શસ્ત્રક્રિયા (વેટરીનરી સર્જરી)

January, 2006

શસ્ત્રક્રિયા (વેટરીનરી સર્જરી)

વૈદકીય વિજ્ઞાનની એક શાખા, જેમાં રોગિષ્ઠ કે ઈજા પામેલાં મનુષ્યેતર પ્રાણીનાં આંતરિક કે બાહ્ય અંગોની વાઢકાપ કરીને તેને રોગમુક્ત કરવાની સારવાર આપવામાં આવે છે. મનુષ્યમાં આ પ્રકારની ક્રિયા શલ્ય-ચિકિત્સાના નામે ખૂબ જૂના કાળથી જાણીતી છે. પશુશલ્ય-ચિકિત્સામાં પાળેલાં પ્રાણીઓ, પ્રાણી-સંગ્રહાલયનાં વન્ય પ્રાણીઓ, પક્ષીઓ કે અન્ય નાનાંમોટાં પ્રાણીઓની વાઢકાપ અંગેની સારવારનો સમાવેશ થાય છે. મોટાં પશુચિકિત્સાલયોમાં પશુઓ ઉપર વિવિધ દર્દો અંગેની શસ્ત્રક્રિયા કરવા માટેની સાધન-સામગ્રી ઉપલબ્ધ હોય છે. સામાન્ય પશુચિકિત્સાલયોમાં સાદા પ્રકારની શસ્ત્રક્રિયા કરી શકાય છે. શસ્ત્રક્રિયા માટેનું પ્રથમ મહત્વનું પગલું રોગ-નિદાન છે. પશુ-ચિકિત્સક સારવાર અર્થે લાવેલા પશુ(જાનવર)ની પ્રાથમિક કસોટી કરી રોગનું મૂળ સ્થાન નક્કી કરે છે. રોગીને વાઢકાપનું દર્દ ન થાય તે માટે તેને આંશિક રીતે કે પૂરેપૂરો બેભાન કરવાની દવા આપવામાં આવે છે. આને એનેસ્થેશિયા કહેવામાં આવે છે. એનેસ્થેટિસ્ટ દર્દીની દેહધાર્મિક ક્રિયાઓ તપાસી સર્જ્યનને વાઢકાપ કરવાની રજા આપે છે. સામાન્ય રીતે બહારનાં દર્દો માટે વાઢકાપની જરૂર પડતી નથી; પરંતુ યોગ્ય રીતની પાટા-પટ્ટી કરવી પડે છે.

પશુચિકિત્સાની શસ્ત્રક્રિયા અને પ્રાથમિક સારવારપદ્ધતિઓ સમજતાં પહેલાં શસ્ત્રક્રિયા માટેનાં દર્દો અંગેની માહિતી અને અહેવાલ આપ્યાં છે. કેટલાક પાયાના અહેવાલો આ મુજબ છે :

શસ્ત્રક્રિયા માટેનાં દર્દો (surgical diseases) : જે રોગો અથવા દર્દો મટાડવા જાનવરોમાં ક્યાંક વાઢકાપ કરવાની જરૂર પડે તેવાં દર્દોને શસ્ત્રક્રિયા માટેનાં દર્દો કહેવામાં આવે છે. ઓગણીસમી સદીથી દરેક પ્રકારની શસ્ત્રક્રિયા પાયાના સિદ્ધાંતો(principles of modern surgery)ને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે છે; જેમ કે, જંતુરહિત શસ્ત્રક્રિયાનાં સાધનો વાપરવાં (aseptic surgery), જાનવરોને બેભાન કરવાં (anaesthesia), શસ્ત્રક્રિયા દરમિયાન જરૂર કરતાં વધારે પડતા લોહીનું વહી જતું અટકાવવું (control of haemorrhage). ઉપર દર્શાવેલ પાયાના સિદ્ધાંતોને અનુસરીને જો શસ્ત્રક્રિયા કરવામાં આવે તો મોટાભાગનાં જાનવરોને બચાવી શકાય છે અને આવી રીતે પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા પશુપાલકો અને ખેડૂતમિત્રો પૂરક ધંધાને આર્થિક રીતે ફાયદાકારક બનાવી શકે છે.

ઘણી વખત પશુઓમાં રોગ નહિ હોવા છતાં પશુપાલકો પશુચિકિત્સા કે શસ્ત્રક્રિયા કરાવતા હોય છે, જેને કારણે પશુપાલકોને સીધો અને દેશને આડકતરો ફાયદો થાય છે. કેટલાક પ્રકારની શસ્ત્રક્રિયા ખૂબ જ સરળતાથી નજીકના પશુચિકિત્સક(veterinarian)નો સંપર્ક સાધી કરાવી શકાય છે; દા.ત., શિંગ-છેદન (dehorning), કાનમાં કડી પહેરાવવી, ખસીકરણ (castration) વગેરે.

(1) શિંગ-છેદન : શિંગડાં વગરનાં જાનવર મોટેભાગે સ્વભાવે શાંત હોય છે. વધુમાં શિંગડાં વગરનાં જાનવરને કાબૂમાં રાખવામાં સરળતા રહે છે અને શિંગડાં હોય તો કરમોડી(Horn Cancer)નો રોગ અટકાવી શકાય છે. ગાય-વર્ગનાં જાનવરોમાં મોટેભાગે 10 દિવસની ઉંમરે વાછરડાનાં શિંગબિંદુ (Horn Bud) દૂર કરી દેવામાં આવે છે. આના માટે રાસાયણિક પદાર્થ અથવા ગરમ સળિયાનો ઉપયોગ કરવામાં આવે છે.

(2) કાનમાં કડી પહેરાવવી : જાનવરના કાનમાં કડી પહેરાવીને જાનવરને ઓળખાણ કે નિશાન આપી શકાય છે. આવી કડી ખાસ પંચમશીન વડે કાનમાં કાણું પાડી પહેરાવાય છે.

(3) ખસીકરણ : પ્રજનન માટે ન વાપરવાના આખલાને ખસી કરવાનું પ્રાચીન સમયથી પ્રચલિત છે. અનિચ્છનીય પ્રજનન અટકાવવા, નર વાછરડાને બળદ તરીકે વિકસાવવા, સારી ગુણવત્તાવાળું માંસ ધરાવતા વાછરડા પેદા કરવા કે જાનવરને શાંત તથા સહેલાઈથી કાબૂમાં રાખવા ખસીકરણ ખૂબ જ ઉપયોગી છે. અત્યારના આધુનિક સમયમાં ખસીકરણ ઉત્તમ રીતે કરવા માટે ચીપિયો (Burdizzo castrator) વપરાય છે. આ પ્રકારની સરળ શસ્ત્રક્રિયા કોઈ પણ ઉંમરે કે કોઈ પણ ઋતુમાં કરી શકાય છે; પરંતુ વાછરડા પુખ્ત થાય તે પહેલાં સરળતાથી નિયંત્રિત કરી આ પ્રકારની શસ્ત્રક્રિયા કરવી ખૂબ જ ઇચ્છનીય છે.

ઉપર્યુક્ત પ્રકારની શસ્ત્રક્રિયા શરીરમાં રોગ નહિ હોવા છતાં કરવામાં આવે છે. તેનાથી પશુપાલકોને આર્થિક ફાયદો થાય છે.

શસ્ત્રક્રિયા પહેલાં, આકસ્મિક સંજોગોમાં પશુચિકિત્સકની મદદ મળી શકે તે પહેલાં, રોગને કાબૂમાં રાખી તેને વધતો અટકાવવા માટે પશુપાલકો દ્વારા લેવામાં આવતા ઉપાય અથવા કરવામાં આવતી સારવારને પ્રાથમિક સારવાર (First Aid) કહેવામાં આવે છે. આ પ્રાથમિક સારવારની વિગતો નીચે મુજબ છે :

(1) રક્તસ્રાવ : લોહી નીકળવું (bleeding) તે. તે બંધ કરવા માટે :

(i) ટિંચર બેન્ઝોઇન (લોબાનનો અર્ક) રૂ ઉપર લગાડી ઘા ઉપર મૂકી તેને સીલ કરી શક્ય હોય તો 5 % પોટૅશિયમ પરમૅન્ગેનેટનું (પી. પી.) દ્રાવણ લગાડાય છે.

(ii) બાળેલું રૂ લોહી નીકળતા ઘા ઉપર ચોંટાડી કસીને પાટો બાંધવામાં આવે છે.

(iii) ફટકડીનું સંતૃપ્ત દ્રાવણ બનાવી તેનાં પોતાં મૂકી ઘા પર સખત પાટો બાંધવામાં આવે છે.

(2) સાદા અને જીવડાંવાળા જખમ : સાદા કે જીવડાંવાળા જખમ(maggoted wound)ની સારવારમાં સૌપ્રથમ જખમને વ્યવસ્થિત પોટૅશિયમ પરમૅન્ગેનેટના દ્રાવણથી સાફ કરી જખમમાંથી જીવડાં કાઢી નાખવામાં આવે છે. આના માટે ચીપિયાનો કાળજીપૂર્વક ઉપયોગ કરાય છે. વધુ ઊંડે જીવડાં હોય તો ટર્પેન્ટાઇનના તેલમાં ભીંજવેલું દવાનું પૂમડું બનાવી જખમમાં મૂકી શકાય. જો જખમ રુઝાતો હોય તો તેની ઉપર ચેપરોધક (antibiotic) મલમ લગાડી જરૂર જણાય તો પાટો બાંધવામાં આવે છે.

(3) દાઝવાના જખમ (burn wound) : દાઝેલા ભાગ ઉપર તાત્કાલિક ઠંડું પાણી છાંટવામાં આવે છે. બરફ મળી શકે એમ હોય તો તે તુરત જ લગાવાય છે. જો કોઈ દવા ન મળે તો છેવટે બટાટાનો માવો લગાવાય છે. એ ઉત્તમ સારવાર છે. દાઝી ગયેલા ભાગ ઉપર બર્નોલ, કે ચૂનાનો પણ ઉપયોગ કરી શકાય.

(4) બળતરા અથવા સોજો (inflammation) : શરીરના કોઈ પણ ભાગમાં ઈજા થાય ત્યારથી માંડીને આંતરિક કે બાહ્ય ભાગો ફૂલી જતાં જે પીડાકારક ફેરફાર થાય છે તેને સોજો કહે છે. તીવ્ર સોજા પર બરફ ઘસવાથી કે ઠંડું પાણી રેડવાથી ઘણો ફાયદો થાય છે. દીર્ઘકાલીન (chronic) સોજાવાળા ભાગ પર લિનિમેન્ટ, કાળો મલમ (Iodex) અથવા લાલ મલમથી માલિશ કરવાથી રાહત મળે છે.

(5) ચાંદું (ulcer) : જે જખમમાં જલદી રૂઝ આવતી ન હોય તેને ચાંદું કહેવામાં આવે છે. ચાંદું ગોળાકાર અને તેની સપાટી સહેજ ઊપસેલી હોય છે. ઘસારા અથવા હલનચલનથી ચાંદું પડ્યું હોય તો તે ભાગનું હલનચલન બંધ કરાવવામાં આવે છે તેમજ ચાંદાના ભાગે ડામ અપાય છે અથવા દાહક દવા(મોરથૂથું, સિલ્વર નાઇટ્રેટ, ફીનૉલ)નો ઉપયોગ કરી મૃત પેશીઓને દૂર કરાય છે.

(6) વિદ્રધિ, અર્બુદ અથવા પરુવાળાં ગૂમડાં (abscess) : પરુયુક્ત બંધ ગુહાને વિદ્રધિ અથવા અર્બુદ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પરુ ભરેલો સોજો પીડાદાયક હોય છે. તે ચામડી પર દાહક પદાર્થની ઈજા વડે કે ચેપી ઘા કે અંદરના રોગથી થાય છે. વધુમાં આવાં ગૂમડાં ચેપવાળાં સાધનોથી, ઇન્જેક્શનની સોયથી પણ થાય છે. ગૂમડાં(રસોળી, વિદ્રધિ, અર્બુદ)ના કારણે ઊપસી આવેલા ભાગ ઉપર દરરોજ સાધારણ ગરમ પાણીથી શેક કરી તેના ઉપર કાળા મલમથી માલિશ કરવામાં આવે છે. આમ કરવાથી રસોળી થયેલ ભાગ નરમ પડે છે અને ઘણી વખત આપોઆપ તે ફાટી જાય છે.

(7) પગ/પંજાનો સડો : સતત ભીની રહેતી જમીનમાં જાનવર ઊભું રહે તો પગના પંજામાં સડો થાય છે. આ રોગ થયેલ જાનવર લંગડાય છે. ખરી પર સોજો આવી જાય છે અને પગ પર વજન લઈ શકતું નથી. આ સંજોગોમાં પગની ખરીને શુદ્ધ પાણી અને જંતુનાશક દવાઓ(જેવી કે, પોટૅશિયમ પરમૅન્ગેનેટ 1 : 10,000 અથવા કૉપર-સલ્ફેટ 5 % દ્રાવણ)થી ધોવામાં આવે છે. જાનવર જે રસ્તેથી ચરવા જતાં હોય તે રસ્તામાં એક છીછરો ખાડો બનાવાય છે. ખાડામાં પાણી સાથે મોરથૂથું(copper sulphate)નું પાંચ ટકા જેટલું દ્રાવણ તથા 2થી 3 લિટર કેરોસીન ચરણસ્નાન (footbath) માટે રાખવામાં આવે છે અને જાનવરને મટે નહિ ત્યાં સુધી દિવસમાં બે વાર, આવા ખાડામાંથી પસાર કરાવાય છે.

(8) ખરીના ઘા, મસા (wart) : ખરીના મસા બિનચેપી સાધન વડે કાપી; ફટકડી, હીરાકસી (ferrous sulphate) અને મોરથૂથુંને સરખા પ્રમાણમાં ભેળવીને બનાવેલ પાઉડર લગાવાય છે.

(9) પેટપીડા (colic) : હોજરીનો ભરાવો (પેટપીડા) – આફરો અને અપચો જેવી સ્થિતિ – પેટપીડા ઉત્પન્ન કરે છે. જાનવર બેબાકળું બની જાય છે; ઊઠબેસ કરે છે, ઊંઘી જાય છે. તે પડખા તરફ જુએ છે અને અવારનવાર લાત મારે છે. જાનવરો ઘણી વખત ખીલી / ખીલા, વાયરના કટકા, સોય વગેરે ચાવી જાય છે. હોજરીના બીજા ખંડ(reticulum)માં થઈને તે ઉદરપટલમાં ખૂંચી જાય છે. છાતીની ગુહામાં જાય છે અને ત્યાં હૃદયને ઈજા પહોંચાડે છે. જાનવર ખાવાનું બંધ કરે છે અને નબળું પડતું જાય છે. તેનું દૂધ-ઉત્પાદન વગેરે ઘટી જાય છે. આવી પરિસ્થિતિમાં પશુચિકિત્સકની વહેલી તકે સલાહ લેવી જરૂરી બને છે.

(10) આફરો (tympany) : વાગોળતા ઢોરનું આ એક સામાન્ય દર્દ છે. સામાન્ય રીતે પશુના પ્રથમ આમાશય(rumen)માં ખોરાકને આથો (આથવણ) આવવાથી વાયુ ઉત્પન્ન થાય છે, જે અન્નનળી વાટે બહાર નીકળી જાય છે. આફરાની સ્થિતિ(મોટી હોજરી)માં વાયુનો ભરાવો થાય છે અને તેથી પેટ ફૂલી જાય છે અને જાનવર તેમાંથી મદદ વગર છુટકારો મેળવી શકતું નથી. એકત્રિત વાયુ ખોરાક સાથે ભળીને ફીણ બનાવે છે તેને ફીણવાળો આફરો (froathy bloat) કહે છે.

