સંતોષ ટ્રૉફી : ફૂટબૉલની રમતની ભાઈઓની અખિલ ભારતીય સ્પર્ધાઓ માટેની રાષ્ટ્રીય ટ્રૉફી. શરૂઆત 1841માં. ટ્રૉફી માટેની સ્પર્ધાઓનું આયોજન દર વર્ષે ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં કરવામાં આવે છે. એનો સમગ્ર વહીવટ ‘ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન’ (AIFF) કરે છે. ભારતમાં 1893માં ‘ઇન્ડિયન ફૂટબૉલ ઍસોસિયેશન’-(IFA)ની સ્થાપના થઈ હતી તે પાછળથી 1937માં ‘ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન’ (AIFF)માં પરિવર્તિત થયું હતું.

જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેમની સાથે આ રમત પણ લેતા આવ્યા હતા. આજે ભારતના દરેક રાજ્યમાં ફૂટબૉલની રમત રમાય છે, પરંતુ પશ્ચિમ બંગાળ, ગોવા, કેરલ, મણિપુર, નાગાલૅન્ડ જેવાં રાજ્યોમાં તે વધુ લોકપ્રિય બની છે. ગુજરાતમાં આ રમતની ઔપચારિક શરૂઆત મિલિટરી અને રાઇફલ ટ્રેનિંગ ઍસોસિયેશન દ્વારા 1944માં કરવામાં આવી. 1947માં ગુજરાત રાજ્ય ફૂટબૉલ ઍસોસિયેશનની સ્થાપના કરવામાં આવી હતી.

ભારતમાં ‘સંતોષ ટ્રૉફી’ એ ફૂટબૉલની ખૂબ જ પ્રતિષ્ઠિત ટ્રૉફી છે. ‘સંતોષ ટ્રૉફી’ જીતનાર ટીમના ખેલાડીઓ સામાન્ય રીતે ભારતની રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમમાં પસંદગી પામતા હોય છે અને તેમાંથી જ સુકાનીની પસંદગી થતી હોય છે. દા.ત., અરુણલાલ ઘોષ, જરનેલ સિંઘ, પી. કે. બેનર્જી, શૈલેન્દ્રનાથ મન્ના, ચુન્ની ગોસ્વામી વગેરે. આમ, ‘સંતોષ ટ્રૉફી’ વિજેતા ટીમ સાચા અર્થમાં ભારતની ફૂટબૉલ ટીમોમાં સર્વશ્રેષ્ઠ હોય છે અને તેને લીધે તે ફૂટબૉલની રમતનાં ક્ષેત્રમાં તેનું રાષ્ટ્રીય મહત્ત્વ છે.

ફૂટબૉલની રમત સૌથી વધુ લોકપ્રિય પશ્ચિમ બંગાળમાં હોવાને કારણે પ્રારંભમાં બીજાં રાજ્યો કરતાં ‘સંતોષ ટ્રૉફી’માં પશ્ચિમ બંગાળનો દેખાવ સારો રહેતો હતો. વળી અત્યાર સુધીમાં સૌથી વધુ વાર ‘સંતોષ ટ્રૉફી’ જીતવાનું શ્રેય પણ પશ્ચિમ બંગાળને ફાળે જાય છે; પરંતુ જ્યારથી આ રમત કેરલ, ગોવા, પંજાબ, મણિપુર, નાગાલૅન્ડ જેવાં રાજ્યોમાં લોકપ્રિય બની ત્યારથી આ રાજ્યોએ પણ ‘સંતોષ ટ્રૉફી’ મેળવવામાં સફળતા મેળવી છે; દા.ત., 2001માં 57મી સંતોષ ટ્રૉફી ચૅમ્પિયનશિપ કેરલ રાજ્યે જીતી હતી અને 2002માં 58મી સંતોષ ટ્રૉફી ચૅમ્પિયનશિપ મણિપુરે જીતી હતી. દરમિયાન 1970 અને 1974માં પંજાબે સંતોષ ટ્રૉફી જીતી હતી. ગુજરાત રાજ્યની ટીમ દર વર્ષે આ સ્પર્ધામાં ભાગ લે છે. પરંતુ આજદિન સુધી સંતોષ ટ્રૉફી જીતવામાં તેને સફળતા મળી નથી.

પ્રભુદયાલ શર્મા