ષન્મુગમ, એસ. ઉલુંતુર્પ્પેટ્ટાઈ (ઉષા)

January, 2006

ષન્મુગમ, એસ. ઉલુંતુર્પ્પેટ્ટાઈ (ઉષા) (. 16 સપ્ટેમ્બર 1932, ઉલુન્દુર્પેટ, જિ. વિલુપુરમ્ રામસામી, તામિલનાડુ) : તમિળ કવયિત્રી. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી 1960માં એમ.એ.; અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી એમ.લિટ. (1970) અને પીએચ.ડી.(1978)ની પદવી મેળવી. તેઓ અન્નામલાઈ યુનિવર્સિટીમાં અધ્યાપક; એસ.આઇ.વી.ઈ.ટી. કૉલેજ, ચેન્નાઈ ખાતે 1972-74 દરમિયાન તમિળ વિભાગનાં વડાં; 1975-78 દરમિયાન તામિલનાડુ સરકારના સચિવાલયમાં ભાષા-વિભાગનાં મદદનીશ નિયામક; 1978-81 દરમિયાન તમિળ સાંસ્કૃતિક કેન્દ્રનાં નિયામક રહ્યાં.

તેમણે અત્યાર સુધીમાં 14 તમિળ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ઈસાઈમાલાઈ’ (1961), ‘પોંગુપુનાલ’ કાવ્યસંગ્રહો છે. ‘ઇન્બાતી’ (1965), ‘સારલ’ (1966) અને ‘કાંગુલવેલમ્’ (1971) ઊર્મિકાવ્યસંગ્રહો છે. ‘એન્જે સેન્રાઈ’ (1961) ટાગોર તથા શેલીમાંથી અનુકૂલન; ‘અન્નૈયાડા અન્નાઈ’ (1971) ઊર્મિકાવ્ય રૂપે નૃત્યનાટિકા છે. ‘જ્ઞાન ઉર્તુ’ (1972), ‘પાદમાલાર્ગલ’ (1970) બંને ભક્તિગીતો છે. તેમણે શિષ્ટમાન્ય સંસ્કૃત ગ્રંથોને તમિળમાં અનૂદિત કર્યા છે અને સંખ્યાબંધ ભક્તિગીતો રચ્યાં છે.

તેમને તામિલનાડુ સરકાર તરફથી 1975માં ‘કલૈમામાની ઍવૉર્ડ’ આપવામાં આવ્યો છે. વળી પાવલાર મન્રમ તરફથી 1972માં ‘ઈસાઈક્કવી આરસુ’; વર્લ્ડ કમ્યૂનિટી સેન્ટર, ચેન્નાઈ તરફથી 1984માં ‘આરત ચેલ્વાર’ ઉપરાંત ‘દેવીગા કવિગ્નાર’, ‘પેરુન્કવિગ્નાર’ જેવા ખિતાબોથી તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

બળદેવભાઈ કનીજિયા