આફરો થવાનાં કારણોમાં ઢોરને વાસી, ભીનો અથવા કોહવાયેલો ખોરાક / ઘાસચારો આપવો અથવા ચોમાસાની ઋતુમાં તેનું વધારે પડતું લીલું ઘાસ ચરવું, અથવા નત્રલ પદાર્થ(nitrogen)યુક્ત ઘાસચારો વધારે પ્રમાણમાં ખાવો, અથવા અન્નનળીમાં અંતરાય થવો (ડચૂરો બાઝવો, choke), કબજિયાત, કસકાઈ / અટકી જવું, ચેતાઓનો પક્ષઘાત અથવા પાણી પીવામાં અનિયમિતતા વગેરેનો સમાવેશ થાય છે.

આફરો થાય ત્યારે પેટની ડાબી બાજુનું પડખું ફૂલી જઈ ઉપર ધસે છે. આ ઉપર ધસેલી બાજુને આંગળીઓથી વગાડવાથી ઢોલ જેવો અવાજ આવે છે. દર્દી ઢોર અવારનવાર ઊઠબેસ કર્યા કરે છે. આંખો તાકેલી રાખે છે. સખત આફરો ચઢ્યો હોય ત્યારે દર્દી જાનવર મોંથી શ્વાસ લે છે અને પેટ તરફ લાતો મારે છે.

આફરાની સારવાર માટે તેની તીવ્રતાને ધ્યાનમાં રાખવી આવશ્યક છે. જો આફરો તીવ્ર ન હોય તો, પશુને ચઢાણ હોય ત્યાં ચલાવાય છે. તેના મોઢામાં ઝાડું અથવા સુંવાળું દોરડું બાંધવામાં આવે છે; જેથી તે ચવાતાં વાયુમુક્તિની ક્રિયા થાય. વળી 30થી 50 મિલી. ટર્પેન્ટાઇન તેલને 500 મિલી. વનસ્પતિ તેલમાં ભેળવી મોઢા વાટે તે અપાય છે. હિંગ 50 ગ્રામ + સંચળ 20 ગ્રામ + સૂંઠ 5 ગ્રામ + તુલસીનાં બી 5 ગ્રામ પણ મોં વાટે આપવાથી જાનવરને રાહત થાય છે. તાત્કાલિક સારવાર માટે સૂંઠ, હિંગ, સવા, અજમો, વાવડિંગ, દિકામાળી, ખાવાનો સોડા, સોડિયમ બાયકાર્બોનેટનું મિશ્રણ તૈયાર કરી અપાય છે. જોકે આફરાનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય ત્યારે કોઈ દવા પિવડાવવી હિતાવહ નથી; કેમ કે ક્યારેક તે ફેફસાંમાં જતી રહેતાં જાનવર તુરત મૃત્યુ પામવાનો ભય રહે છે. આવા સંજોગોમાં તુરત જ પશુચિકિત્સકનો સંપર્ક કરવો હિતાવહ છે. આ સંજોગોમાં જાનવરને ઉગારવા માટે કોઈ ઉપચાર ન હોય તેવી પરિસ્થિતિમાં ડાબી કૂખના સખત ફૂલી ગયેલા ભાગે પ્રથમ આમાશયમાં કાણું (પંક્ચર) કરી ગૅસ કાઢી નાખવામાં આવે છે.

