સંન્યાસ (વ્યાધિપરિચય apoplexy) : બેહોશીનો એક રોગ. આયુર્વેદવિજ્ઞાનમાં ‘મૂર્ચ્છા રોગ’ની સાથે જ છેવટે ‘સંન્યાસ’ રોગનું વિવરણ આપેલું છે. મૂર્ચ્છા અને સંન્યાસ બંનેમાં દર્દી બેહોશ થઈ પડી રહે છે. પ્રાય: વ્યક્તિના મગજમાં લોહીની અછત સર્જાય ત્યારે મૂર્ચ્છા (બેભાન અવસ્થા) થાય છે. આ મૂર્ચ્છા થોડો સમય રહીને વિના ઉપચારે મટી જાય છે; પરંતુ સંન્યાસમાં આવેલી મૂર્ચ્છા ઔષધોપચાર વિના કદી મટતી નથી.

રોગનાં લક્ષણો : શરીરથી નિર્બળ વ્યક્તિના વધેલા વાતાદિ દોષ જ્યારે તેના પ્રાણાયતન(મગજ)માં પહોંચે છે, ત્યારે તે શરીર, મન તથા વાણીની તમામ ક્રિયાઓ અટકાવી દઈને ‘સંન્યાસ’ રોગ પેદા કરે છે. આ રોગાવસ્થામાં દર્દી સૂકા લાકડા કે મડદાની જેમ પથારીમાં મૂર્ચ્છિત-બેભાન રહે છે. આ રોગના દર્દીની જો સમયસર ઉચિત સારવાર ન થાય તો એવો દર્દી મૃત્યુ પામે છે.

આધુનિક સંદર્ભથી જોઈએ તો સંન્યાસ એટલે એક એવી ગંભીર મૂર્ચ્છા અવસ્થા કે જેમાં રોગનાં કારણ તથા લક્ષણોની પ્રબળતા રહે છે. સુશ્રુતાચાર્યની પરિભાષામાં તમોગુણપ્રધાન કફદોષ જ્યારે મૃત્યુની પહેલાં સંજ્ઞાવાહી સ્રોતો(sensory mental nerves)માં દાખલ થાય છે, ત્યારે ‘તામસી નિદ્રા’ અથવા ‘સંન્યાસ’ની સ્થિતિ પેદા થાય છે. આધુનિક વિજ્ઞાન ‘કૉમા’ (Apoplexy ડ્ડ Long Term Coma) રોગની વ્યાખ્યા આ મુજબ કરે છે : કૉમા એક એવી અસાધારણ દેહસ્થિતિ છે, જેમાં મંદ અને અનિયમિત શ્વાસ-પ્રશ્વાસની સાથે ગંભીર નિદ્રાની અવસ્થા દીર્ઘ સમય સુધી રહે છે જેમાં રોગી પ્રાય: મૃત્યુ પામે છે.  આયુર્વેદોક્ત ‘સંન્યાસ’નાં લક્ષણો સંપૂર્ણપણે આ ‘કૉમા’ જેવાં જ હોય છે. આ રોગ પ્રાય: વધુ જાડા (મેદસ્વી) કે દુર્બળ લોકોને થાય છે.

રોગનાં કારણો : આયુર્વેદ મતે તમોગુણયુક્ત કફદોષ મગજના જ્ઞાનતંતુઓને પૂરી દઈને, બેહોશી જન્માવીને ‘સંન્યાસ’ રોગ પેદા કરે છે. આધુનિક વિજ્ઞાનના મતે મગજમાં લોહીની ખૂબ અછત સર્જાતાં તથા રક્તમાં (નિદ્રાજનક) વિષ પેદા થતાં આ રોગ થાય છે. (1) મગજમાં રક્તાલ્પતા – પાંડુરોગ તથા ખૂબ જ રક્તસ્રાવ થવાને કારણે તથા ભય, શોક જેવા માનસિક આઘાત તથા ખૂબ જ લૂતાપ જેવાં ભૌતિક કારણોથી મગજમાં રક્તાલ્પતા સર્જાતાં ‘સંન્યાસ’ પેદા થાય છે. (2) લોહીમાં વિષની હાજરી : શરીરના કેટલાક રોગો; જેમ કે, મધુમેહ (ડાયાબિટીસ), ઉપમધુમયતા (રક્તમાં સાકરની ખૂબ અછત), ખૂબ વધુ પડતું શરાબપાન તેમજ અંગારિક વાયુના ઝેરથી, અફીણના નશાથી, હાઈ બ્લડપ્રેશર (ઉચ્ચ રક્તપાત) તથા મૂત્રવિષમયતા (uraemia) જેવાં કારણોથી પણ ‘સંન્યાસ’ કે ‘કૉમા’ પેદા થાય છે. આ રોગમાં જો દર્દીને નિષ્ણાત ચિકિત્સકની દેખરેખમાં રાખીને તેની યોગ્ય ચિકિત્સા સમયસર ન થાય તો તે મૃત્યુ પામે છે. કૉમાના ઘણા દર્દીઓ મોટાં રુગ્ણાલયોમાં મહિનાઓ અને વર્ષો સુધી સારવાર નીચે પડ્યા રહે છે. તેવા દર્દીઓમાં પ્રાણમાત્ર ધબકતો હોય છે. બાકી તેઓ શબવત્ પડ્યા રહે છે. ઘણી વાર આવા દર્દીને બ્રેન હેમરેજ થવાથી પક્ષઘાત પણ થઈ જાય છે. માટે બેભાન દર્દીની ધીરજ અને શ્રદ્ધા રાખી ઓછામાં ઓછી 1 વર્ષ સુધી સારવાર કરવી આવદૃશ્યક છે.

ચિકિત્સા : આ રોગમાં દર્દીના દોષને સમજીને તેના કફાદિ દોષને અનુરૂપ યોગ્ય ચિકિત્સા યોજવાથી લાભની સંભાવના રહે છે. સંન્યાસ રોગમાં બહુધા ‘મસ્તિષ્કગત રક્તસ્રાવ’ (‘બ્રેન હેમરેજ’) કારણરૂપ જણાય તો તેમાં દર્દીનું રક્તદબાણ (‘બ્લડપ્રેશર’) જોઈને તદનુસાર વાત-પિત્તજ મૂર્ચ્છારોગમાં કહેલા ઉપચારો લાભ કરે છે; પરંતુ તમોગુણયુક્ત કફદોષ જ જ્યારે કારણરૂપ હોય ત્યારે ‘કફજ’ મૂર્ચ્છામાં ઉપયોગી ઔષધિ-ઉપચાર યોજવા યોગ્ય ગણાય છે. આ દર્દીને ભાનમાં લાવવા માટે શ્વાસકુઠાર રસ + મરીચૂર્ણ; કટફલ + મરીચૂર્ણ, સંજ્ઞાપ્રબોધન-નસ્ય, મૂર્ચ્છાન્તક-નસ્ય વગેરેનાં ચૂર્ણનું પ્રધમન-નસ્ય અપાય છે અથવા ત્રિકટુ, સરગવાનાં બી, સિંધવ, વજ, હિંગ, લસણ, કરંજ-બી અને સફેદ સરસવના ચૂર્ણથી બનેલ ‘મૂર્ચ્છાહર અંજન’નો ઉપયોગ કરવો લાભપ્રદ છે. સંન્યાસના દર્દીને ખાવાનાં ઔષધો વાટી-ઘૂંટીને મધમાં ભેળવી પ્રવાહી કરીને આપવાં ઇષ્ટ છે. વળી મૂર્ચ્છાન્તક રસ (ભૈ.ર.), પંચસૂત રસ (ર.તં.સા), (બ્રેન હેમરેજ તથા હાઈ બી.પી.માં), યોગેન્દ્ર રસ (કફજમાં), બૃહતકસ્તૂરી-ભૈરવરસ તથા ખૂબ ઉત્તમ એવો હેમગર્ભપોટલીરસ (સન્નિપાતાધિકાર : ર.તં.સા.) અનુભવી વૈદ્યની સલાહાનુસાર આપવાં હિતાવહ છે. કફ સાથે વાયુનો અનુબંધ હોય ત્યારે પંચવક્ત્ર-રસ (ર.તં.સા.; શા.સં.) કે જે કફ-પ્રધાન સન્નિપાતમાં ખાસ વપરાય છે, તે લાભપ્રદ બની શકે છે. દર્દીના હૃદયનું રક્ષણ કરવા માટે જવાહર મોહરા રસ (ર.તં.સા.) ઉત્તમ છે. દર્દીને જલદી ભાનમાં લાવવા તથા તેના રક્તનું પરિભ્રમણ સારું કરવા માટે મૃગમદાસવ (ભૈ.ર.), મૃતસંજીવની સુરા, દશમૂલારિષ્ટ + લોહાસવ + કુમાર્યાસવ, ચૈતન્યોદય-રસ, બૃહતકસ્તૂરી-ભૈરવરસ વગેરે આદુના રસ તથા મધના મિશ્રણ સાથે અપાય તો લાભપ્રદ બને છે. મધુપ્રમેહના દર્દીને મૂર્ચ્છામાંથી જાગ્રત થયા પછી નાગભસ્મ; વૈક્રાન્ત ભસ્મ + વસંત કુસુમાકર રસ + ચૌ. પીપર ડ્ડ મધ સાથે અને શિલાજિતાદિ-વટી અપાય છે. વિષજન્ય મૂર્ચ્છામાં વિષનાશક ઉપાયો સાથે પિત્તજ્વરનાશક ઉપાયો કરાય છે. હાઈ બી.પી.(ઉચ્ચ રક્તદબાણ)ની સ્થિતિમાં દર્દીને તાપ્યાદિ લોહ + પ્રવાલ પિદૃષ્ટિ + ગળો સત્ત્વ મધ સાથે અપાય છે. કેટલીક વિશિષ્ટ ઔષધિઓ : (1) યોગેન્દ્ર-રસ 115 મિ.ગ્રા., મૂર્છાન્તકરસ 125 મિગ્રા., બૃહતકસ્તૂરી-ભૈરવરસ 60 મિગ્રા., ચૌ. પીપર 10 મિગ્રા.ની 1 માત્રા એવી 3થી 4 માત્રા દર 4 કલાકે મધ સાથે પ્રવાહી કરીને દર્દીને આપવાથી લાભ થવાની સંભાવના રહે છે. (2) મહાનારાયણ તેલની અથવા 8થી 10 વર્ષ જૂના ઘીની દર્દીના માથે-કપાળે માલિસ કરવાથી લાભ થાય છે. (3) દિનમાં 2 વાર સારસ્વતારિષ્ટ 20-25 મિલિ. જેટલો આપવો અથવા સુવર્ણ બ્રાહ્મીવટી વાટીને મધમાં મેળવીને દિનમાં બે વાર આપવી ઇચ્છનીય છે. (4) બ્રેન-હેમરેજ(મસ્તિષ્કજ રક્તસ્રાવ)માં શુદ્ધ શીલાજિત 5 મિગ્રા., પીપળાની લાખ 2 ગ્રા, પ્રવાલપિદૃષ્ટિ તથા મુક્તાપિદૃષ્ટિ 125 મિગ્રા. મિશ્ર કરી દૂધ સાથે આપવાથી ફાયદો થાય છે.

બળદેવપ્રસાદ પનારા