સખાલીન : સાઇબીરિયાના પૂર્વ કિનારાથી દૂર આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 51° ઉ. અ. અને 143° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 87,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉ. દ. 970 કિમી. લાંબો અને પૂ. પ. સ્થાનભેદે 26થી 160 કિમી. પહોળો છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ ઓખોટસ્કનો સમુદ્ર, વાયવ્યમાં તાતારની સામુદ્રધુની, પશ્ચિમ તરફ જાપાની સમુદ્રનો ફાંટો તથા દક્ષિણે લા પેરોઝની સામુદ્રધુની અને જાપાનનો હોકાઇડો ટાપુ આવેલાં છે.

સખાલીન

આ ટાપુનું ભૂપૃષ્ઠ તેને વીંધતી આશરે 965 કિમી. લાંબી અને 1,525 મીટર ઊંચી બે સમાંતર ગિરિમાળાઓથી બનેલું છે. આખાય ટાપુ પર દેવદાર અને સ્પ્રુસનાં જંગલો પથરાયેલાં છે. અહીંની ભૂમિ ખેતી માટે અનુકૂળ નથી તથા આબોહવા પણ પરિવર્તી રહે છે. દક્ષિણ ભાગની નરમ આબોહવાવાળા પ્રદેશમાં લાકડાં આપતાં વૃક્ષો ઊગે છે. જ્યાં અનુકૂળતા મળી શકે ત્યાં લોકો સિંગવાળાં કઠોળ, ઓટ, જવ, ડાંગર, ઘઉં અને શર્કરા-કંદનું વાવેતર કરે છે. અહીંનું અર્થતંત્ર દુધાળાં ઢોર, માછીમારી, કોલસો અને ખનિજતેલ પર નભે છે. માછલી અહીંના લોકોનો મુખ્ય ખોરાક છે. ટાપુ પર ઘણાં પ્રાણીઓ રહે છે. કેટલાક લોકો રુવાંટીનો વેપાર કરે છે; આ ઉપરાંત અહીં કોલસાનું ખાણકાર્ય, લાકડાં કાપવાની પ્રવૃત્તિ તથા લાકડાંમાંથી કાગળનો માવો બનાવવાનું કામ ચાલે છે.

સર્વપ્રથમ ડચ નૌકાયાત્રીઓએ આ ટાપુની ખોજ કરેલી. 17મી સદી સુધી અહીં રશિયા અને જાપાનના લોકો રહેતા હતા. વર્ષો સુધી આ ટાપુની માલિકી માટે રશિયા અને જાપાન વચ્ચે તકરાર ચાલ્યાં કરેલી. 1875માં જાપાને છેવટે તેના પરની રશિયાની માલિકી કબૂલ તો રાખી, તેમ છતાં 1905 સુધી સંતોષકારક સમાધાન થયું નહિ. 1905માં જાપાને તે લઈ લેતાં, બંને દેશોએ ભેગા મળીને તેના ભાગલા પાડ્યા; રશિયાએ તેનો ઉત્તર તરફનો અર્ધો ભાગ અને જાપાને તેનો દક્ષિણ તરફનો અર્ધો ભાગ લીધો. સખાલીનમાંથી ખનિજતેલ મળી આવતાં સોવિયેત સંઘે 1931માં ત્યાં વસાહત ઊભી કરી. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર થતાં જાપાને પોતાના હસ્તકનો આ ટાપુ રશિયાને સોંપી દીધો.

જાપાનની આદિવાસી (આઇનુ અને ગિલ્યાકસ) જાતિઓ તેમજ અન્ય નિરાશ્રિતોના સમૂહો વીસમી સદીના મધ્યકાળ સુધી અહીં રહેલા.

આ ટાપુની વસ્તી 6,32,000 (1997) જેટલી છે. યુઝહનો સખાલિન્સ્ક તેનું મુખ્ય શહેર તેમજ પાટનગર છે. મે, 1995માં અહીં 7.5(રિક્ટર માપ)નો ભૂકંપ થયેલો, તેમાં તેના નેફતેગોર્સ્ક શહેરને ખૂબ નુકસાન પહોંચેલું તથા નબળા બાંધકામવાળી ઘણી રશિયાઈ ઇમારતો ધરાશાયી થઈ જવાથી ઘણા લોકો દટાઈ-કચરાઈને મૃત્યુ પામેલા. અહીં એક મિસાઇલ-મથક સ્થાપવામાં આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા