સંતૃપ્તિ (Saturation) : ખડકો કે ખનિજો તૈયાર થવા માટેના માતૃદ્રવમાં જે તે ઘટકદ્રવ્યોની પર્યાપ્ત હોવાની સ્થિતિ. આવી સ્થિતિ ન પ્રવર્તતી હોય તો તે દ્રાવણ અર્ધસંતૃપ્ત, અંશત: સંતૃપ્ત કે અસંતૃપ્ત ગણાય. સંતૃપ્તિનો આ સિદ્ધાંત અગ્નિકૃત અને વિકૃત ખડકોના અભ્યાસ માટેના ‘ફેઝ રૃલ’(Phase rule)ના ઉપયોગમાંથી ઊભો થયેલો છે. એ સ્પષ્ટ છે કે માતૃદ્રવમાં અમુક ઘટક વધુ પડતું છે અથવા તો તેની ત્રુટિ છે, તો તે ખનિજ વિકસી શકે છે અથવા બનતું જ નથી; આ જ વિધાનને વૈકલ્પિક રીતે આ પ્રમાણે રજૂ કરી શકાય : અમુક ખનિજો જે તે ઘટકોની વધુ પડતી હાજરીથી સ્થાયી હોય છે, જ્યારે બીજાં કેટલાંક ખનિજો જે તે ઘટક વધુ પડતું ન હોય તો જ સ્થાયી હોય છે.

ખડકોમાં SiO2 ઘટકના સર્વવ્યાપી લક્ષણ(ગુણધર્મ)ને કારણે સંતૃપ્તિને હમેશાં ખડકમાં રહેલા સિલિકા સંકેન્દ્રણના સંબંધમાં જ સમજાવી શકાય. તેમ છતાં, ક્યારેક સંતૃપ્તિને Al2O3, Fe2O3 + FeO, K2O કે Na2Oના સંબંધમાં પણ ઘટાવવી જોઈએ. એટલે જ્યારે જ્યારે ખડકની સંતૃપ્તિને SiO2ના સંદર્ભમાં મૂલવતા હોઈએ ત્યારે, જો કોઈ ખડકમાં અસંતૃપ્ત ખનિજની હાજરી હોય અને સાથે સાથે તેમાં મુક્ત SiO2 પણ મળે, તો એમ કહી શકાય કે તે ખડક બનતી વખતે ઘટકો વચ્ચે રાસાયણિક સંતુલનની ખામી હતી.

ઉપર્યુક્ત સંદર્ભમાં અગ્નિકૃત ખડકોનું વર્ગીકરણ અતિસંતૃપ્ત (જેમાં મુક્ત SiO2 ખનિજ પુષ્કળ પ્રમાણમાં હોય) અને મંદસંતૃપ્ત (જેમાં ઑલિવિન અને/અથવા ફેલ્સ્પેથૉઇડ જેવાં અસંતૃપ્ત ખનિજો હોય) પ્રકારોમાં કરવામાં આવે છે. ગ્રૅનાઇટ એ અતિસંતૃપ્ત ખડક છે, જ્યારે ઑલિવિન ગૅબ્બ્રો/બેસાલ્ટ એ અસંતૃપ્ત છે. સૈદ્ધાંતિક રીતે જોતાં, કોઈ પણ ખડક પોતાની રીતે તો સંતૃપ્ત જ હોય છે, તે ન તો અતિસંતૃપ્ત હોય છે કે ન તો અસંતૃપ્ત હોય છે; પરંતુ આ પ્રકારની સ્થિતિ ભાગ્યે જ જોવા મળતી હોય છે અને હોય તો સ્થાનિક જ હોય છે.

ગિરીશભાઈ પંડ્યા