શીલાઇટ (Scheelite) : ટંગસ્ટન-પ્રાપ્તિ માટેનું એક ખનિજ. રાસા. બં. : CaWO4. સ્ફટિક વર્ગ : ટેટ્રાગૉનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો ઑક્ટાહેડ્રલ અથવા મેજઆકાર; ક્યારેક ત્રાંસાં રેખાંકનોવાળા તેમજ ખરબચડા; દળદાર, દાણાદાર; સ્તંભાકાર. યુગ્મતા સામાન્યત: (110) ફલક પર મળે, મોટેભાગે આંતરગૂંથણી કે સંપર્ક-યુગ્મો મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : (101) ફલક પર સ્પષ્ટ, (001) ફલક પર અસ્પષ્ટ. પ્રભંગ : આછા વલયાકારથી ખરબચડો, બરડ. ચમક : કાચમયથી હીરક (વજ્રમય  adamantine). રંગ : રંગવિહીન, સફેદ, રાખોડી, આછો પીળો, આછા પીળા સફેદથી કથ્થાઈ, કેસરી પીળો, લીલાશ પડતો, ગુલાબી ઝાંયવાળો, લાલાશ પડતો પણ હોય. ટૂંકી તરંગલંબાઈવાળા પારજાંબલી પ્રકાશકિરણો હેઠળ તેજસ્વી ભૂરાશ પડતા સફેદથી સફેદ કે પીળાશ પડતા રંગવાળું પ્રસ્ફુરણ દર્શાવે. ચૂર્ણરંગ : સફેદ. કઠિનતા : 4.5થી 5. વિ. ઘ. : 6.10. પ્રકા. અચ. : ω = 1.9375, ∈ = 1.9208. પ્રકા. સંજ્ઞા : +ve.

પ્રાપ્તિસ્થિતિ : સંપર્ક વિકૃતિજન્ય નિક્ષેપોમાં, ઉષ્ણજળજન્ય/ઉષ્ણબાષ્પીય શિરાઓમાં, પૅગ્મેટાઇટ તેમજ ભૌતિક સંકેન્દ્રણો રૂપે મળે છે. મોટેભાગે વુલ્ફ્રેમાઇટ સાથે સંકળાયેલું મળે છે. અન્ય સહખનિજો ફ્લોરાઇટ, મોલિબ્ડિનાઇટ, સ્ફીન, વૉલેસ્ટોનાઇટ, એપિડોટ, ટ્રૅમોલાઇટ, ગાર્નેટ વગેરે હોય છે.

શીલાઇટ

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, મૅક્સિકો, બોલિવિયા, બ્રાઝિલ, પેરુ, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, જર્મની, ચૅકોસ્લોવેકિયા, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ, સાર્ડિનિયા, રશિયા, મલેશિયા, મ્યાનમાર, ઑસ્ટ્રેલિયા, કોરિયા અને જાપાન.

શીલાઇટ એ અગત્યનું ટંગસ્ટન ખનિજ છે.

ગિરીશભાઈ પંડ્યા