શ્વાસ (ચલચિત્ર) : વર્ષ 2004ના સર્વોત્કૃષ્ટ કથાચિત્ર માટેના રાષ્ટ્રપતિ-ચંદ્રકનું વિજેતા મરાઠી ચલચિત્ર. અંગ્રેજી સિવાયની ભાષાઓ(foreign films category)માં વિશ્વસ્તરે નિર્માણ થયેલાં ચલચિત્રોની શ્રેણીમાં ઑસ્કર પારિતોષિક-સ્પર્ધા માટે ભારતીય ચલચિત્રોમાંથી તેની પસંદગી (nomination) થઈ હતી. નિર્માણ-વર્ષ : 2004. નિર્માતા : અરુણ નલવડે. ચલચિત્રની ભાષા : મરાઠી. દિગ્દર્શક : સંદીપ સાવંત. મુખ્ય ભૂમિકા : બાળકલાકાર અશ્વિન ચિતળે (પરશાની ભૂમિકામાં), અરુણ નલવડે (દાદાની ભૂમિકામાં), સંદીપ કુલકર્ણી (ડૉક્ટરની ભૂમિકામાં) તથા અમૃતા સુભાષ (સ્વાસ્થ્યક્ષેત્રની સમાજસેવિકાની ભૂમિકામાં). સમય : લગભગ બે કલાક.

પરશાની ભૂમિકામાં બાળકલાકાર અશ્વિન ચિતળે અને દાદાની ભૂમિકામાં અરુણ નવલડની એક લાક્ષણિક તસવીર

‘શ્વાસ’ની કથાવસ્તુ આ પ્રમાણે છે : મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારના એક ગામડામાં રહેતા સુખી પરિવારના 8-10 વર્ષના બાળક પરશુરામ(લાડકું નામ ‘પરશા’)ની બંને આંખોમાં કૅન્સર થાય છે, જેના પરિણામે ધીમે ધીમે તે પોતાની દૃષ્ટિનું તેજ ગુમાવતો જાય છે. સ્થાનિક વૈદ્યકીય સારવાર દરમિયાન તેના વાલીઓને મુંબઈના કોઈ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવાનું સૂચન કરવામાં આવે છે અને તે મુજબ પરશાના દાદા તેને મુંબઈ લઈ જાય છે. (પરશાનો પિતા ટ્રકચાલક હોય છે અને કોઈ અકસ્માતમાં તે ફસાયેલો હોવાથી પુત્ર સાથે તે મુંબઈ જઈ શકતો નથી.) ડૉક્ટરના નિદાન મુજબ બાળકના શરીરમાં અન્યત્ર કૅન્સરનો ફેલાવ અટકાવવા માટે પરશાની બંને આંખોનું ઑપરેશન અનિવાર્ય બને છે, પરંતુ તેમ કરવા જતાં દર્દી બચી જશે પણ તે કાયમ માટે દૃષ્ટિહીન બની જશે. પરશાના દાદા વિમાસણમાં મુકાઈ જાય છે. તે અન્ય કોઈ ડૉક્ટર પાસેથી બાળકનો ઇલાજ કરાવવાનો વિચાર કરે છે, જેમાં તેમને સફળતા મળતી નથી. છેવટે તે ઑપરેશનની સંમતિ આપી દે છે. ઑપરેશન તાત્કાલિક કરવાનું હોવાથી તે જ દિવસે રાત્રે ઑપરેશન કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. પણ તે પૂર્વે દિવસ દરમિયાન તે પોતાના વહાલસોયા પૌત્રને મુંબઈનાં બાળકો માટેનાં જુદાં જુદાં જોવાલાયક સ્થળોની મુલાકાતે લઈ જાય છે. જેથી દૃષ્ટિ ગુમાવતાં પહેલાં તે છેલ્લી વાર તેનો આનંદ લઈ શકે. ડૉક્ટર કે દવાખાનાના અન્ય સત્તાધારીઓની પૂર્વ સંમતિ લીધા વગર તે દવાખાનામાંથી પરશાને લઈને છટકી જાય છે. અહીં દવાખાનામાંથી દર્દી અને તેના વાલી ગુમ થવાથી સર્વત્ર બૂમાબૂમ શરૂ થાય છે, જેમાં પત્રકારો અને સમાજસેવકો પણ દાખલ છે. છેવટે આખો દિવસ આનંદમાં ગાળ્યા પછી સાંજના પરશાને લઈને તેના દાદા દવાખાનામાં હાજર થાય છે. ડૉક્ટર ખૂબ ગુસ્સે થાય છે; પરંતુ છેવટે બાળકની જિંદગી બચાવવાની હોવાથી માનવતાવાદી ડૉક્ટર રાત્રે બાળકનું ઑપરેશન કરે છે. પરશાની જિંદગી બચી જાય છે, પરંતુ તે કાયમ માટે દૃષ્ટિહીન બને છે. આ સ્થિતિમાં પરશાને લઈને તેના દાદા પોતાના ગામે પહોંચે છે, જ્યાં ચલચિત્રની પટકથા પૂરી થાય છે. ચલચિત્રનું છેલ્લું દૃદૃશ્ય પ્રેક્ષકોને ભાવવિભોર કરી મૂકે છે.

