શુક્લ, સી. પી. (. 10 નવેમ્બર 1913, પાટણ, ગુજરાત; . 19 ઑક્ટોબર, 1982, વડોદરા) : ભારતમાં ગ્રંથાલયવિજ્ઞાનમાં સૌપ્રથમ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરનાર, યુનેસ્કો અન્વયે વિવિધ દેશોમાં ગ્રંથાલયનિષ્ણાત તરીકે કામ કરનાર ગુજરાતના એક સુપ્રસિદ્ધ ગ્રંથાલયવિજ્ઞાની. ડૉ. ચંપકલાલ પ્રાણશંકર શુક્લ ‘ડૉ. સી. પી. શુક્લ’ના નામે યુનિવર્સિટી જગતમાં સવિશેષ ઓળખાતા રહેલા. એમનો જન્મ ગુજરાતના એક નિષ્કિંચન, પણ વેદવિદ્યાસંપન્ન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.

એ સમયની, મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી તેમણે પ્રાથમિક શિક્ષક તરીકેની કારકિર્દીથી તેમના સંઘર્ષમય જીવનની શરૂઆત કરી હતી. તેમણે વડોદરા રાજ્યના મધ્યસ્થ ગ્રંથાલય, શિક્ષણ વિભાગ અને ગ્રંથાલયક્ષેત્રમાં ઈ. સ. 1933થી 1949 સુધી જુદા જુદા હોદ્દાઓ પર રહી કામગીરી કરી હતી.

દિલ્હી યુનિવર્સિટીમાંથી ઈ. સ. 1942માં બી.એ.(ઑનર્સ)ની ઉપાધિ ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે પ્રાપ્ત કરી. ઈ. સ. 1945માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી. ટી.(બેચલર ઑવ્ ટીચિંગ)ની ડિગ્રી પ્રાપ્ત કરી. એમ.એ.ની ઉપાધિ રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર સાથે ઈ. સ. 1949માં મેળવી. ગ્રંથાલયવિજ્ઞાનમાં પણ એમ.એ.ની પદવી ઈ. સ. 1951માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી મેળવી. ત્યારબાદ ઈ. સ. 1953માં મિશિગન યુનિવર્સિટીમાંથી ગ્રંથાલયવિજ્ઞાનમાં ડૉક્ટરેટની પદવી પણ પ્રાપ્ત કરી.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના ઈ. સ. 1949ના મે માસમાં વડોદરા ખાતે થઈ. સી. પી. શુક્લ 1950માં વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરીમાંથી છૂટા થઈ, યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન તરીકે જોડાયા. ડૉ. સી. પી. શુક્લે વૉશિંગ્ટન ખાતે લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસમાં ઑરિયેન્ટાલિયા સેક્શનના મુખ્ય ડૉ. હોરેશ પોલમૅન સાથે ઈ. સ. 1952થી 1954 સુધી બે વર્ષ કામગીરી કરી હતી.

195465ના સમયગાળા દરમિયાન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા ખાતે યુનિવર્સિટી લાઇબ્રેરિયન તરીકે કામ કર્યું. ઈ. સ. 1956-65 સુધી ગ્રંથાલયવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ બન્યા. ઈ. સ. 1975થી 1982 સુધી ગ્રંથાલયવિજ્ઞાનના માનાર્હ અધ્યાપક તરીકે કાર્ય કર્યું.

વડોદરાની મ. સ. યુનિવર્સિટીની લાઇબ્રેરી ઈ. સ. 1957માં નવા વિશાળ મકાનમાં ખસેડવામાં આવી. આ વિશાળ મકાનમાં લાઇબ્રેરીની ભાવિ જરૂરિયાતો આર્કિટેક્ટને સમજાવવામાં ડૉ. શુક્લે ભારે પરિશ્રમ લીધો હતો; કેમ કે ત્યારે ઘણા એમ માનતા હતા કે આટલા મોટા વાચનખંડમાં કોણ આવવાનું છે ? મોટાભાગની જગ્યા ખાલી રહેશે, પણ હવે તે ખંડ સાંકડો પડે છે. ઈ. સ. 1958-59માં આ લાઇબ્રેરીનું નામ ‘શ્રીમતી હંસા મહેતા લાઇબ્રેરી’ રાખવામાં આવ્યું. શ્રીમતી હંસા મહેતા લાઇબ્રેરીએ ડૉ. શુક્લના સમય દરમિયાન અસાધારણ વિકાસ સાધ્યો. ડૉ. શુક્લ સમક્ષ પ્રથમ પ્રશ્ન યુનિવર્સિટીના વિવિધ ગ્રંથાલયોના ગ્રંથસંગ્રહને એકત્ર કરીને કેન્દ્રીય ગ્રંથાલય રૂપે ગોઠવવાનો હતો. આ એમને માટે જબરો મોટો પડકાર હતો. લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસની છાપેલી સૂચિનો ઉપયોગ કરીને તેમણે એકત્રિત થયેલા સંગ્રહનું વર્ગીકરણ કર્યું. આ એમની સાચી દિશાની સૂઝનું પરિણામ હતું.

