સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના મદદનીશ પ્રાધ્યાપક અને પછીથી પ્રાધ્યાપક બન્યા. શોધનિબંધ માટે તેમણે નિર્વાસિત નવલકથાકાર જૉસેફ કૉનરેડને પસંદ કર્યા. આ શોધનિબંધ 1966માં ‘જૉસેફ કૉનરેડ ઍન્ડ ફિક્શન ઑવ્ ઑટોબાયૉગ્રાફી’ શીર્ષકથી પુસ્તકાકારે પ્રસિદ્ધ થયો હતો.

એડ્વર્ડ સઈદ

વિવેચક સઈદે લંડનમાં પ્રશિષ્ટ રીધ લેક્ચર્સ પણ આપ્યાં હતાં. ઇઝરાયલનો આરબ દેશો પરનો અને પૅલેસ્ટાઇનના વિસ્તારો પરનો કબજો તેમને માટે ભારે આઘાતજનક હતો. આ આઘાતે તેમને સાહિત્ય, વિવેચન અને શિક્ષણના જગતમાંથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના કર્મશીલ બનાવ્યા. નિષ્ઠાવાન કર્મશીલ તરીકે તેમણે યુનિવર્સિટીના કાર્યમાંથી રજાઓ લઈ આરબ ઇતિહાસનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. તેની નીપજ રૂપે ‘ઓરિયેન્ટાલિઝમ’નો ગ્રંથ 1978માં તેમણે પ્રસિદ્ધ કર્યો, જે આંતરરાષ્ટ્રીય શિક્ષણજગતમાં નવો ચીલો પાડનાર બની રહ્યો. આ ગ્રંથ દ્વારા તેમણે પ્રતિપાદિત કર્યું કે સંસ્થાનવાદીઓએ સંસ્થાનોની પ્રજા, તેમનાં રીતરિવાજ, ઇતિહાસ, ધર્મ અને સાહિત્યનો અભ્યાસ ગુરુતાગ્રંથિથી કર્યો હતો. તેઓ સંસ્થાનોની પ્રજાઓને નિમ્ન, અસંસ્કૃત, અણઘડ, અજ્ઞાની, ભોગાસક્ત, ભ્રષ્ટ, દુષ્ટ, આળસુ, આપખુદ અને પછાત સમજતા હતા.

સઈદના મતે ‘ઓરિયેન્ટાલિઝમ’ એટલે પોતાનાં સંસ્થાનો ઉપર પોતાનું પ્રભુત્વ રૂઢ કરવા સંસ્થાનવાદીઓએ શોધી કાઢેલો વિચાર. તેમના મતે ‘આપણે’ અને ‘અન્ય’ની આ પરિભાષા હોમરના મહાકાવ્ય ‘ઇલિયડ’થી માંડીને એકિલસના નાટક ‘ધ પર્શિયન્સ’માં તેમજ યુરિપિડિસના નાટક ‘ધ બાકી’ અને ગઈકાલ સુધીના અમેરિકાના પૂર્વ ગૃહમંત્રી કિસિન્જરના લેખોમાં નિરૂપાતી રહી છે. સઈદ પહેલા વિચારક હતા, જેમણે સંસ્કૃતિ અને સત્તા વિશે આ નવો વિચાર પ્રતિપાદિત કર્યો. આ પછી વિશ્વભરના ખ્યાતનામ વિશ્વવિદ્યાલયોમાં ઉત્તર સંસ્થાનવાદી સાહિત્ય(‘પોસ્ટ કૉલોનિયલ લિટરેચર’)ના અભ્યાસનાં વિશેષ કેંદ્રો અસ્તિત્વમાં આવ્યાં. પૂર્વના તેમજ ભારતીય બૌદ્ધિકો પર તેમના અભ્યાસની ઘણી અસર પડી. ગાયત્રી સ્વીવાક, હોમી ભાભા અને વિજય પ્રસાદ જેવા નામી બૌદ્ધિકોને તેમણે આ ક્ષેત્રે પ્રવૃત્ત થવા પ્રેરેલા. આ પછી ‘નિમ્ન કક્ષાએથી ઇતિહાસ’(‘સબલ્ટન હિસ્ટરી’)ની નવી વિદ્યાશાખા વિકસી. આ નવા ર્દષ્ટિબિંદુ થકી ભારતના વિવિધ પ્રદેશોની પ્રજાઓનાં આંદોલનોનો સઘન અભ્યાસ આરંભાયો, જેમાં રણજિત સાર અને સુમિત સરકારને મોખરે મૂકી શકાય.

‘ઓરિયેન્ટાલિઝમ’ પછી આ જ કુળનો બીજો ગ્રંથ ‘કલ્ચર ઍન્ડ ઇમ્પીરિયાલિઝમ’ 1993માં તેમણે પ્રસિદ્ધ કર્યો. તેમાં તેમણે પશ્ચિમના સાહિત્યકારોની રચનાઓનું નિજી અને વિશિષ્ટ પૃથક્કરણ કર્યું છે. ‘ઓરિયેન્ટાલિઝમ’માં દર્શાવેલ સંસ્થાનવાદી શાસકોની સાર્વભૌમત્વ અંગેની વિચારણા ફરી પ્રતિપાદિત ઠરી છે. તેમાં ઇંગ્લૅન્ડના સાહિત્યના માંધાતાઓ તેમની હડફટે ચઢ્યા છે. તેમની કારમી તાવણીને અંતે સઈદ દર્શાવે છે કે ઓગણીસમી અને વીસમી સદીના બ્રિટિશ સાહિત્યકારો ઈ. એમ. ફૉસ્ટર, જૉસેફ કૉનરેડ, રૂડયાર્ડ કિપલિંગ વગેરેનો મુખ્ય ઇરાદો એ હતો કે તેમના સાહિત્ય દ્વારા બ્રિટિશ રાજ દુનિયાભરમાં અમર તપે. પ્રમાણમાં નિર્દોષ ગણાતી બિનરાજકીય લેખિકા જેન ઑસ્ટિનને પણ સઈદે આ પ્રક્રિયામાંથી બક્ષી નથી.

‘ઓરિયેન્ટાલિઝમ’ સાહિત્યમાંથી, સાહિત્યની જ મદદથી સઈદનો જાહેરજીવનમાં પ્રવેશ હતો; તો ‘ધ ક્વેશ્ચન ઑવ્ પૅલેસ્ટાઇન’ ગ્રંથ પૅલેસ્ટાઇનની પડખે અને ઇઝરાયલ અને અમેરિકી રૂઢિચુસ્તો (neocons) સામેના યુદ્ધની રણભેરી હતી. વિશ્વના બુદ્ધિજીવીઓ અને સાહિત્યકારોમાં પોતાના અત્યંત બુદ્ધિશાળી, પ્રભાવશાળી, ભાવવાહી અને ઊંડાણસભર લેખોથી સઈદે પહેલી હરોળમાં સ્થાન મેળવ્યું. પૅલેસ્ટાઇનના પ્રશ્ર્ને આખરી શ્વાસ સુધી ભાવવાહી પણ અસરકારક રજૂઆત તેઓ કરતા રહ્યા. તેમણે તેમનાં સાતત્યપૂર્ણ લખાણોથી એ પ્રતિપાદિત કરવા અવિરત પ્રયાસ કર્યો કે પૅલેસ્ટાઇનની પ્રજા ઇઝરાયલના આક્રમણનો ભોગ બનેલ છે, તેમની પાસેથી રહીસહી ભૂમિ અને આવાસો સતત ઝૂંટવાઈ રહ્યાં છે. તેથી પૅલેસ્ટાઇનવાસીઓ જે હિંસા અને આતંક આચરે છે તે સમજી શકાય તેવી ઘટના છે. અમેરિકાની સો ટકા કુમક અને અનેકગણી શક્તિ ધરાવતા ઇઝરાયલ દ્વારા અનેકગણા અત્યાચારો સતત આચરાઈ રહ્યા છે, જે બિહામણી અને પૅલેસ્ટાઇનની પ્રજાને જીવનથી વંચિત કરનારી સ્થિતિ છે.

ઉપર્યુક્ત સંદર્ભમાં સઈદની તેમના વિદ્યાર્થીઓને એક જ સુવર્ણ-સલાહ હતી : ‘સત્તાને હંમેશાં સત્યનો સામનો કરાવો.’ (‘Truth to the Power.’) કશીયે બાંધછોડ વગર તેઓ જીવનભર આ સૂત્રને ચરિતાર્થ કરતા રહેલા. અમેરિકાના સત્તાધીશો, પૅલેસ્ટાઇનના બેતાજ બાદશાહ યાસેર અરાફત તેમજ ઓસ્લો કરારથી માંડી ઇરાકના આક્રમણ સુધી – સૌ સત્તાધીશોને અને સઘળી પરિસ્થિતિમાં આ સત્ય તેમણે સતત સંભળાવ્યાં કર્યું અને કર્મશીલ તરીકે નિર્ભીકતાથી કાર્ય કરતા રહ્યા.

‘જૉસેફ કૉનરેડ ઍન્ડ ફિક્શન ઑવ્ ઑટોબાયૉગ્રાફી’ (1966), ‘ઓરિયેન્ટાલિઝમ’ (1978), ‘ધ ક્વેશ્ચન ઑવ્ પૅલેસ્ટાઇન’ (1979), ‘ધ કલ્ચર ઍન્ડ ઇમ્પીરિયાલિઝમ’ (1994), ‘ધ પેન ઍન્ડ સ્વૉર્ડ’ (1994), ‘રિફ્લેક્શન ઑન એક્ઝાઇલ’ (2000) તેમના જાણીતા ગ્રંથો છે. કુલ 20 ગ્રંથોમાં અભિવ્યક્ત થયેલા તેમના વિચારો તેમની મૌલિકતા અને અભ્યાસનિષ્ઠાની પ્રતીતિ કરાવે છે.

દિલીપ ચંદુલાલ