સંવેદનો (sensations) : ઉદ્દીપકો (stimuli) દ્વારા જ્ઞાનેન્દ્રિયોમાં તાત્કાલિક ઊપજતા મૂળભૂત અનુભવો. પ્રકાશનાં કિરણોરૂપી ઉદ્દીપકો આંખોમાં દૃશ્યના અનુભવો ઉપજાવે છે. અવાજનાં મોજાંરૂપી ઉદ્દીપકો કાનોમાં અવાજના અનુભવો ઉપજાવે છે. જીભની લાળમાં ભળેલા આહારના અને બીજા રાસાયણિક કણો જીભને વિવિધ સ્વાદ-સંવેદનો આપે છે. હવામાં ભળીને નાકના પોલાણમાં પ્રવેશેલા રસાયણના સૂક્ષ્મ કણો સુગંધ કે દુર્ગંધનાં સંવેદનો આપે છે. સંપર્કમાં આવીને ત્વચાને ઉદ્દીપ્ત કરનાર વસ્તુઓ દબાણ, પીડા, ઉષ્ણતા કે શીતળતાનાં સંવેદનો આપે છે.

આ પાંચ મુખ્ય પ્રકારનાં સંવેદનો ઉપરાંત વ્યક્તિને અંદરના કાન પાસે આવેલી અર્ધવર્તુળ આકારની નળીઓ દ્વારા શરીરની સ્થિતિ અને સમતુલાનું સંવેદન મળે છે અને સ્નાયુઓના છેડા, સ્નાયુબંધો તેમજ સાંધાઓમાં રહેલી ગતિની જ્ઞાનેન્દ્રિય વડે શરીરની તેમજ માથું, હાથ, પગ વગેરે અંગોની ગતિ(હલનચલન)નું સંવેદન મળે છે. ભરબપોરે પણ સૂર્યનું એકે કિરણ ન પ્રવેશે એવી ગીચ ઝાડીવાળા આફ્રિકાના જંગલમાંથી આદિવાસી લોકો દિશાની ભૂલ કર્યા વિના જ પોતાના નક્કી કરેલા સ્થળે પહોંચતા હોય છે; તેઓ કોઈ જુદા જ પ્રકારના સંવેદનનો ઉપયોગ કરે છે એવું મનાય છે. શિયાળો આવે ત્યારે ઠંડા પ્રદેશોમાં રહેતાં પક્ષીઓ અને મત્સ્યો વિષુવવૃત્ત તરફના દેશોમાં સ્થળાંતર કરે છે. પછી વસંત ઋતુ શરૂ થાય ત્યારે આ પક્ષીઓ અને મત્સ્યો પોતાના મૂળ પ્રદેશમાં, મૂળ ગામમાં અને મૂળ સ્થળે માળો હોય ત્યાં દિશાની ભૂલ કર્યા વિના, પાછાં ફરે છે. તેઓ પણ પૃથ્વીના ચુંબકીય બળ પ્રત્યેની પોતાની આગવી સંવેદનશીલતાના ઉપયોગ વડે આમ કરી શકે છે એમ મનાય છે. આમ સજીવ પ્રાણીઓની સંવેદનશીલતામાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. કેટલીક અન્ય પ્રાણીજાતિઓની સંવેદનશીલતા માનવની સંવેદનશીલતા કરતાં ચડિયાતી, તો મોટાભાગનાં નિમ્નકક્ષાનાં પ્રાણીઓની સંવેદનશીલતા ઊતરતી કક્ષાની હોય છે. સમડીની અને કેટલાંક અન્ય શિકારી પક્ષીઓની, અતિ દૂરના પદાર્થો અને દૃશ્યોના સંવેદનની શક્તિ માનવો કરતાં ચડિયાતી હોય છે. ઘુવડ, બિલાડી વગેરે સજીવો અત્યંત ઓછા પ્રકાશમાં પણ દૃશ્યોનું સંવેદન મેળવે છે. માનવો કરતાં કૂતરાં અને બિલાડીઓ ધ્વનિનું અને તેની દિશાનું સંવેદન વધારે ચોકસાઈથી મેળવે છે. માનવો કરતાં પતંગિયાં, મધમાખી, કીડી જેવા જંતુઓ અને કૂતરાંઓ તેમજ ઘણાં પશુઓનું ગંધનું સંવેદન વધારે ચોક્કસ અને તીવ્ર હોય છે.

