સંતોષમ, વી. જી. (. 15 ઑગસ્ટ 1936, અલગપ્પાપુરમ્, જિ. તિરુનેલ્વેલી, તામિલનાડુ) : તમિળ કવિ અને લેખક. વીજીપી ગ્રૂપ ઑવ્ કંપનીઝ, તામિલનાડુના અધ્યક્ષ.

તેમણે તમિળમાં કુલ 21 ગ્રંથો આપ્યા છે. તેમાં નોંધપાત્ર છે : ‘ઉલગમ ચુત્રી વન્ધોમ’ પ્રવાસકથા; ‘અરુમાઈ અન્નાચી’ ચરિત્રકથા; ‘સંતાન ચિંતનાઇગલ’ નિબંધસંગ્રહ; ‘સંતોષ કવિતાઇગલ’, ‘તમિળે પોત્રી’, ‘મૂવદિયાર’, ‘સંતોષ તેન્દ્રલ’ અને ‘સંતોષ પટ્ટુ’  આ બધા કાવ્યસંગ્રહો છે. ‘યેસુ આરુલ્કાવ્યમ્’; ‘નાન કંડ મહાન પરમાચાર્ય’; ‘કાન્ચિયિલ પૂતા કરુણાઈ મલાર’ – એ તમામ તેમનાં જાણીતાં રેખાચિત્રો છે. તેમણે વિશ્વના તમામ દેશોનો પ્રવાસ ખેડ્યો છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને ઇન્દિરા ગાંધી નૅશનલ યુનિટી ઍવૉર્ડ; શિરોમણી ઍવૉર્ડ (1989); વિકાસ જ્યોતિ ઍવૉર્ડ; કામરાજ ઍવૉર્ડ વગેરે પ્રાપ્ત થયા છે. વળી ડેન્ઝિયેર યુનિવર્સિટી, વૉશિંગ્ટન તરફથી કલામાં માનાર્હ ડૉક્ટરેટ; મલયેશિયન તમિળ પેરાવાઈ તરફથી 1984માં કવિ ચક્રવર્તી ઍવૉર્ડ; ‘ગ્રામિયા કલાઈ કવલાર’ (1989) અને ઇન્ટરનૅશનલ પીસ ફાઉન્ડેશન તરફથી ‘ભારતજ્યોતિ’નો ખિતાબ પણ તેમને આપવામાં આવેલ છે.

બળદેવભાઈ કનીજિયા