શિયરર, મોઇરા (. 17 જાન્યુઆરી 1926, સ્કૉટલૅન્ડ) : વિશ્વપ્રસિદ્ધ બૅલે નર્તકી. સેડ્લર્સ વેલ્સ અને રૉયલ બૅલેમાં તેમણે બૅલે-નર્તનનો અભ્યાસ કર્યો. 1941માં તેઓ ‘ઇન્ટરનૅશનલ બૅલે કંપની’માં નર્તકી તરીકે જોડાયાં. હવે તેમણે ‘કોપેલિયા’ અને ‘ગીઝાલે’ તથા ચાઇકૉવ્સ્કીના બૅલે ‘સ્વાન લેઇક’ અને ‘સ્લીપિન્ગ બ્યૂટી’માં પ્રમુખ

‘સ્લીપીન્ગ બ્યૂટી’ બૅલેમાં મુખ્ય નર્તકી તરીકે મોઇરા શિયરર, 1953

નર્તકી તરીકે નૃત્ય કરવું શરૂ કર્યું. 1948માં તેમણે ફ્રેડેરિખ ઍશ્ટોનના બૅલે ‘સિન્ડ્રેલા’માં નૃત્ય કર્યું. ત્યારબાદ તેમણે મેસિનેના ‘ક્લૉક સિમ્ફની’ (1948), હેલ્પ્માનના ‘મિરેકલ ઇન ધ ગોર્બાલ્સ’ અને દ વાલોઇસના ‘પ્રોમિનેડ’માં નૃત્ય કર્યું.

‘ધ રેડ શૂઝ’ ફિલ્મમાં બૅલે નર્તકીનું પાત્ર ભજવીને મોઇરાએ તેમની ફિલ્મી કારકિર્દી શરૂ કરી. ત્યારબાદ તેમણે બીજી ત્રણ ફિલ્મો ‘ટેઇલ્સ ઑવ્ હૉફમાન’ (1951), ‘ધ મૅન હૂ લવ્ડ રેડહેડ્ઝ’ (1955) અને ‘બ્લૅક લાઇટ્સ’(1962)માં મુખ્ય મહિલા-પાત્રો ભજવ્યાં.

તેમણે રંગમંચ પર અદાકારી પણ કરી. 1954માં તેમણે લંડન અને બ્રિસ્ટોલ ખાતે યોજાયેલા એડિનબરો ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલ ઑવ્ મ્યૂઝિક ઍન્ડ ડ્રામામાં બૅલે ‘મિડસમર નાઇટ્સ ડ્રીમ’માં ટાટિયાનાનો રોલ ભજવ્યો. 1955માં તેમણે બર્નાર્ડ શૉના નાટક ‘મેજર બાર્બરા’માં મુખ્ય ભૂમિકા ભજવી. 1977માં એડિનબરો ખાતેની ‘ધ ચૅરી ઑર્ચર્ડ’ની ભજવણીમાં તેમણે માદામ શનેવ્સ્કાયાનું પાત્ર અને ‘હે ફીવર’માં જુડિથ બ્લિસનું પાત્ર ભજવ્યું. 1970 પછી તેમણે સમગ્ર વિશ્વમાં વ્યાખ્યાનયાત્રાઓ કરવી શરૂ કરી. એમાં તેઓ કાવ્યપઠન અને ગદ્યપઠન પણ કરતાં.

અમિતાભ મડિયા