ષન્મુગસુંદરમ્, એસ. (સુંદરપાન્ડિયન, . 30 ડિસેમ્બર 1949, કાલકરાઈ, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ) : તમિળ લેખક. તેમણે તમિળમાં એમ.એ.; પીએચ.ડી. તથા માનવશાસ્ત્રમાં ડિપ્લોમાની પદવી મેળવી હતી. તેઓ બૅંગાલુરુની સેંટ જોસેફ કૉલેજના તમિળ સાહિત્ય વિભાગના પ્રાધ્યાપક અને વડા રહેલા.

તેમણે 18 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કન્નાડિઆર માકા’ (1981) : ‘ચાણક્કિયન’ (1987); ‘ટિપુ સુલતાન’ (1988); ‘આશરો’ (1993) અને ‘આંધી’ (1998), તેમની લોકપ્રિય નવલકથાઓ છે. ‘કલવુ’ (1995), ‘અમ્મા’ તેમના વાર્તાસંગ્રહો છે. ‘પાકલ કનવુ’ (1980) કાવ્યસંગ્રહ છે. ‘વૈરામુતુવરાઈ’ (1989) અને ‘તમિળ વત્તારા નોવેલકાલ’ (1992) અભ્યાસગ્રંથો છે.

ઉત્તમ નવલકથા માટે તેમને 1993માં તામિલનાડુ કલાઈ ઇલક્કિયા પેરુમન્ટમ્; 1994માં નેલા મલાઈ તમિળ સંગમ તરફથી ઍવૉર્ડ; 1995માં તામિળનાડુ મુરપોક્કુ ઈળુતલાર સંગમ તરફથી ફિલ્મના વિવેચન માટે સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો છે.

બળદેવભાઈ કનીજિયા