શાહ, સોમાલાલ (જ. 14 ફેબ્રુઆરી 1905, કપડવણજ, ખેડા જિલ્લો, ગુજરાત; અ. 1994, અમદાવાદ) : ગુજરાતની અસ્મિતાને ચિત્રફલક ઉપર બંગાળ-શૈલીમાં રંગો અને રેખાઓ વડે તાદૃશ કરનાર પ્રસિદ્ધ ચિત્રકાર.
186 સેમી. (છ ફૂટ અઢી ઇંચની) ઊંચાઈ ધરાવતો કદાવર દેહ અને કાળી ડિબાંગ ત્વચા ધરાવનાર આ ચિત્રકાર સોમાલાલે ગુજરાતના ગ્રામસમાજનું અત્યંત સાચુકલું આલેખન કર્યું છે. ઔદ્યોગિક સંસ્કૃતિનો પ્રભાવ ગુજરાતમાં વીસમી સદીમાં પ્રસર્યો તે અગાઉના ગુજરાતના કૃષિજીવનના ઉત્સવો, રોજિંદી વિધિઓ, શ્રમનો મહિમા તથા જીવનના આનંદનું તેમણે તેમનાં ચિત્રોમાં બંગાળ-શૈલીમાં સુપેરે આલેખન કર્યું છે.
સોમાલાલે 1924માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. આ પછી તેમના પરિવારે તેમને વિનયન શાખામાં સ્નાતક થવા માટે અમદાવાદની જાણીતી ગુજરાત કૉલેજમાં મોકલી આપ્યા. અમદાવાદમાં તેઓ રાયપુર દરવાજા બહાર ખડાયતા બોર્ડિંગમાં રહેતા. એમને ચિત્રો દોરવાનો શોખ તો હતો જ. એવામાં એમને ખબર પડી કે જાણીતા ચિત્રકાર રવિશંકર રાવળ આ જ શહેરમાં રહે છે એટલે એ પોતાનાં શિખાઉ ભૂમિકાનાં ચિત્રો લઈને રવિશંકર રાવળને મળ્યા. રવિશંકર ખૂબ પ્રસન્ન થયા. એ વખતે સોમાલાલનાં એ ચિત્રોમાંની રેખાઓ ભલે રવિશંકરને નબળી જણાઈ પણ તેઓ તેમની રંગાવટ (કલર-સેન્સ) જોઈ પ્રભાવિત થયેલા. આ પ્રભાવ પરસ્પર બંનેએ અનુભવ્યો. રવિશંકરથી પ્રભાવિત સોમાલાલે ગુજરાત કૉલેજનો અભ્યાસ માત્ર એક વર્ષ પૂરું કરીને પડતો મૂક્યો અને 1925માં મુંબઈ ગયા અને સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાના વિદ્યાર્થી બની ગયા; પરંતુ ત્યાં પણ એક જ વર્ષમાં તે એ કૉલેજની કલ્પનાશૂન્ય રૂઢ શિક્ષણપદ્ધતિથી ત્રાસી ગયા અને 1926માં અમદાવાદ આવી ગયા.