(11) કાંધ આવવી (Yoke Gall) : નવા પશુ(બળદ)ને હળ(ખેતી)કામમાં પ્રથમ વખત પલોટવા લેતાં કાંધ(લિગામેન્ટમ ન્યૂકી)ની સારસંભાળ આવશ્યક છે. આ રોગ નાનામોટા બળદ જોડવાથી, બળદ પાસે વધારે પડતું કામ કરાવવાથી, નવા બળદને પલોટવાથી, ધૂંસરું ખરાબ હોય તો તેથી, વધારે પડતો ભાર ખેંચવાથી, કાંધે આંચકો આવવાથી અથવા હાંકનારની અણઆવડતથી થાય છે. આવા સંજોગોમાં શરૂઆતના તબક્કામાં મીઠાના પાણીનો શેક કરવાથી અથવા કાળો મલમ લગાડવાથી સોજો બેસી જાય છે અથવા હળદર-મીઠાના સરખા પ્રમાણમાંથી બનાવેલ હૂંફાળા મલમને કાંધ પર લગાડવાથી આરામ થાય છે.

(12) અસ્થિભંગ (fracture હાડકું ભાંગવું) : શરીર હાડકાંઓના માળખાના આધારે ટકે છે. હાડકા ઉપર માર પડવાથી અથવા પગ ખાડામાં પડવાથી અથવા કોઈ પણ પ્રકારની ઈજાથી હાડકામાં તિરાડ પડે કે તે ભાગ તૂટે તેને અસ્થિભંગ કહે છે. અસ્થિભંગનો ત્વરિત ઇલાજ કરવો પડતો હોય છે. અસ્થિભંગની પ્રથમ નિશાની રૂપે તે જ્યાં થયો હોય ત્યાં દુખાવો થાય તેવો સોજો આવે છે. પગમાં અસ્થિભંગ હોય તો જાનવર લંગડું ચાલે છે અને હાથથી તપાસ કરતાં ત્યાં કટ કટ અવાજ સાંભળવા મળે છે. અસ્થિભંગ થતો અટકાવવાના ઉપાય રૂપે ભાર વહન કરતાં જાનવર અચાનક પડી ન જાય તેમજ અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. લપસી પડાય તેવું જાનવરનું રહેઠાણ ભયજનક ગણાય છે. અસ્થિભંગની સારવાર કે માવજતમાં નીચેના મુદ્દા અગત્યના છે :

(1) અસ્થિભંગની જગ્યાએ દુખાવો ઘટાડવો.

(2) જાનવરને વ્યવસ્થિત આડું પાડવું કે જેથી અસ્થિભંગ થયેલ પગ ઉપરની બાજુ રહે.

(3) શક્ય હોય તો વાંસની ખપાટી/પટ્ટી બાંધવી, જેથી અસ્થિભંગવાળો ભાગ સ્થિર રહે. જાનવરનું હલનચલન જેમ બને તેમ ઓછું અને મર્યાદિત બને તે રીતની કાળજી રાખવી જરૂરી છે.

(4) પશુચિકિત્સકનો સંપર્ક કરી ભાંગેલા હાડકાને બેસાડી દોઢેક મહિના સુધી પ્લાસ્ટરનો પાટો બાંધી રાખવાથી તે સંધાઈ જાય છે.

(5) જાનવર સાજું થતું હોય ત્યારે તેને ઝડપથી પચે તેવો અને પૌષ્ટિક આહાર આપવો જરૂરી છે.

(13) શિંગડાનું તૂટવું (fracture of horn) : શિંગડાંવાળું ઢોર બીજા ઢોર સાથે લડે કે તેના શિંગડા ઉપર માર પડે અથવા તો ઊંચી ઢાળવાળી જગ્યાએ ચરતાં અને ચઢતાં તે પડી જાય તો તેનું શિંગડું ભાંગી જાય એમ બને છે. કોઈક વાર શિંગડાંના હાડકાનો ભાગ સલામત રહે છે; જ્યારે ઉપરના ખોભળાનો ભાગ જુદો પડી જાય છે. આ કિસ્સામાં ઢોરના શિંગડાના ખોભળાને ફરીથી શિંગડું ભટકાવે નહિ તેની કાળજી રાખવી જરૂરી થાય છે. વધુમાં શિંગડું આખું ભાંગી ગયું હોય ત્યારે ખૂબ જ લોહી નીકળે છે. તે ઉપરાંત આવા સંજોગોમાં શિંગડાંની નીચે જે ચામડીનો ભાગ હોય છે તેની આજુબાજુ સૂતરની દોરી બરાબર સખત રીતે એક-બે કલાક તાણીને બાંધવામાં આવે છે, જેથી લોહીની નસો દબાતાં લોહી બંધ થાય છે. શક્ય હોય તો બેન્ઝોઇનનું પૂમડું સખત રીતે દાબી પાટો બાંધવામાં આવે છે.

