શૌકત હુસૈનખાં, ઉસ્તાદ (જ. ?) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જયપુરઅત્રૌલી ઘરાનાના જાણીતા ગાયક. બોલ-બાત, બોલ-તાન અને લયકારી આ ઘરાનાની લાક્ષણિકતા ગણાય છે, જે શૌકત હુસૈનખાં(નિયાઝી)ના ગાયનમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. તેઓ આ જ ઘરાનાના વિખ્યાત ગાયક ઉસ્તાદ શરાફત હુસૈનખાં સાહેબના પુત્ર છે, તેથી તેમને શાસ્ત્રીય સંગીતની ગાયકીના સંસ્કાર ગળથૂથીમાં પ્રાપ્ત થયા છે. પિતાના અવસાન પછી શૌકત હુસૈનખાંએ શાસ્ત્રીય સંગીતની તાલીમ તેમના મામા ઉસ્તાદ યુનુસ હુસૈનખાં અને ઉસ્તાદ મુબારક અલીખાં પાસેથી મેળવી હતી. ત્યાર બાદ પૂર્ણિમા સેન પાસેથી પણ તેમણે તાલીમ લીધી હતી.

શૌકત હુસૈનખાં આશરે 200 બંદિશો પર પ્રભુત્વ ધરાવે છે. તેમણે દેશવિદેશનાં ઘણાં નગરોમાં જાહેર કાર્યક્રમો દ્વારા પોતાની કલાનો પરિચય આપ્યો છે. હાલ (2008) તેઓ અમદાવાદ ખાતે નિવાસ કરે છે અને આ નગરની શાસ્ત્રીય સંગીતને વરેલી ‘સપ્તક’ સંસ્થામાં યુવાપેઢીને તેમના ઘરાનાની ગાયકીની રીતસરની તાલીમ આપવામાં વ્યસ્ત રહે છે.

ગુજરાત સરકારે તેમને વર્ષ 2004–05ના ગૌરવ પુરસ્કારથી સન્માન્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે