સંતોકબા દૂધાત (. 1911, આકોંલવાડી (ગીર), તલાલા તાલુકો, જૂનાગઢ જિલ્લો, ગુજરાત, ભારત) : ગુજરાતના સહજોત્થ મહિલા ચિત્રકાર. સૌરાષ્ટ્રના ખેડૂત પરિવારમાં જન્મેલા સંતોકબાએ સાઠ વરસની ઉંમર સુધી ન તો પીંછી પકડી હતી કે ન તો બીજી કોઈ રીતે ચિત્રસર્જન કર્યું હતું. ખેતમજૂરી છોડીને સાઠ વરસની ઉંમરે કોઈ પણ પ્રકારની કલાકીય ઔપચારિક તાલીમ વિના, પોતાની કોઠાસૂઝ વડે તેમણે ચિત્રો ચીતરવાનું શરૂ કર્યું. પરંતુ તેમણે અત્યાર સુધીમાં ભરતકામ ખાસ્સી માત્રામાં કર્યું હતું. આ અનુભવ તેમને ચિત્રકામમાં માર્ગદર્શક નીવડ્યો. વળી પુત્ર ભાનુએ પણ માતા સંતોકબાને હિંમત, સાથ અને સહકાર આપ્યાં.

1977માં વડોદરા ખાતે સંતોકબાનાં ચિત્રોનું પ્રથમ પ્રદર્શન યોજાયું. એ પછી સંતોકબા એક સહજોત્થ ચિત્રકાર તરીકે ભારતભરમાં નામના પામ્યાં. એ પછી દિલ્હી, મુંબઈ, ભોપાલ, અમદાવાદ, કોલકાતા, ઉટાકામંડ ઉપરાંત જર્મની અને ઑસ્ટ્રેલિયામાં પણ તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં.

અત્યંત લાંબાં ચિત્રો ચીતરવા માટે સંતોકબા ખાસ જાણીતાં છે : સાંઈબાબાના જીવનચરિત્રને આલેખતું ચિત્ર 225 મીટર લાંબું છે. એ પછી તેમણે સમગ્ર મહાભારતનું નિરૂપણ કરતું 1000 મીટર લાંબું ચિત્ર ચીતર્યું. આ ઉપરાંત ઇન્દિરા ગાંધીના જીવનચરિત્રને આલેખતું 350 મીટર લાંબું ચિત્ર અને ગાંધીજીના જીવનચરિત્રને આલેખતું 25 મીટર લાંબું ચિત્ર તેમણે ચીતર્યાં છે. આ બધાં જ ચિત્રોમાં બધા જ આકારના ઘાટઘૂટ, બધા જ ચહેરાના બધે જ પ્રસંગે હાવભાવ તથા રંગઆયોજન પણ બધે એક જ સરખાં છે.

અમિતાભ મડિયા