આમ તો કૅન્સરના દર્દીની કથની પર આધારિત ચલચિત્રો ભારતના રજતપટ પર આ અગાઉ પણ પ્રદર્શિત થયાં છે; દા.ત., ‘આનંદ’ (1970); ‘મિલી’ (1975), ‘દર્દ કા રિશ્તા’ (1982) વગેરે. લગભગ આવી જ પટકથાની પાર્શ્ર્વભૂમિમાં ‘અખેરચા સવાલ’ શીર્ષક સાથેનું મરાઠી નાટક પણ રંગભૂમિ પર આવી ગયું છે, જેનું દિગ્દર્શન વિદુષી વિજયા મહેતાએ કર્યું હતું; પરંતુ તેનાં નાયકો/નાયિકા મોટી ઉંમરનાં હતાં. ‘શ્વાસ’ ચલચિત્રની પટકથામાં 8-10 વર્ષના વહાલસોયા બાળકની જિંદગીની કથની હોવાથી અને તેનું દિગ્દર્શન તથા છબીકલા ઉત્કૃષ્ટ રીતે કરવામાં આવેલાં હોવાથી આ ચલચિત્ર વધુ સંવેદનશીલ બન્યું છે. વળી તેનાં ચારેય મુખ્ય પાત્રો(દાદા, પરશા, ડૉક્ટર અને સમાજસેવિકા)નો અભિનય દાદ માગી લે તેવો રહ્યો છે. વર્ષ 2004ના સર્વોત્કૃષ્ટ કથાચિત્રના રાષ્ટ્રપતિ-ચંદ્રક ઉપરાંત પરશાની ભૂમિકા ભજવનાર અશ્વિન ચિતળેને તે વર્ષનું ઉત્કૃષ્ટ બાળકલાકારનું પ્રથમ પારિતોષિક પણ એનાયત થયું હતું.

ભારતના ચલચિત્ર-ક્ષેત્રે 1954માં પહેલી જ વાર સરકારી રાહે રાષ્ટ્રપતિ ઍવૉર્ડ (ચંદ્રક) દાખલ કરવાની પ્રથાનો શુભારંભ થયેલો અને પહેલે જ વર્ષે (1954) સાને ગુરુજી લિખિત વિખ્યાત નવલકથા ‘શ્યામચી આઇ’ (શ્યામની મા) પર આધારિત પટકથા ધરાવતું અત્રે પિક્ચર્સ દ્વારા નિર્મિત તે જ શીર્ષક હેઠળનું મરાઠી ચલચિત્ર સર્વોત્કૃષ્ટ કથાચિત્ર તરીકે રાષ્ટ્રપતિના ચંદ્રક માટે પસંદગી પામેલું. ત્યાર પછી બરાબર પચાસ વર્ષ બાદ વર્ષ 2004ના સર્વોત્કૃષ્ટ કથાચિત્ર તરીકે આ મરાઠી ચલચિત્રની પસંદગી થઈ.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે