શાંતિનિકેતન : ગુરુદેવ રવીન્દ્રનાથના નામનો પર્યાય બની ગયેલી શિક્ષણસંસ્થા. આ સંસ્થા કોલકાતાથી પશ્ચિમે લગભગ દોઢસો કિલોમીટર દૂર વેરાન ગણાતા વીરભૂમ જિલ્લામાં આવેલી છે. ખરેખર તો શાંતિનિકેતન નામના આ આશ્રમની સ્થાપના રવીન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરે ઈ. સ. 1863માં કરી હતી, જ્યારે રવીન્દ્ર ત્રણેક વર્ષના હતા. આ આશ્રમ એ વખતે ચોર-લૂંટારુઓના ગણાતા વેરાન વિસ્તારમાં સ્થાપવાની એક ભૂમિકા છે. દેવેન્દ્રનાથ પોતાની હિમાલય યાત્રા દરમિયાન નજીકના બોલપુર સ્ટેશને ઊતરી પાલખીમાં બેસી બાજુના ગામ રાયપુરના જમીનદાર મિત્ર શ્રીકંઠસિંહને મળવા જતા હતા. થોડાં આછાં તાલવૃક્ષો સિવાય એક પણ વૃક્ષ વગરની આ ભૂમિ પરથી પસાર થતાં રસ્તે બે મોટાં છાતીમ (સપ્તપર્ણી) વૃક્ષો આવ્યાં, જેની છાયામાં પાલખી થોભાવી. ખરેખર તો ચોર-લૂંટારુઓને ચોરી-લૂંટનો માલ વહેંચવાનું આ સ્થળ હતું. પણ બ્રાહ્મસમાજી દેવેન્દ્રનાથ આ છાતીમની છાયામાં ધ્યાનમાં બેઠા અને એકદમ પરમ શાંતિનો અનુભવ થયો. આ સ્થળ એમના મનમાં વસી ગયું અને શ્રીકંઠસિંહ પાસેથી છાતીમ વૃક્ષોની આસપાસની 20 વીઘા જમીન તત્કાળ ખરીદી લીધી. 1864માં તેમણે ત્યાં એક આવાસ બાંધ્યો અને તેનું નામ આપ્યું શાંતિનિકેતન. તે પછી લગભગ દોઢસો વર્ષ પછી આજના શાંતિનિકેતનની સમગ્ર પ્રવૃત્તિઓના કેન્દ્રમાં પાવન ગણાતાં લાલ રેલિંગ કરી સુરક્ષિત રાખેલાં આ છાતીમ નીચે એક તખતી પર મહર્ષિએ કોતરાવેલો ધ્યાનમંત્ર છે : ‘તિનિ આમાર પ્રાણેર આરામ / મનેર આનંદ / આત્માર શાંતિ’ (તેઓ મારા પ્રાણનો આરામ છે, મનનો આનંદ છે, આત્માની શાંતિ છે.). વિશ્વભારતી દીક્ષા સમારંભમાં આચાર્યને હસ્તે છાત્રોને આજે પણ પ્રમાણપત્ર સાથે આ છાતીમ સપ્તપર્ણીનો પર્ણગુચ્છ અપાય છે.
મહર્ષિએ બંધાવેલ આવાસ આજે આદિકુઠિ તરીકે ઓળખાય છે, જેમાં વિશ્વભારતીનો ઓડિયા વિભાગ બેસે છે. આદિકુઠિની પાસે જ મહર્ષિએ એક ઉપાસનામંદિર બનાવ્યું, જેની દીવાલો કાચની છે, અને આ ઉપાસનામંદિર સર્વને માટે ખુલ્લું રહે એવું ટ્રસ્ટડીડ કર્યું. રવીન્દ્રનાથના સમયમાં આ મંદિરમાં દર બુધવારે પ્રાર્થના થતી, પ્રવચન થતાં, આજે પણ એ ક્રમ ચાલુ છે. રવીન્દ્રનાથે પહેલી વાર પિતાની સાથે સ્થાપેલા આ શાંતિનિકેતન સ્થળે પગ મૂક્યો ત્યારે તેમની વય 11 વર્ષની હતી. તાજેતરમાં જ ઉપનયનસંસ્કાર પછી મુંડિત મસ્તકે પિતાએ તેમને પોતાની સાથે હિમાલય યાત્રામાં સમ્મિલિત કર્યા હતા અને ત્યાં જતાં અહીં થોડા દિવસ રહ્યા હતા. રવીન્દ્રનાથે પોતાના ‘જીવનસ્મૃતિ’ પુસ્તકમાં આ પ્રથમ મુલાકાતની રોમાંચક અનુભૂતિઓનું વર્ણન કર્યું છે. પણ તે વખતેય આ છાતીમ વૃક્ષ સિવાય આ સ્થળ વેરાન હતું. આ વેરાન સ્થળે ઝાડ ઊગી શકે એમ નહોતાં. દેવેન્દ્રનાથે બહારથી ટનબંધ માટી મંગાવી અહીં પથરાવી અને વર્ધમાનના મહારાજાના માળીઓની મદદથી અહીં વનરાજિ ઊભી કરી, જેમાં એ વખતનો પ્રાચીન વડ અને પ્રસિદ્ધ શાલવીથિનાં (શાલ) વૃક્ષોની હાર આજે પણ પ્રાચીન ઋષિઓની જેમ પ્રભાવ પાડી રહી છે.
દેવેન્દ્રનાથે પછી, નિશાળોમાં ભણવામાં નિષ્ફળ રહેલા રવિને વિલાયત ભણવા પણ મોકલ્યા. દરમિયાનમાં તો કવિ તરીકે તેઓ જાણીતા થઈ ગયા હતા. વિલાયતમાં પણ અધૂરે અભ્યાસે પાછા આવ્યા પછી પિતાની આજ્ઞાથી પદ્મા કિનારે શિલાઈદહમાં (આજના બાંગ્લાદેશમાં) જમીનદારીનો વહીવટ સંભાળ્યો. ઈ. સ. 1891થી 1900 તેમનો ઉત્તમ સર્જનગાળો ગણાય છે. પણ અહીં હવે રવીન્દ્રનાથને પોતાનાં બાળકોને શિક્ષણ આપવાની ચિંતા થઈ. પોતે ચાર દીવાલોની જેલ જેવી નિશાળની યાંત્રિક શિક્ષણરીતિથી ગૂંગળામણ અનુભવી હતી. તેઓ પોતાનાં સંતાનોને યોગ્ય રીતે શિક્ષણ આપવાનો વિચાર કરતા હતા. દરમિયાન તેમને ભારતવર્ષની પ્રાચીન તપોવન સંસ્કૃતિના ખ્યાલે આક્રાન્ત કર્યા હતા. શું એ તપોવન સંસ્કૃતિ – ગુરુશિષ્યની સન્નિધિની શિક્ષણપદ્ધતિ, પ્રકૃતિના પરિવેશમાં ફરીથી આજના સંદર્ભમાં જીવિત કરી શકાય ? એ વખતે તેમણે એક પત્રમાં પોતાના પ્રિય મિત્ર અને પ્રસિદ્ધ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બસુને ઑગસ્ટ 1901ના પત્રમાં લખ્યું હતું કે શાંતિનિકેતનમાં હું એક વિદ્યાલય ખોલવાની કોશિશમાં છું, જ્યાં પ્રાચીનકાળના ગુરુ ગૃહવાસના બધા નિયમો હશે, વિલાસિતાની ગંધ પણ નહિ હોય – ગરીબ તવંગર બધા છાત્રોને બ્રહ્મચર્યમાં દીક્ષિત થવું પડશે; પણ મને હજી યોગ્ય શિક્ષકો મળતા નથી…… છેવટે એમણે 1901ના ડિસેમ્બરની 22મી તારીખે 5 વિદ્યાર્થીઓની સંખ્યાથી શાળા શરૂ કરી, જેમાં એક તો તેમનો જ્યેષ્ઠ પુત્ર હતો. આ નવી શાળાનું નામ આપ્યું ‘બ્રહ્મચર્યાશ્રમ’. પ્રાચીન ભારતીય સંસ્કૃતિની પરંપરાના અધ્યાપન માટે આવેલા પાંચ અધ્યાપકોમાં ત્રણ તો ખ્રિસ્તી હતા. રવીન્દ્રનાથ પરંપરાને સંકુચિત અર્થમાં જોતા નહોતા, એ પરંપરાને વર્તમાનકાળને અનુરૂપ પણ બનાવવાની હતી. આ શાળા શરૂ કરવામાં રવીન્દ્રનાથના શિક્ષણવિષયક વિચારો અને દર્શન જોવા મળે છે. (જેમ ગાંધીજી દ્વારા ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં.) એ શિક્ષણ પદ્ધતિનાં મુખ્ય લક્ષણોમાં છાત્રોને પ્રકૃતિનો મુક્ત સંપર્ક મળે એવું સ્થાન, શિક્ષકો અને છાત્રો એક પરિવારની જેમ રહે એવો આગ્રહ, બ્રહ્મચર્યાશ્રમ એટલે પવિત્ર અને શ્રમમય જીવન, ઉત્સવો સંગીત ચિત્ર નાટક નૃત્ય આદિનો સમાદર અને સૌથી મહત્ત્વની વાત હતી શિક્ષણનું માધ્યમ બંગાળી. અહીં કલા, સંસ્કૃતિ અને માનવ મૂલ્યનો અનન્ય સમન્વય જોવા મળે છે. વિદ્યાર્થીઓને જંતુઓ, પક્ષીઓ અને વનસ્પતિનું અવલોકન કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે. તદુપરાંત વ્યવસાયિક શિક્ષણ અને તહેવારોની ઉજવણી પર સવિશેષ ધ્યાન આપવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના સંપથી હળીમળીને રહે છે. વિદ્યાર્થીઓમાં કૌશલ્યનો વિકાસ અને આત્મવિશ્વાસ પ્રગટે એ માટે ડેરીફાર્મ, હોસ્પિટલ વગેરેનું સુવ્યવસ્થિત સંચાલન વિદ્યાર્થીઓ પોતે કરે છે. અહીં વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર કરે તો તેમને ભાવનાત્મક સજા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની બનેલી અદાલત સજા નક્કી કરે છે. જો કોઈ વિદ્યાર્થી પોતાની ભૂલ સ્વીકારે તો તેને માફ પણ કરવામાં આવે છે.
છાત્રોએ બ્રાહ્મમુહૂર્તે ઊઠવાનું, પોતાના ઓરડાની સફાઈ, પછી વ્યાયામ, પછી ઉપાસના-નાસ્તા પછી શિક્ષકો અને વિદ્યાર્થીઓ એક સ્થળે ભેગા થાય – પ્રાર્થના ગવાય પછી વૃક્ષો નીચે વર્ગો શરૂ થાય. (આજે પણ શ્રેણી 10 સુધી એ જ રીતે વૃક્ષો નીચે વર્ગો ચાલે છે.) રવીન્દ્રનાથની આ શાળાને પરંપરાવાદીઓનો ટેકો ન મળ્યો, ન સુધારકોનો. સરકાર પણ આ સંસ્થાને શંકાભરી નજરે જોતી. સરકારી નોકરોને પોતાનાં બાળકો આ શાળામાં ન મોકલવાની સૂચના હતી. એટલે સંસ્થાને શરૂઆતથી જ આર્થિક સંકડામણ રહી. અહીં દરેક છાત્રને માટે મફત આવાસ-ભોજન હતાં. આ સંસ્થા ચલાવવા કવિને પોતાની કેટલીક સંપત્તિ વેચવી પડી, ગ્રંથસ્વામિત્વના હક્ક પણ વેચવા પડ્યા, કવિપત્નીએ ઘરેણાં વેચ્યાં. 1901થી 1910નો દાયકો વળી કવિના અંગત જીવનમાં દુ:ખોનો દાયકો હતો. પત્ની, પિતા, પુત્રનાં મૃત્યુની વેદના સહેતાં જઈ શાળા માટે પાઠ્યક્રમ તૈયાર કરવાથી માંડી બાળપોથીઓ સુધ્ધાં તેમણે લખી.
