શિંગડાંવાળી ઇયળ (Horned caterpillar) : ડાંગરના પાકમાં નુકસાન કરતી માથા પર લાલ રંગનાં બે શિંગડાં જેવી રચનાવાળી જીવાત.

ભારતના ડાંગર પકવતાં લગભગ બધાં જ રાજ્યોમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. તે એક ગૌણ જીવાત છે. તેનું વૈજ્ઞાનિક નામ મેલાનિટિસ લેડા ઇસ્મેન (Melanitis Leda ismene, Cramer) છે. તેનો રોમપક્ષ (Lepidoptera) શ્રેણીનાં ગેલેચીડી (Gelechiidae) કુળમાં સમાવેશ થયેલ છે. આ જીવાતનું પતંગિયું મોટું અને છીંકણી રંગનું હોય છે. તેની પાંખ પર કાળા તથા પીળા રંગનું આંખ જેવું મોટું ટપકું હોય છે. પતંગિયાં 18થી 25 દિવસ જીવે છે. દરમિયાન માદા પતંગિયું નર સાથે સમાગમ કર્યા બાદ ડાંગરનાં પાન પર લગભગ 150 જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડાં પીળાશ પડતાં મલાઈ રંગનાં હોય છે. આ અવસ્થા 3થી 4 દિવસની હોય છે. તેનું સેવન થતાં તેમાંથી નીકળેલી ઇયળ 18થી 23 દિવસમાં ચાર વખત નિર્મોચન (કાંચળી ઉતારવી) કરી પૂર્ણ વૃદ્ધિ પામે છે. આવી ઇયળો લીલા કે પોપટી રંગની અને આશરે પાંચેક સેમી. જેટલી લાંબી હોય છે. તેના માથા પર લાલ રંગનાં બે શિંગડાં જેવી રચના (કાંટા) હોય છે. તેથી તે ‘શિંગડાંવાળી ઇયળ’ તરીકે ઓળખાય છે. આવી ઇયળો ડાંગરના પાનને ધારેથી ખાવાનું શરૂ કરે છે અને પાન કાપી ખાય છે. ક્યારેક વધુ ઉપદ્રવમાં ડાંગરનાં પાન મોટા પ્રમાણમાં ખવાઈ જતાં છોડ દૂરથી જુદા તરી આવે છે. ઇયળ-અવસ્થા પૂર્ણ વૃદ્ધિ થતાં પાનની નીચેની બાજુએ કોશેટો બનાવે છે, જે લીલાશ પડતા રંગના અને ચણાના પોપટા આકારના હોય છે, જે પાનની નીચે લટકતા જોવા મળે છે. કોશેટો-અવસ્થા 6થી 7 દિવસની હોય છે; જે પૂર્ણ થતાં તેમાંથી પતંગિયું બહાર નીકળી આવે છે. આમ ઈંડાંથી પુખ્ત કીટક સુધીનો સંપૂર્ણ જીવનક્રમ લગભગ 30થી 45 દિવસમાં પૂર્ણ થાય છે. આ જીવાતનાં ઈંડાં પર ટીલીનોમસ સ્પી. (Telenomus sp.) જાતિનાં પરજીવી નોંધાયેલ છે. ગુજરાત રાજ્યમાં મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, નવાગામ ખાતે થયેલ એક અભ્યાસ મુજબ સને 1988, 1989 અને 1993 દરમિયાન અનુક્રમે 31.24, 20.83 અને 27.02 % પરજીવીકરણ થયેલ જોવા મળેલ. સામાન્ય રીતે ખરીફ ઋતુમાં ઑક્ટોબર-નવેમ્બર માસમાં આ પરજીવી સક્રિય જોવા મળ્યા હતા. આ ઉપરાંત ઇયળનાં પરજીવી એપેન્ટીલસ સ્પી. (Apanteles sp.) અને એક્ઝૉરિસ્ટા લાર્વારમ (Exorista Larvarum) જ્યારે કોશેટાના પરજીવી બ્રૅકિમેરિયા સ્પી. (Brachymeria sp.), પેડિયૉબિયસ સ્પી. (Pediobius sp.), ઍમૉરૉમૉર્ફા એસેપ્ટા સોનોબી (Amauromorpha accepta schoenobii), કોક્સિગોમિનસ લેઓથોઈ (Coccygominus laothoe), ઈકોપ્ટૉસાગે સ્પી. (Eccoptosage sp.), થેરોનિયા સ્પી. (Theronia sp.), ઝૅન્થૉપિમ્પલા સ્ટૅમાતૉર (Xanthopimpla stammator) અને હેલિડયા લુટીકૉર્નિસ(Halidaya luteicornis)થી પણ આ જીવાતનું કુદરતમાં નિયંત્રણ થતું રહે છે.

ખેતરમાં આ જીવાતની પુખ્ત ઇયળો અને કોશેટા સ્પષ્ટ નજરે દેખાઈ આવે છે. તેથી તેમનો હાથથી વીણી (એકત્ર કરી) નાશ કરી શકાય છે. ગુજરાતમાં ડાંગરના પાકમાં આ જીવાત ગૌણ હોવાથી તેના નિયંત્રણ માટે ખાસ કોઈ પગલાં લેવાની જરૂર પડતી નથી; પરંતુ પાન વાળનાર ઇયળના નિયંત્રણ માટે જે કોઈ કીટનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે, તે આ જીવાતને પણ કાબૂમાં લે છે. આમ છતાં નિયંત્રણનાં પગલાં લેવાની ખાસ જરૂરિયાત જો ઊભી થાય તો એન્ડોસલ્ફાન 0.07 % અથવા ફેનિટ્રોથિયોન 0.05 % અથવા ક્લોરપાયરિફસી 0.04 %નો છંટકાવ તેના ઉપદ્રવને ધ્યાનમાં રાખી કરવામાં આવે છે.

પરબતભાઈ ખીમજીભાઈ બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