ષણ્મુખસુંદરમ્ (. 1918; . 1977) : તમિળ નવલકથાકાર અને અનુવાદક. તેમણે ‘આલોલમ’, ‘રાશ’ અને ‘પેરુરાન’ તખલ્લુસથી પણ લેખનકાર્ય કર્યું હતું. માતૃભાષા તમિળ હોવા છતાં હિંદી, ઉર્દૂ અને અંગ્રેજી પર તેમનો સારો કાબૂ હતો. તેઓ ગાંધીજીના આદર્શોને વરેલા હોઈ શરૂઆતમાં તમિળ દૈનિકમાં તેમણે રાજકીય વિશેષતાવાળા લેખોને પ્રાધાન્ય આપેલું.

તેમણે આશરે 80 નવલકથાઓ પ્રગટ કરી છે. તમિળમાં સાંસ્કૃતિક જાગરૂકતાના તબક્કે રાજકીય રંગે રંગાયેલી બંગાળી નવલકથાઓએ તેમને આકર્ષ્યા. તેમણે ઉપલબ્ધ હિંદી અનુવાદો મારફત શરતચંદ્ર ચૅટરજી, તારાશંકર બૅનરજી, બંકિમચંદ્ર, રમેશ ચંદ્ર દત્ત અને વિભૂતિભૂષણ બૅનરજીની બંગાળી નવલકથાઓ તમિળમાં અનૂદિત કરી. રચનાત્મક વ્યક્તિત્વનો પ્રધાન સૂર ધરાવતી તેમની નવલકથા ‘નાગમ્મલ’ (1941) છે. તેમાં તેમણે ગ્રામીણ ભૂમિકાએ, ખાસ કરીને તેમના પોતાના ગામ અને તેની આસપાસના કોઇમ્બતુર અને પેરિયાર જિલ્લાના ગ્રામજીવનનું તેનાં તમામ સુખ-દુ:ખ, સિદ્ધિઓ અને હતાશા સહિત આબેહૂબ ચિત્રાંકન કર્યું છે.

1960 પછી તેમણે કલાત્મક પ્રતિભા અને નવતર જોમ સાથે એક પછી એક એમ 12 નવલકથાઓ આપી. તેમાં ‘અરુવડાઈ’ (‘હાર્વેસ્ટ’, 1960); ‘ઇડય ડાકમ્’ (‘હાર્ટ્સ ડિઝાયર’, 1963); ‘એન્નમ્પોલ વાલ્વુ’ (‘લાઇફ ઍઝ યુ લાઇક ઇટ’, 1963); ‘અલિયક્કોલમ્’ (‘ધી ઇમ્પેરિશેબલ ડિઝાઇન’, 1965); ‘અટુવા ઇટુવા ?’ (‘ધિસ ઑર ધૅટ’, 1966); ‘મન નિલાલ’ (‘માઇન્ડ્ઝ રોડૉ’, 1967); ‘તાનિવલી’ (‘ઑન વન્સ ઑન’, 1967); ‘પટુક્કિલાઇ’ (‘ફ્રેશ બ્રાન્ચ’, 1968) અને ‘ઉદય તારકાઈ’ (‘રાઇઝિંગ સ્ટાર’, 1969) ખાસ ઉલ્લેખનીય છે. આ રીતે કન્નડ સાહિત્યમાં નવલકથાક્ષેત્રે તેમનું મહત્વનું પ્રદાન છે.

બળદેવભાઈ કનીજિયા