1912ની યુરોપયાત્રા દરમિયાન આ સંસ્થાને વૈશ્વિક સ્તરે લઈ જવાનો રવીન્દ્રનાથને વિચાર આવ્યો. તેમાં ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સાથી એન્ડ્રુઝ અને પિયર્સન જેવાઓનો સાથ મળ્યો. 1915માં ગાંધીજી હંમેશ માટે દક્ષિણ આફ્રિકા છોડી ભારત આવ્યા ત્યારે તેમના ફિનિક્સ આશ્રમના અંતેવાસીઓ શાંતિનિકેતનમાં રહેલા. અહીં જ મહાત્મા અને ગુરુદેવનું પ્રથમ મિલન 1915માં થયેલું. દરમિયાન તો 1913ના નોબેલ પુરસ્કારથી રવીન્દ્રનાથ વિશ્વવિખ્યાત થયા અને દેશના લોકો પણ તેમને હવે બહુમાનથી જોવા લાગ્યા. એમની કવિતા એમનું સાહિત્ય, દુનિયાની ભાષાઓમાં અનૂદિત થયાં.
તે સાથે એક કવિની આ નિશાળ શાંતિનિકેતનનો શિક્ષણપ્રયોગ પણ સર્વત્ર પહોંચ્યો. દેશના મોટા મોટા પંડિતો પોતાની સેવા આપવા આવ્યા. જેમાં વિધુશેખર ભટ્ટાચાર્ય, ક્ષિતિમોહન સેન આદિ હતા. રવીન્દ્રનાથે ‘જ્યાં આખું વિશ્વ એક માળો બને છે’ (यत्र विश्वं भवत्यैक – नीडम्) – એવા ધ્યાનમંત્ર સાથે ‘વિશ્વભારતી’ વિશ્વવિદ્યાલય સ્થાપવાનો વિચાર કર્યો. નવી નવી વિદ્યાશાખાઓ બૌદ્ધ સાહિત્ય, વૈદિક અને સંસ્કૃત સાહિત્ય, પાલી-પ્રાકૃત, તિબેટી-ચીની-ઇસ્લામિક અભ્યાસક્રમ શરૂ કર્યા. ચિત્રકલા અને સંગીતને મહત્ત્વનું સ્થાન મળ્યું. કલાભવનની સ્થાપના થઈ, જેનો કાર્યભાર વિખ્યાત ચિત્રકાર નંદલાલ બસુએ સંભાળ્યો. ક્ષિતિમોહન સેન અને નંદલાલ બસુ એટલે ગુરુદેવની આ સંસ્થાના બે મહાન સ્તંભ. તેમણે લોકનૃત્યોને પુનર્જીવિત કરી શાંતિનિકેતનમાં મણિપુરી, કથકલી અને કથક જેવાં નૃત્યસ્વરૂપો રજૂ કર્યા. તેમણે આધુનિક નૃત્યને શાંતિનિકેતનમાં સ્થાન આપ્યું.
1921માં વિધિસરની વિશ્વભારતી (યુનિ.) શરૂ થઈ. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં અમદાવાદમાં ગાંધીજીએ કરી. આ બે મહાન વિભૂતિઓએ શિક્ષણક્રાન્તિની જે શરૂઆત કરી તેનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય. વિદ્યાપીઠમાં તો આચાર્ય કૃપાલાની જેવા રવીન્દ્ર-અભ્યાસી આચાર્ય, કાકા કાલેલકર જેવા આચાર્ય આવ્યા – અને વિશ્વભારતી અને વિદ્યાપીઠ વચ્ચે એક અદીઠ અનુબંધ રચાયો. વિદ્યાપીઠમાં સ્નાતક થઈ ઘણા ગુજરાતી છાત્રો વિશ્વભારતી ભણવા જતા; જેમાંના એક નગીનદાસ પારેખ હતા. આ ઉપરાંત કનુ દેસાઈ, કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રહ્લાદ પારેખ, બચુભાઈ શુક્લ આદિ બીજા પણ અનેક છાત્રો હતા. ક્ષિતિબાબુ ગુજરાત વારંવાર આવતા. તેમના અને કરુણાશંકર માસ્તરના સખ્યને લીધે ગુજરાતના અનેક છાત્રો શાંતિનિકેતનમાં ભણવા જતા.