બાહ્ય પદાર્થો જ્ઞાનેન્દ્રિયોને ઉદ્દીપ્ત કરે છે. તેથી જ્ઞાનેન્દ્રિયોની પાસેના ચેતાકોષમાં ચેતાપ્રવાહ ઉદ્ભવે છે અને તે અંતર્વાહી ચેતાતંતુ દ્વારા મગજમાં જાય છે. બધી જ્ઞાનેન્દ્રિયોમાંથી ઉદ્ભવેલો ચેતાપ્રવાહ તો સરખો જ હોય છે પણ તે મગજના જુદા જુદા વિસ્તારોમાં જઈને ત્યાં ચેતાક્રિયા ઉપજાવે છે. દૃષ્ટિ અંગેના ચેતાકીય સંદેશા મગજના દૃષ્ટિ-સંવેદન-વિસ્તારમાં જાય છે, તેથી વ્યક્તિને પદાર્થની ઉજ્જ્વળતા, તેનો રંગ, કદ અને આકારનું સંવેદન થાય છે. એ રીતે અંદરના કાનમાંથી ઉદ્ભવેલા શ્રવણ (ધ્વનિ) અંગેના ચેતાસંદેશા મગજના શ્રવણસંવેદન-વિસ્તારમાં જાય છે; તેથી વ્યક્તિને હળવો કે બુલંદ, તીણો કે જાડો અવાજ સંભળાય છે. આમ, ગંધ, સ્વાદ તેમજ ત્વચા-સંવેદન ઝીલવા માટે પણ મગજમાં વિશિષ્ટ વિસ્તારો હોય છે.

પણ, પર્યાવરણમાં ઊપજતાં ઘણાં ઉદ્દીપકોમાંથી વ્યક્તિ સંવેદન મેળવતી નથી. કેટલાંક ઉદ્દીપકો એટલાં નબળાં હોય છે. (દા.ત., સૂકું પાન ખરવાનો અવાજ) કે જ્ઞાનેન્દ્રિય એમાંથી સંવેદન મેળવી શકતી નથી. જ્યારે ઉદ્દીપક તરફ વ્યક્તિનું ધ્યાન ન હોય ત્યારે પણ એમાંથી સંવેદન મળતું નથી. તો કેટલીક વાર જો ઉદ્દીપન સતત લાંબા સમય સુધી ચાલુ રહે (દા.ત., પેન્ટ ઉપર પહેરેલો પટો) ત્યારે જ્ઞાનેન્દ્રિય એની સાથે અનુકૂલન સાધે છે (દા.ત., પહેરેલા પટાથી ટેવાઈ જાય છે.). તેથી એમાંથી ઉદ્ભવતી માહિતી જ્ઞાનેન્દ્રિયમાં સંવેદન રૂપે નોંધાતી નથી. (દા.ત., ચામડી પર પટાના દબાણનો અનુભવ થતો નથી.)

પારંપરિક રીતે સંવેદનનાં નીચેનાં લક્ષણો ગણાવાય છે : ગુણ, તીવ્રતા, સ્પષ્ટતા, સ્થિતિકાળ અને સ્થાનલક્ષણ. સંવેદનોમાં ગુણની દૃષ્ટિએ વૈવિધ્ય હોય છે. આંખ વડે દૃશ્યો દેખાય છે. તેના રંગો, આકારો અને કદ પણ દેખાય છે. રંગનું સંવેદન પ્રકાશના કિરણની તરંગલંબાઈ પર અવલંબે છે. 400 નેનોમિટરનું મોજું જાંબલી, 500 નેનોમિટર  મોરપિચ્છ, 600 નેનોમિટર – પીળો/નારંગી અને 700 નેનોમિટરનું મોજું લાલ રંગનું સંવેદન આપે છે. કદનું સંવેદન વસ્તુની નેત્રપટ ઉપર પડતી છાપ પર આધાર રાખે છે. વસ્તુ નજીક હોય ત્યારે મોટી અને દૂર હોય ત્યારે નાની દેખાય છે. મનુષ્યનો કાન સ્વરગુણ, અવાજની બુલંદતા અને સ્વરની કક્ષાનું સંવેદન મેળવે છે. તે દર સેકંડે 20થી માંડીને 20,000 સુધીની કંપનસંખ્યાવાળાં અવાજનાં મોજાંમાંથી ઉદ્ભવતી વિવિધ સ્વરકક્ષાનું સંવેદન ઝીલી શકે છે. તે 20 (અતિ હળવા)થી માંડીને 140 (અતિ બુલંદ) ડેસિબલ સુધીની તીવ્રતાવાળા ધ્વનિઓનું સંવેદન મેળવી શકે છે. જીભ કડવા, તૂરા, ખાટા, ખારા અને ગળ્યા સ્વાદનાં સંવેદનો અનુભવે છે. નાક વડે ફૂલોની, બળતી વસ્તુની ફુદીના જેવી, કસ્તૂરીની અને સડતી વસ્તુની ગંધનાં સંવેદનો અનુભવાય છે.

સંવેદનોમાં તીવ્રતાના તફાવતો અનુભવી શકાય છે; દા.ત., મંદ ગરમાટાથી માંડીને દઝાય એટલી અસહ્ય ગરમી; ધીમા ગુસપુસના અવાજથી માંડીને ‘કાન ફાડી નાખે એવો’ લાઉડસ્પીકરનો ઘોંઘાટ.

સંવેદનની ટકી રહેવાની સમયની અવધિને તેનો સ્થિતિકાળ (duration) કહે છે. ક્ષણિક ઉદ્દીપકમાંથી ઊપજતું સંવેદન પણ ક્ષણભર જ ટકે છે; દા.ત., ટાયર ફાટવાનો અવાજ. બીજી બાજુ, લાઉડ સ્પીકરમાંથી આવતો ભાષણનો કે સંગીતનો અવાજ મિનિટો કે કલાકો સુધી ચાલુ રહે છે.

માનવો મોટેભાગે દૃષ્ટિ અને શ્રવણ-સંવેદનોને ચોક્કસ દિશામાં અને ચોક્કસ અંતરે અનુભવે છે; દા.ત., વ્યક્તિને પર્વત દૂર, પડોશીનું ઘર મધ્યમ અંતરે, અને પોતાનો હાથ તદ્દન પાસે દેખાય છે. એ જ રીતે અવાજ કઈ દિશામાંથી અને કેટલે દૂરથી આવે છે એનું પણ વ્યક્તિને ભાન થાય છે. એને સંવેદનનું સ્થાનલક્ષણ કહે છે.

ઉદ્દીપકની તીવ્રતા સાથે સંવેદનની તીવ્રતાને વિશિષ્ટ પ્રમાણસંબંધ હોય છે. તેનો અભ્યાસ મનોભૌતિકશાસ્ત્રમાં થાય છે. એને અંગે વેબરનો નિયમ અને બીજા નિયમો રજૂ થયા છે.

સંવેદનો શુદ્ધ સ્વરૂપમાં ભાગ્યે જ રહે છે. મોટેભાગે મનુષ્યનું મગજ સંવેદનને વિસ્તૃત કરે છે, વ્યવસ્થિત ગોઠવે છે, એનો અન્ય અનુભવો સાથે સંબંધ જોડે છે અને સ્મૃતિ-અપેક્ષાઓ તેમજ પ્રેરણાઓના આધારે સંવેદનને અર્થ આપે છે. એ ક્રિયાને પ્રત્યક્ષીકરણ કહે છે. સંવેદનો મનુષ્યના વર્તનને સીધી રીતે અસર કરનાર આધાર પૂરા પાડે છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે