શેળો (Hedge hog) : વાળની જગ્યાએ શૂળો (spines) વડે છવાયેલું કીટભક્ષી (insectivora) શ્રેણીનું Erinaceidae કુળનું સસ્તન પ્રાણી. શાસ્ત્રીય નામ Erinaceus collaries Gray. કીટકો ઉપરાંત ગોકળગાય, કૃમિ, પક્ષી અને તેનાં ઈંડાં તેમજ નાનાં કદનાં સસ્તન પ્રાણીઓનો શિકાર કરે છે. બીવે ત્યારે પોતાના શરીરને દડાની જેમ વાળી રક્ષણ મેળવે છે. શૂળોના સ્નાયુઓ મજબૂત હોય છે. તેની મદદથી શૂળને ટટ્ટાર રાખી આક્રમણકારને ભોંકી શકે છે. પાણી છાંટવાથી શેળાનું શરીર પૂર્વવત્ બને છે. તેની આ આદતને લીધે શિયાળ જેવાં સસ્તનો શેળાના શરીર પર પેશાબ કરી આક્રમણ કરે છે અને શેળાને મારી નાંખી તેનું માંસ ખાય છે. સામાન્યપણે દિવસ દરમિયાન ઝાડી, વાડ, ખેતર જેવી જગ્યાએ ભરાઈ રહે અને શિકાર કરવા રાત્રે બહાર નીકળે છે.

શેળો

શેળાની આંખો સારી રીતે વિકસેલી હોય છે. કાન કદમાં નાના, શાહુડીની જેમ તેની પૂંછડી પાસે આવેલ ગ્રંથિમાંથી ઉગ્ર વાસવાળા પ્રવાહીનો સ્રાવ કરે છે.

માદાનો ગર્ભધારણ-સમય (gestation period) 30 થી 50 દિવસનો હોય છે. સામાન્યપણે વર્ષ દરમિયાન બે વાર એકીસાથે બે અથવા વધારે બચ્ચાંને જન્મ આપે છે. બચ્ચાં જન્મે આંધળાં હોય છે, જ્યારે તેના નીચેના વાળ કોમળ હોય છે. તેથી પાલનપોષણ કરતાં તેની માતાને ઈજા થતી નથી.

દક્ષિણ એશિયામાં વસતા શેળાના વાળ નરમ હોય છે. આ શેળો ચાંદઉંદર (moon rat) તરીકે જાણીતો છે. ચાંદઉંદર મૂષકાદિ શ્રેણીનું સૌથી મોટા કદનું પ્રાણી લેખાય છે.

મ. શિ. દુબળે