શાંતિનિકેતનની વિશ્વભારતીમાં પછી વિશ્વખ્યાત વિદ્વાનો સિલ્વાં લેવી, વિંટરનિત્ઝ, કાર્લો ફૉર્મિયી, જી. તુચ્ચી, સ્ટેલા ક્રેમરીશ વગેરે વિદેશોથી મુલાકાતી અધ્યાપકો તરીકે આવવા લાગ્યાં અને ‘વિશ્વભારતી’ નામ સાર્થક થતું રહ્યું.
ગ્રામસુધારણા માટે, શાંતિનિકેતન સાથે પછી ત્રણેક કિલોમીટર દૂર સુરુલમાં જમીન ખરીદી ત્યાં રવીન્દ્રનાથે શ્રીનિકેતનની સ્થાપના કરી. વિશ્વભારતીમાં વ્યવસ્થિત વિભાગો સ્થાપ્યા – પાઠભવન, વિદ્યાભવન, શિક્ષાભવન, સંગીતભવન, કલાભવન, ચીનાભવન, હિન્દીભવન, આદિ.
સંસ્થાની ખ્યાતિ સાથે આર્થિક ખેંચ પણ વધતી ગઈ. ગાંધીજીએ નાટ્યમંડળી સાથે ફાળો કરવા નીકળેલા ગુરુદેવને સમયસરની આર્થિક સહાયતા પ્રાપ્ય કરાવી હતી. રવીન્દ્રનાથ અને ગાંધીજીની શાંતિનિકેતનમાં થયેલી છેલ્લી મુલાકાત દરમિયાન રવીન્દ્રનાથે એક પત્ર(જે ગાંધીજીએ ગાડીમાં બેઠા પછી વાંચવાનો હતો.)માં શાંતિનિકેતન વિશ્વભારતીનો ભાર ઉપાડવાનો અનુરોધ કર્યો હતો. ગુરુદેવના 1941ના અવસાન પછી થોડા મુશ્કેલીભર્યા દિવસો સંસ્થાએ વેઠવાના આવ્યા હતા, પણ સંનિષ્ઠ અધ્યાપકોએ ગુરુદેવની પરંપરા ચાલુ રાખવા સમર્પિત સેવાઓ આપી હતી. 1951માં ભારતની પાર્લમેન્ટે તેની તમામ ખાસિયતો જાળવીને વિશ્વભારતીને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો. જેના પ્રથમ આચાર્ય (ચાન્સેલર) થયા જવાહરલાલ નહેરુ અને ઉપાચાર્ય (વાઇસ ચાન્સેલર) થયા રવીન્દ્રનાથના પુત્ર રથીન્દ્રનાથ. અત્યારે ઘણુંખરું વિશ્વભારતીના આચાર્ય વડાપ્રધાન હોય છે, પણ વચ્ચે એક સત્ર (1979થી ’82) ગુજરાતના એક ઉત્તમ કવિ ઉમાશંકર જોશી એના આચાર્ય હતા.
આજની વિશ્વભારતી – શાંતિનિકેતનમાં કવિ રવીન્દ્રનાથના સ્વપ્નની નિશાળ કેટલી ટકી રહી છે એવો પ્રશ્ન થાય; પણ હજી પ્રકૃતિની સંનિધિમાં શિક્ષણ, ઋતુઋતુના ઉત્સવો, સંગીત, કલાની વિદ્યાશાખાઓમાં એ પરંપરા જોઈ શકાય. હજી પણ ત્યાંના છાત્રો વિશ્વભારતીના સમારંભો-ઉત્સવો વખતે રવીન્દ્રનાથે રચેલું ગીત ઉમંગથી ‘આમાદેર શાંતિનિકેતન સે યે સબ હ તે આપન’ (સૌથી પ્રિય અમારું આ શાંતિનિકેતન) ગાય છે. શાંતિનિકેતન સંસ્થા એક કવિનો શિક્ષણક્ષેત્રે પણ એક મહાન સર્જનાત્મક પ્રયોગ છે. 2023માં વર્લ્ડ હેરિટેજની યાદીમાં શાંતિનિકેતનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભોળાભાઈ પટેલ