દરમિયાન વડોદરાની ઑરિયેન્ટલ કૉન્ફરન્સના કલા-વિભાગના અધ્યક્ષપદેથી કલાવિવેચક કલેક્ટર નાનાલાલ ચમનલાલ મહેતાએ આપેલા વ્યાખ્યાનથી પ્રભાવિત થઈ ત્યાંના રાજવી સયાજીરાવ ગાયકવાડે ત્યાંના કલાભવનમાં ભારતીય કલાનું શિક્ષણ દાખલ થાય એવો સંકલ્પ જાહેર કર્યો. પરિણામે ડૉ. જેઇમ્સ કઝિન્સની ભલામણથી વિશાખાપટ્ટણમની કલાશાળાના આચાર્ય પ્રમોદકુમાર ચટ્ટોપાધ્યાય કલાનું શિક્ષણ આપવા વડોદરા આવી પહોંચ્યા. પરંતુ વડોદરામાં દાઝે બળતા ઈર્ષ્યાળુઓએ એવી હવા ફેલાવી કે પ્રમોદકુમાર તો યુરોપી પ્રણાલીના છાયા અને પ્રકાશ, પર્સ્પેક્ટિવ આદિનો અભ્યાસ ભુલાવી કલા-વિદ્યાર્થીઓને ઊંધે રસ્તે વાળશે ! તેથી પ્રમોદકુમારને કોઈ શિષ્ય વડોદરામાં મળ્યો નહિ ! અંતે થાકીને વડોદરાના મહારાજાએ નિરાશાના સૂરમાં રવિશંકરને પત્ર લખીને કોઈ યોગ્ય કલાવિદ્યાર્થી મોકલવા સૂચવ્યું. રવિશંકર પોતે પ્રમોદકુમારનાં ચિત્રોથી ખૂબ પ્રભાવિત હતા. પ્રમોદકુમાર હકીકતમાં કલાગુરુ અવનીન્દ્રનાથ ટાગોર પાસે નહિ, પણ કોલકાતાની ગવર્ન્મેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટના આચાર્ય પર્સી બ્રાઉન હેઠળ યુરોપિયન શૈલીમાં તાલીમ પામેલા; તેમ છતાં પ્રણાલીગત ભારતીય કલામાં તેમની ઊંડી સૂઝ અને હથોટી બેય હતાં. આ બાજુ સોમાલાલ મુંબઈની આર્ટ કૉલેજથી ઉબાઈ ગયા હતા, તેથી રવિશંકરે સોમાલાલ શાહ અને કૃષ્ણલાલ ભટ્ટને પ્રમોદકુમારના શિષ્યો તરીકે વડોદરા મોકલી આપ્યા. 1926થી 1928 સુધી એમ બે વરસ પ્રમોદકુમાર પાસે સોમાલાલે ચિત્રકલાનો અભ્યાસ કર્યો, પણ પછી પ્રમોદકુમારને વિશાખાપટ્ટણમ્ પાછા જવું પડ્યું. તેથી કલાનો અભ્યાસ પૂરો કરવા સોમાલાલ કોલકાતા ખાતેની કલાશાળા સોસાયટી ઑવ્ ઑરિયેન્ટલ આર્ટમાં વિદ્યાર્થી બન્યા અને બંગાળ-શૈલીના જાણીતા ચિત્રકાર ક્ષિતીન્દ્રનાથ મજમુદારના શિષ્ય બન્યા. 1928થી 1929 સુધીના એક વરસના આ અભ્યાસ દરમિયાન તેઓ અવારનવાર શાંતિનિકેતન જઈ અવનીન્દ્રનાથ ટાગોરને પણ મળતા અને તેમને પણ તેઓ પોતાનાં ચિત્રો બતાવતા રહેતા. અહીં એક જ વરસમાં શિક્ષણ પૂરું થયું.
મુંબઈમાં ભવ્ય કારકિર્દી ઘડવાનું સ્વપ્ન સોમાલાલે સેવેલું; પરંતુ કલાગુરુ રવિશંકરે તેમને માટે કંઈક જુદું જ વિચારી રાખેલું. ગાંધીજીના અંત્યોદય અને ગ્રામોત્થાનના વિચારોથી પ્રભાવિત રવિશંકરે સોમાલાલને ભાવનગર ખાતેની શિક્ષણસંસ્થા ‘દક્ષિણામૂર્તિ’માં કલાશિક્ષક તરીકે ગોઠવ્યા અને આ રીતે નાનાભાઈ ભટ્ટને એક મજબૂત ખભો પૂરો પાડ્યો.
સમાજનો છેલ્લો માણસ સમજી શકે તેવાં કલા અને સાહિત્ય સર્જવાં જોઈએ એવી ગાંધીજીની ભાવના અને હાકલ સોમાલાલે હવે પોતાના જીવનમાં ઉતારી. ધાર્મિક, પૌરાણિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક વિષયોને તિલાંજલિ આપી સોમાલાલે ગુજરાતના ગ્રામીણ અને કૃષિસમાજના રોજિંદા જીવનને જ પોતાની ચિત્રકલાનો એકમાત્ર વિષય બનાવ્યો. પતિ માટે ભાથું લઈ ખેતરે જતી ખેડુપત્ની, પનિહારી, ધોબણો, ખેતમજૂરોની બપોરની વામકુક્ષી, મજૂરણો, કાછિયણો, વાંસળી વગાડતાં ગોપબાળકો, ભરવાડો, માલધારીઓ, ભરતગૂંથણ કે રસોઈમાં વ્યસ્ત ગૃહિણીઓ, બાળકને રમાડતી કે ધવડાવતી યુવાન માતાઓ તેમનાં ચિત્રોમાં અવારનવાર નજરે પડે છે.
દક્ષિણામૂર્તિમાં પંદર વરસ સુધી કલાશિક્ષણ આપ્યા પછી 1944માં સોમાલાલ શાહ ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કલાશિક્ષક તરીકે જોડાયા. અહીં પણ સોળ વરસ સુધી ફરજ બજાવ્યા પછી 1960માં તેઓ નિવૃત્ત થયા. ભાવનગરમાં તેમણે બે કલાવિદ્યાર્થીઓમાં મહત્ત્વાકાંક્ષાને અંકુરિત કરી : ખોડીદાસ પરમાર અને જ્યોતિ ભટ્ટ. આ બંને વિદ્યાર્થીઓએ પણ આગળ જતાં કલાક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું.
નિવૃત્ત થયા બાદ 1960માં સોમાલાલ શાહ અમદાવાદમાં સ્થિર થયા; એમણે પાલડી વિસ્તારમાં ઘર લીધેલું.
1960થી ગુજરાતની કલામાં પ્રવેશેલી આધુનિકતાની ચુંગાલમાં સોમાલાલ કદી ફસાયેલા નહિ, આધુનિકતાથી તે લેશમાત્ર પણ અંજાયેલા નહિ; કારણ કે તેમનું આંતરદર્શન સાવ સાફ હતું. અમદાવાદમાં વિતાવેલા નિવૃત્તિકાળમાં પણ તેમનું ચિત્રસર્જન ચાલુ હતું. વૉશ ટેક્નીક તેમને અતિપ્યારી હતી : ભીના કાગળ ઉપર પીંછીથી રંગોનું લેપન કરે અને પછી તે સુકાય એટલે તે કાગળને પાણીની ડોલમાં ડુબાડે, થોડી વારે તે કાગળ બહાર કાઢી ફરી રંગોનું લેપન કરે, તે સુકાય એટલે ફરી તેને પાણીમાં ડુબાડે. સંતોષકારક પરિણામ મળે ત્યાં સુધી તે આમ કર્યા કરે.
ગુજરાતના જાણીતા સામયિક ‘જનકલ્યાણ’ના પૂંઠા ઉપર વર્ષો સુધી સોમાલાલનાં સુંદર ચિત્રો છપાતાં રહેલાં. આ રીતે તેમની કલા ગુજરાતના બહોળા જનસમુદાયને સહેલાઈથી સુલભ થઈ હતી.
ભાવનગરના મહારાજા માટે સોમાલાલે ‘સૌરાષ્ટ્ર અને કચ્છનાં પંખીઓ’ નામની ચિત્રશ્રેણી ચીતરેલી. પછીથી તેમણે ‘ગુજરાતનાં પંખીઓ’ અને ‘ગુજરાતનાં પ્રાણીઓ’ નામની બે ચિત્રશ્રેણીઓ પણ ચીતરી. આ છેલ્લી બે ચિત્રશ્રેણીઓને છાપેલાં રંગીન આલબમો તરીકે ગુજરાત સરકારે 1961માં પ્રકાશિત કરેલી.
1949માં સોમાલાલને રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો. 1984માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને તેમનું સન્માન કરેલું. 1969માં તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો વડોદરા અને મુંબઈમાં યોજાયેલાં. 1977 અને 1983માં તેમણે અમેરિકાનો પ્રવાસ કરેલો. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીએ 1968માં ગૌરવ પુરસ્કાર વડે તેમનું સન્માન કરેલું અને ગુજરાત સરકારે 1989માં રૂપિયા એક લાખની રકમ સાથે ‘રવિશંકર રાવળ ખિતાબ’ વડે તેમને નવાજેલા.
અમિતાભ મડિયા