સંજ્ઞા : ઈ. સ. 1966માં પ્રકટ થયેલું જ્યોતિષ જાનીનું ત્રૈમાસિક. ઈ. સ. 1969થી ઈ. સ. 1971 સુધી એનું પ્રકાશન અટકી પડ્યું હોવા છતાં તંત્રીની સંપાદનનીતિ-રીતિ અને સાહસિક અભિગમને કારણે એ જ્યારે પુન: આરંભાયું ત્યારે એટલા જ ઉમળકાથી વાચકોનો આવકાર પામ્યું હતું. ઈ. સ. 1977માં એ બંધ થયું. આ દરમિયાન એના પ્રકાશિત થયેલા એકવીસ અંકોએ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું હતું. ‘સંજ્ઞા’ સર્જન અને વિવેચનનું આગવું વ્યક્તિત્વ ધરાવતું સામયિક હતું. હરિવલ્લભ ભાયાણી, સુરેશ જોષી, રામપ્રસાદ બક્ષી, કિશોર જાદવ, મધુ રાય, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ભોળાભાઈ પટેલ જેવા પ્રતિભાશાળી સર્જક-વિવેચકોની પેઢી આ સામયિકમાં દેખા દે છે. વિશિષ્ટ દૃષ્ટિના સંપાદનને કારણે વિશ્વભરના સાહિત્યની વિચારણા કરતાં વિવેચનો અને ટૂંકી નોંધો આપી ગુજરાતી સાહિત્યની સામે નમૂનાઓ રજૂ કરવાનું ધ્યેય ‘સંજ્ઞા’એ રાખ્યું હતું. પરંપરિત સાહિત્યના પ્રકાશનને બદલે પ્રયોગશીલતા દાખવવા બાબતે ‘સંજ્ઞા’નો ઉત્સાહ ધ્યાન ખેંચે છે. ચેતનાના નવા જ ઉન્મેષો સાહિત્યની વિગતોથી માંડીને એના મૂલ્યાંકન સુધી ‘સંજ્ઞા’એ વિસ્તારી હતી આથી કવિતા, નાટક, ટૂંકીવાર્તા અને વિવેચનક્ષેત્રનું કેટલુંક ઉત્તમ અહીં પ્રકાશિત થયું છે. સુરેશ જોષી જેવા સમર્થ સર્જકની મુલાકાતને ત્રીજા જ અંકમાં પ્રકાશિત કરીને ‘સંજ્ઞા’એ થોડા જ વખતમાં ગણનાપાત્ર સાહિત્યિક સામયિકનો દરજ્જો મેળવી લીધેલો. ‘સંજ્ઞા’ થકી નવ્ય વાર્તા, કવિતા અને વિવેચનને પ્રકટ થવાનો અવકાશ પ્રાપ્ત થયો. પ્રયોગશીલ કવિ-વાર્તાકાર તરીકે સ્થાપિત થયેલા જ્યોતિષ જાનીનો લોકપ્રિય સામયિકોના સંપાદનનો અનુભવ અહીં આગવી રીતિ કંડારવામાં ખપમાં લાગે છે. ‘રે’ અને ‘સંસ્કૃતિ’ જેવા બે છેડાઓ વચ્ચેનું આ સામયિક હતું. ‘સંજ્ઞા’ પાછળ સાહિત્યને માટે અર્જુન જેવી સવ્યસાચી દૃષ્ટિ કેળવવાની, પૂરતા નમ્ર થવાની ને ઊંડા ચિંતન-મનનના પરિપાકને વ્યાપકતાથી ધરવાની ખેવના ‘સંજ્ઞા’નાં પૃષ્ઠો પર દેખાય છે. ‘સંજ્ઞા’ના બે અંકો પ્રકાશિત થતાં સુધીમાં ગુજરાતે ‘સંજ્ઞા’નો સાહિત્યિક સામયિક તરીકેનો સ્વીકાર કરી લીધેલો. એની પાછળ ‘સંજ્ઞા’ના એક એક પૃષ્ઠનો અને એક એક કોલમના લે-આઉટ માટે મથનારા હર્ષદ કાપડિયા, ઉષાકાન્ત મહેતાનો પણ અવિસ્મરણીય ફાળો છે. ત્રણસો જેટલા ગ્રાહકો આ ત્રૈમાસિક ધરાવતું હતું.

કિશોર વ્યાસ