મ. સ. યુનિવર્સિટીમાં ગ્રંથાલયવિજ્ઞાનનો એક વર્ષનો અનુસ્નાતક ડિપ્લોમા ઈ. સ. 1956માં શરૂ થયો. આ વિભાગના તેઓ પ્રથમ વડા નિમાયા. તેમની પાસે ઉચ્ચ કક્ષાની તાલીમ લીધેલા વિદ્યાર્થીઓ આજે દેશભરમાં શૈક્ષણિક તથા ઔદ્યોગિક ગ્રંથાલયોમાં સુંદર કામગીરી સંભાળી રહ્યા છે.

ડૉ. શુક્લ યુનિવર્સિટી સેનેટના સભ્યપદે 1957થી ’65 સુધી રહ્યા. ઈ. સ. 1965થી 1969 સુધી ઇથિયોપિયામાં અને 1970થી ’76 સુધી ઝાંબિયામાં યુનેસ્કોના એક્સપર્ટ તરીકે કામ કર્યું. ઇથિયોપિયા તથા ઝાંબિયામાં અગિયાર વર્ષો સુધી લાઇબ્રેરી-એક્સપર્ટ તરીકેની સેવાઓ આપ્યા બાદ  ઈ. સ. 1976માં ભારત પાછા ફર્યા. ત્યારબાદ ગ્રંથાલયવિજ્ઞાન વિભાગમાં માનાર્હ મુલાકાતી પ્રાધ્યાપક તરીકે મૃત્યુ પર્યંત સેવાઓ આપી.

ગુજરાતની અને તે સિવાય ભારતની જુદી જુદી યુનિવર્સિટીઓનાં ગ્રંથાલયોના સલાહકાર તરીકે અને એની વિવિધ સમિતિઓના સભ્યપદે રહીને તેમણે ગ્રંથાલયસેવા કરી છે. ગુજરાત ગ્રંથાલય ધારો ઘડવામાં અને પસાર કરાવવા માટે તેમણે સક્રિય પ્રયત્નો કરેલા. ગુજરાતની ગ્રંથાલય-પ્રવૃત્તિઓમાં તેમણે ખૂબ ઊંડો રસ લીધો હતો. રાજ્ય ગ્રંથાલય સલાહકાર સમિતિના સભ્યપદે રહીને તેમણે છેક સુધી પોતાની આગવી શૈલીથી સલાહ-સૂચનો આપ્યાં હતાં.

ભારતીય ગ્રંથાલય મંડળ (ILA) અને ભારતીય વિશિષ્ટ ગ્રંથાલય અને માહિતીકેન્દ્રોના મંડળના તેઓ 1959થી ’65 સુધી ઉપપ્રમુખપદે રહ્યા હતા. ગ્રંથાલયવિજ્ઞાનની રિવ્યૂ કમિટીના તેઓ સભ્ય હતા. ભારત સરકારના પ્લાનિંગ કમિશનની લાઇબ્રેરી કમિટીના પણ તેઓ સભ્ય હતા. ઈ. સ. 1961માં પૅરિસમાં સૂચીકરણની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેમણે ભાગ લીધો હતો. વિવિધ યુનિવર્સિટીઓની ગ્રંથાલયવિજ્ઞાનની અભ્યાસ સમિતિઓના તેઓ સભ્ય હતા.

સામાન્યત: ડૉ. સી. પી. શુક્લના પરિચયમાં આવનારને પ્રથમ એમ લાગે કે તેઓ ઘણા ‘અતડા’ (formal) છે અને પોતાનું મન કળાવા દેતા નથી. પરંતુ તેમની સાથે વધુ પરિચયમાં આવ્યા પછી આ છાપ ભૂંસાઈ જતી. તેઓ ઘણા જ માયાળુ અને પ્રેમાર્દ્ર હૃદયના હતા. એક ગ્રંથપાલ સફળ શિક્ષક પણ હોય અને સફળ વહીવટકર્તા પણ હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. ડૉ. સી. પી. શુક્લમાં આ બંને ગુણોનો સમન્વય હતો.

સી. પી. શુક્લ સ્વતંત્ર વિચારશક્તિવાળા સાચા બૌદ્ધિક હતા. શિસ્તના પરમ આગ્રહી, વિદ્યાવ્યાસંગી અને સતત કાર્યપરાયણતામાં માનનાર તેઓ એક વિરલ વિભૂતિ હતા. તેઓ તેમના જીવનના અંત સુધી ડૉ. એસ. આર. રંગનાથનની જેમ પોતાના કાર્યક્ષેત્રમાં વ્યસ્ત રહ્યા. એક ઉત્તમ યુનિવર્સિટી ગ્રંથાલયના સર્જક તરીકે તેમની નામના છે.

કનુભાઈ શાહ