શાર્ઙ્ગધર અને શાર્ઙ્ગધર સંહિતા

January, 2006

શાર્ઙ્ગધર અને શાર્ઙ્ગધર સંહિતા : ભારતના મધ્યકાળમાં આયુર્વેદવિજ્ઞાનના મહાન આચાર્ય. તેમનું નામ પંડિત ભાવમિશ્ર અને આચાર્ય માધવ સાથે લેવાય છે. આ ત્રણેય આચાર્યોએ પોતપોતાનાં નામથી અનુક્રમે ‘શાર્ઙ્ગધર સંહિતા’, ‘ભાવપ્રકાશ’ અને ‘માધવનિદાન’ નામના ત્રણ ખૂબ જ મહત્વના ગ્રંથો રચી, આયુર્વેદ જગત પર મોટો ઉપકાર કર્યો છે.

આચાર્ય શાર્ઙ્ગધર વિશે ખાસ જાણકારી ઉપલબ્ધ થતી નથી. તેઓ પોતે શિવભક્ત અને શ્રી દામોદરના પુત્ર હતા, તેવું તેમણે પોતાની સંહિતામાં નોંધ્યું છે. આયુર્વેદના ઇતિહાસકારો આચાર્ય શાઙર્ગધરનો સમય 12મા શતક કે 13મા શતકના પ્રારંભનો ગણે છે. આચાર્ય શાર્ઙ્ગધરે પોતાના નામે લખેલ વૈદક વિદ્યાના સારરૂપ ગ્રંથ તે જ ‘શાર્ઙ્ગધર સંહિતા’.

શાર્ઙ્ગધર સંહિતા : ભારતના પ્રાચીન ઋષિમુનિઓના આરોગ્ય સંબંધી દાર્શનિક જ્ઞાનના નિચોડરૂપ આયુર્વેદનો વૈજ્ઞાનિક અને અનુભૂત ગ્રંથ. આ ગ્રંથ આજે 21મી સદીમાં પણ આયુર્વેદચિકિત્સાના બધા ગ્રંથોમાં વ્યવહારુ ચિકિત્સા કરનાર વૈદ્યો માટે ‘રેડી રેકનર’ (Ready-Reckoner) જેવો, ટેબલ પર કાયમ હાથવગો રાખવા જેવો સંદર્ભગ્રંથ છે. આ ગ્રંથમાં 600 જેટલા રોગોની ચિકિત્સા વિશે 467 જેટલી ઔષધિઓ દ્વારા, મૌલિક અને શાસ્ત્રીય પદ્ધતિથી સુંદર માર્ગદર્શન અપાયું છે. આ ગ્રંથમાં શાર્ઙ્ગધરે આયુર્વેદરૂપી અગાધ મહાસાગરમાંથી અમૂલ્ય એવાં ચિકિત્સા-રત્નો કાઢી પ્રજા સમક્ષ મૂક્યાં છે અને નવા વૈદ્યોને તેનો પ્રત્યક્ષ અનુભવ (‘પ્રૅક્ટિકલ ટ્રેનિંગ’) લેવા જેવી ઘણી ચિકિત્સાપ્રધાન બાબતો દર્શાવી છે. આ ગ્રંથની ગણતરી ‘સંહિતા’માં થયેલ હોઈ, આ ગ્રંથ વેદતુલ્ય અને સંક્ષેપમાં હોઈ સારપ્રધાન ‘સંગ્રહગ્રંથ’ છે. આયુર્વેદીય ચિકિત્સાકાર્યમાં ‘ચરકસંહિતા’નું સ્થાન આજે 21મી સદીના પ્રારંભે પણ અદ્વિતીય અને અનન્ય ગણાય છે; પરંતુ ચરકની ચિકિત્સાનો ખરો મર્મ અથવા તેનું વિગતે સ્પષ્ટીકરણ પામવાનું તો ‘શાર્ઙ્ગધર સંહિતા’ના અભ્યાસથી જ વધુ સારી રીતે થાય છે. આ ગ્રંથમાં આયુર્વેદની અનેક બાબતોનું દોહન હોઈ તે મોટા-નાના વૈદ્યોથી લઈને આયુર્વેદના વિદ્યાર્થીઓ, સામાન્ય માણસો તથા આયુર્વેદિક ફાર્મસીઓ (ઔષધ-નિર્માણકર્તાઓ) માટે પણ ખૂબ જ ઉપયોગી થતો રહ્યો છે.

આ ગ્રંથમાં આચાર્ય શાઙર્ગધરે આપણા દેશના ગામડાના ઓછું ભણેલા લોકો પણ જાતે વાંચીને કરી શકે તેવા, સાદા છતાં રામબાણ ઇલાજો બતાવીને, આયુર્વેદ-વિજ્ઞાનને ઘરગથ્થુ અને વ્યવહારુ બનાવવાનું ભગીરથ અને સર્વોત્તમ કાર્ય કર્યું છે. વિવિધ રોગોના નાશ માટે ભારતવર્ષના સાધારણ લોકો અનેક સદીઓથી જે સિદ્ધ ઔષધિઓનો ઉપયોગ કરતા હતા તે સર્વનું આ એક ગ્રંથમાં સંકલન છે. આ ચિરંજીવ ગ્રંથની રચના દ્વારા પંડિત-આચાર્ય શાર્ઙ્ગધર પોતે પણ ભારતમાં ચિરંજીવી બન્યા છે. આ સંહિતા-ગ્રંથમાં આચાર્યશ્રીએ આયુર્વેદ-વિજ્ઞાનની ઔષધનિર્માણશાસ્ત્ર (‘ફાર્મસી’), ઇંદ્રિયવિજ્ઞાન (‘ઍનૅટૉમી’), શરીરવિજ્ઞાન (‘ફિઝિયૉલૉજી’), નિદાનશાસ્ત્ર (‘પૅથૉલૉજી’), પ્રસૂતિશાસ્ત્ર (‘મિડવાઇફરી’), વિષશાસ્ત્ર (‘ટૉક્સિકૉલૉજી’) તેમજ દેહમાં રોગકર્તા મુખ્ય ત્રિદોષો (વાયુ-પિત્ત-કફાદિ)  આ સાત વિદ્યાશાખાઓનું મહત્વનું ઉપયોગી જ્ઞાન ખૂબ સંક્ષેપમાં આપેલ છે.

આ માનવ-દેહ ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી ચાર પુરુષાર્થો પ્રાપ્ત કરવાનું અમૂલ્ય સાધન કે માધ્યમ છે. તે શરીરને સ્વસ્થ રાખવા અને એને પ્રાપ્ત રોગોનું નિવારણ કરવામાં માર્ગદર્શક બને, તેવા વિશ્વકલ્યાણના ઉમદા હેતુથી આ સંહિતા-ગ્રંથની રચના થઈ છે. તેથી આ ગ્રંથનો આયુર્વેદ-જગતમાં અને ખાસ કરીને ગુજરાતના વૈદ્યો તથા જનસમાજમાં સૌથી વધુ પ્રચાર છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા