગૂંથેલી સાદડીના ઉપયોગનો હતો. કપડાના સઢનાં ચિત્રો ઈસવી સન પૂર્વે 3300માં ઇજિપ્તની કલામાં જોવા મળે છે. ભૂમધ્ય વિસ્તારની પુરાતન સંસ્કૃતિઓમાં વહાણો સઢવાળાં હતાં. આમ, સઢવાળાં વહાણોનો વિકાસ ઈસુના જન્મ પહેલાં કેટલાંક હજાર વર્ષો પૂર્વે થયો હતો. પ્રાચીન ઇજિપ્તના લોકો લગભગ ઈસવી સન પૂર્વે 2000માં નાઈલ નદીમાં સપાટ તળિયાવાળી માલવાહક નૌકા જેને ‘બાર્જ’ કહે છે તેને અને મલોખાં કે બરુની બનેલી હોડીને હંકારવા સઢનો ઉપયોગ કરતા હતા. ફીનિશિયા(Phoenicia, સીરિયાના કાંઠાના કેટલાક ભાગનું પ્રાચીન નામ)ના લોકો પણ કેટલીક વાર તેમના નીચા કાઠાના એક તૂતકવાળાં વહાણોમાં (galleys) સઢનો ઉપયોગ કરતા હતા. આવા ગ્રીક અને રોમન વહાણોને તો લડાઈ સિવાયના દિવસોમાં નિયમિત રીતે સઢ રહેતા હતા. દુનિયાના ખરેખરા આંતરખંડીય દરિયાખેડુઓ વાઇકિંગ હતા. સંભવત: તેઓએ ઈ. સ. 900માં આટલાન્ટિક મહાસાગર તેમનાં લાંબાં વહાણોથી પાર કરેલો. આ લાંબાં વહાણો ખરા અર્થમાં સઢવાળાં વહાણો હતાં, કારણ કે તેમાં સઢનો ઉપયોગ મોટાભાગના સમયમાં ઊર્જા માટે થતો હતો. સઢવાળાં વહાણોમાં મિજાગરાવાળાં દિગ્નિયંત્રક(rudder)ની શોધ ઈ. સ. 1250માં નાના વેપારી વહાણોમાં જોવા મળી. જર્મન વેપારીઓ બાલ્ટિક સમુદ્રમાં તેનો ઉપયોગ કરતા હતા. ઈ. સ. 1470ના અરસામાં સઢમાં ક્રાંતિ આવી; જ્યારે બેથી ત્રણ સઢવાળાં નાનાં ઝડપી હલકાં વહાણો (caravel) આપ્યાં. તે ભૂમધ્યની નૌકા જેવા હજુ ત્રિકોણી સઢનો જ ઉપયોગ કરતાં હતાં. ઈ. સ. 1500 સુધીમાં તે ચોરસ સઢથી લાંબી સફર માટે કંઈક વધારે ખડતલ થયાં.

જે જમાનામાં ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને સ્પેન સમુદ્ર પર પોતાનું આધિપત્ય સ્થાપવા કોશિશ કરતાં હતાં ત્યારે સઢનું કાપડ શણના રેસાનો વણાટ કરી તૈયાર કરવામાં આવતું હતું. જોકે વધારે સારી ગુણવત્તાવાળા સઢમાં કંતાન અને તે પછી તેનું સ્થાન કપડાએ લીધું. યુ.એસ.ની કપડાના સઢવાળી નૌકા, અમેરિકાએ 1851માં બ્રિટનના નૌકાકાફલાને નૌકાસ્પર્ધામાં પરાજિત કર્યા પછી કપડાના સઢ પ્રચલિત થયા. સઢના કપડામાં રૂના રેસાઓનો એકબીજાની નજીક વણાટ કરી શકાય છે તે સઢના અન્ય કાપડ કરતાં ફાયદાકારક ગણાય છે. તેના વણાટમાં રેસાઓ અત્યંત નજીક નજીક હોવાથી તે ખેંચાઈને પોતાનો આકાર સહેલાઈથી બદલતા નથી અને તેનાં છિદ્રોમાંથી આરપાર ફૂંકાતા પવનના કારણે તે ફાટી જતા નથી. અલબત્ત, કપડાના સઢ ખૂબ સખત હોય છે. તેથી તેને વાપરવામાં થોડી મુશ્કેલી પડે છે.

આધુનિક નૌકાચાલકો જે ગુણવત્તાવાળા સઢના વાપરનારા છે, તેઓ સામાન્ય રીતે પૉલિયેસ્ટર રેસા ડેક્રોન અથવા ટેરેલિનને પસંદ કરે છે. આ કૃત્રિમ રેસાઓ(synthetic fibers)થી સઢ બનાવવાની શરૂઆત 1950થી થઈ. તે કપડા કરતાં ઘણા ચઢિયાતા માલૂમ પડ્યા. ડેક્રોનના સઢ વધારે મજબૂત હોવાથી તેના વજનમાં હલકા સઢ બનાવી શકાય છે. તે પોતાનો મૂળ આકાર વર્ષો સુધી જાળવી શકે છે. વળી તેના પર ઉષ્મા-પ્રક્રિયા કરી હોય છે; તેથી તેની સપાટી લગભગ ઘર્ષણરહિત હોય છે અને બહુ જ ઓછી છિદ્રાળુ હોય છે.

