સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાંથી 1976માં નિર્દેશનની ડિગ્રી મેળવી હતી. તેમણે ‘જનતા’ નામનું એક દસ્તાવેજી ચિત્ર બનાવીને ચિત્રનિર્માણનો પ્રારંભ કર્યો હતો. પુણેના તેમના અભ્યાસ દરમિયાનના સાથીઓ કે. હરિહરન્, મણિ કૌલ અને અન્ય ચિત્રસર્જકો સાથે મળીને તેમણે એક સહિયારી ચિત્રનિર્માણ-સંસ્થા ‘યુક્ત ફિલ્મ કો-ઑપરેટિવ’ની સ્થાપના કરી હતી અને આ સંસ્થાના નેજા હેઠળ તેમણે પ્રથમ ચિત્ર 1978માં ‘અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન’ બનાવ્યું હતું. આ ચિત્રમાં તેમણે ઉચ્ચ મધ્યમ વર્ગના એક એવા યુવાનની કહાણી રજૂ કરી, જે એક હિંસક ઘટનાનો મૂક સાક્ષી છે. આ પ્રથમ ચિત્ર બનાવીને તેમણે એવો સંકેત તો આપી જ દીધો હતો કે તેઓ કયા પ્રકારનાં ચિત્રો બનાવવામાં રસ દાખવે છે. તેમનાં ચિત્રોમાં મોટાભાગે સમાજ સાથે વ્યક્તિઓનો સંઘર્ષ અને યુવાનોનો આક્રોશ નિરૂપાતો રહ્યો છે. 1980માં ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ ?’ ચિત્રમાં તેમણે લઘુમતી સમુદાયની સમસ્યાઓ ઉઠાવી હતી. 1984માં ‘મોહન જોશી હાજિર હો’માં કાનૂની ગૂંચવણોમાં એક વૃદ્ધ દંપતી કેવું ગૂંચવાતું રહે છે એનું તેમણે નિરૂપણ કર્યું હતું અને 1989માં ‘સલીમ લંગડે પે મત રો’માં તેમણે સ્પષ્ટપણે કોમવાદનો વિરોધ કર્યો હતો. 1995માં ‘નસીમ’ ચિત્રમાં દેશના ભાગલા અને એ પછી દાયકાઓ બાદ અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસ સુધીની સ્થિતિ તેમણે મુસ્લિમ પરિવારના દાદા અને પૌત્રીના સંબંધો મારફત દર્શાવી હતી. આ ચિત્રમાં દાદાની ભૂમિકા ખ્યાતનામ ગીતકાર કૈફી આઝમીએ ભજવી હતી. દૂરદર્શન પર ધારાવાહિક કાર્યક્રમોનો પ્રારંભ થતાં સઈદ મિર્ઝાએ તેમાં પણ ઝંપલાવ્યું, પણ સામાજિક મુદ્દાઓને પોતાની આગવી શૈલીથી રજૂ કરવાની તેમની શૈલી જાળવી રાખી ‘નુક્કડ’, ‘મનોરંજન’, ‘ઇંતઝાર’, ‘સર્કસ’ વગેરે લોકપ્રિય ધારાવાહિકો બનાવી હતી. તેમના નાના ભાઈ અઝીઝ મિર્ઝા પણ ચિત્રસર્જક છે. બંને ભાઈઓએ સાથે મળીને પણ કળા તથા વ્યવસાય વચ્ચે સામંજસ્ય સાધતાં ‘રાજુ બન ગયા જેન્ટલમૅન’, ‘યસ બૉસ’ વગેરે ચિત્રોનું સર્જન કર્યું છે. ટીવી ધારાવાહિકોમાં પણ આ બંને ભાઈઓએ સાથે કામ કરવા ઉપરાંત તેમણે દિગ્દર્શક કુંદન શાહનો પણ સહકાર લીધો હતો. તેમનાં બે ચિત્રો ‘અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન’ અને ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ ?’ને શ્રેષ્ઠ ફિલ્મોના ‘ફિલ્મફેર’ના ક્રિટિક ઍવૉર્ડ મળ્યા હતા.

નોંધપાત્ર ચિત્રો : ‘અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન’ (1978), ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ ?’ (1980), ‘મોહન જોશી હાજિર હો’ (1984), ‘સલીમ લંગડે પે મત રો’ (1989), ‘નસીમ’ (1995).

હરસુખ થાનકી