સઢ બનાવતી વખતે નીચે મુજબ મૂળભૂત તબક્કાઓવાળી રૂપરેખા બનાવી શકાય : (1) સઢ બનાવનારે સઢના નકશાનો અભ્યાસ કરવો જોઈએ અને તેના કૂવાસ્તંભનું માપ લેવું જોઈએ;

(2) તેના પર લાગનાર ખેંચાણ અને વાત-પ્રવાહના પ્રમાણની ગણતરી કરવી જોઈએ. બીજી રીતે કહીએ તો સઢની વક્રતાની ગણતરી કરવી જોઈએ; (3) પ્રથમ તો સઢ-પરસાળ(sail loft)ની સપાટી પર સઢના પૂરેપૂરા માપનો આબેહૂબ નકશો દોરવામાં આવે છે; (4) તે નકશા પર કાપડ પાથરવામાં આવે છે અને તેની ખરેખર લંબાઈ અને આકાર દરેક કાપડના ખંડ પર અલગ અલગ અંકિત કરવામાં આવે છે;

(5) કાપડના ખંડોને ક્રમ આપવામાં આવે છે અને તે પછી જે રીતે પરિમાણની રૂપરેખા અંકિત કરી હોય તે રીતે વેતરવામાં આવે છે; (6) કાપડના ખંડોને સીવવામાં ખાસ પ્રકારની સઢની દોરી વપરાય છે અને એ દોરીને સોયામાં પરોવ્યા પછી તેના પર મીણ લગાડવામાં આવે છે, જેથી જમણા હાથ બાજુના વળ પકડાઈ રહે; (7) બધા જ કાપડના ખંડોને એકસાથે સીવી લીધા પછી ખૂણાઓ પર થીંગડાં મારવામાં આવે છે. પવનનો માર પડવાનો હોય તેવી આગળની ધાર અને પાયો કે જ્યાં સૌથી વિશેષ તણાવ લાગુ પડવાનો હોય છે તેને ઓટવામાં આવે છે; (8) સઢની અગ્રધારની અંદર આગળના દોરડાને સીવી લેવામાં આવે છે; જેથી સઢનો આકાર ખેંચાઈ જાય નહિ. આ ઉપરાંત સઢની મજબૂતાઈ વધારવા ઉપયોગી એવાં જુદાં જુદાં જોડાણો કરવામાં આવે છે.

આરંભમાં એવી સ્થિતિ હતી કે જે દિશામાં વહાણવટીને સફર કરવી હોય તે દિશામાં પવન વાતો હોય તો તે દિવસમાં સઢવાળાં વહાણો સફર કરી શકતાં; પરંતુ ધીમે ધીમે સઢમાં ગિયરમાં અને વહાણના કાઠાના આકારોમાં જેમ જેમ સુધારાઓ થતા ગયા તેમ તેમ વહાણો એવાં બન્યાં, જે 90° ખૂણાથી ઓછા ખૂણેથી પવન સઢને લાગતો હોય તોપણ પોતાના માર્ગે વહાણો આગળ વધી શકે. સારું આધુનિક ‘ફોર ઍન્ડ આફ્ટ’ ખડતલ સઢવાળું વહાણ 45°ના ખૂણે પવન વાતો હોય તોપણ પોતાના માર્ગે આગળ વધી શકે છે. તેને ‘ઝીગ-ઝેગ’ પદ્ધતિ કહે છે.

સઢને બે મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવે છે. ચોરસ સઢ (square sail) અને ‘ફોર ઍન્ડ આફ્ટ’ સઢ (fore-and-aft sail) પ્રથમ વર્ગના સઢને ચતુષ્કોણીય સઢ પણ કહે છે. તેમાં સઢની સામાન્યત: સ્થિતિ હોડીના પ્રાંગણની મધ્યમાં તેની લંબાઈને કાટખૂણે ગોઠવેલ હોય છે. બીજા વર્ગના સઢમાં ગોઠવણી લંબાઈની ધરીને સમાંતર હોય છે. પ્રથમ વર્ગના સઢના પાછળના ભાગ પર પવનનું દબાણ લાગુ પડતાં હોડી આગળ વધે છે જ્યારે ‘ફોર ઍન્ડ આફ્ટ’ સઢની બંને બાજુનો ઉપયોગ હોડીને આગળ હંકારવા માટે થાય છે.

સઢને પ્રાથમિક અને ગૌણ  એમ બે જૂથોમાં વહેંચવામાં આવેલ હોય છે. પ્રાથમિક સઢ સામાન્ય હવામાનમાં મુખ્ય નોદક બળ લાગુ પાડે છે, જ્યારે ગૌણ સઢ વહાણનું સમતોલન જાળવવામાં અને વધારાનું નોદક બળ લાગુ પાડવામાં પ્રાથમિક સઢને મદદરૂપ થાય છે. પ્રાથમિક સઢના પણ છ વર્ગો છે. ગૌણ સઢના પણ વર્ગો હોય છે. આ ઉપરાંત સઢનું તેમના કાર્ય પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે. સામાન્ય હવામાન માટે નૌકાવિહાર સઢ (Cruising sail), ઉષ્ણકટીબંધીય (tropical), હવામાન માટે ઉનાળુ સઢ (Summer sail), અત્યંત ભારે હવામાન માટે તુફાન સઢ (storm sail) અને નૌકાસ્પર્ધા સઢ (racing sail) છે. આ ઉપરાંત વહાણમાં સઢની ગોઠવણ અથવા સ્થાન પરથી પણ તેને નામ અપાય છે.

વિહારી છાયા