(14) પૂંછડીમાં ઊંદરી (Tail gangrene) : આ રોગને કારણે પૂંછડીના છેડા ઉપરના વાળ ધીમે ધીમે ખવાય છે અને પૂંછડી, વાળ વગર બેડોળ લાગે છે. આ રોગને બીજી રીતે કહીએ તો પૂંછડીનો કોહવારો પણ કહી શકાય. આ રોગની સારવારમાં કોહવારાવાળી જગ્યા પી. પી.(પોટૅશિયમ પરમગેનેટ)ના પાણીથી ધોઈ નાંખી ત્યાં ઍન્ટિબાયૉટિક મલમ, ઝિંક ઑક્સાઇડને તેલમાં ભેળવી ચોપડવામાં આવે છે. શક્ય હોય તો કોહવારાને આગળ વધતો અટકાવવા નજીકના પશુચિકિત્સકને બોલાવી જડમૂળથી ઊંદરીને કપાવી દેવાય છે. એમ કરવાથી બાકી રહેલી પૂંછડી તંદુરસ્ત અને રોગમુક્ત રહે છે.

(15) આંચળ ફાટવા(teat injury) : કોઈ પણ કારણસર, ખાસ કરીને શિયાળાની મોસમમાં અથવા ઈજાને કારણે આંચળમાં ઊંડી તિરાડો પડી લોહી નીકળે છે. આવી હાલતમાં જો કાળજી રાખવામાં ન આવે તો કીડા પડી ઘા ઊંડો થતો જાય છે અને ઘણી વખત ચેપ આંચળમાં થઈ બાવલામાં પણ સોજો લાવે છે. આના માટે આંચળને પી. પી. (પોટૅશિયમ પરમૅંગેનેટ)(KMnO4)ના સાધારણ ગરમ પાણીથી બરાબર ધોયા બાદ ઝિંક ઑક્સાઇડ પાઉડરને તેલમાં કાલવી ચોપડવામાં આવે છે.

(16) કાનમાં પરુ આવવું અથવા કાન પાકવો (otorrhagia) : કુદરતી રીતે કાનમાંથી એક જાતનો ચીકણો રસ ઝર્યા જ કરે છે. જ્યારે આ રસ આવવાનો રસ્તો બંધ થાય છે અથવા તો કાનમાં બીજાં જંતુઓનો પ્રવેશ થઈ પરુ થાય છે ત્યારે કાન પાક્યો એમ કહેવાય છે. આવા કિસ્સામાં કાનમાં નજર નાંખતાં સફેદ, દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું જોવા મળે છે. કાનની આસપાસ માખીઓ બમણ્યા કરે છે. દર્દથી પીડાતું ઢોર દર્દવાળા કાન બાજુનું શિંગડું વારંવાર ઠોક્યા કરે છે અને માથું તે બાજુ નમતું રાખે છે. આવું થાય ત્યારે પી. પી.ના સાધારણ ગરમ પાણીમાં રૂ બોળી તે નિચોવી કોરું કર્યા બાદ પૂણી આકાર બનાવી કાનમાં ફેરવી બરાબર તે સાફ કરવામાં આવે છે. (કાનમાં પાણી રેડી સાફ કરવાની પદ્ધતિ ઘણી જ હાનિકારક સાબિત થયેલ છે.) સાફ કરેલા કાનમાં લાલ દવા  મરક્યુરોક્રોમ(mercurochrome)નાં દશેક ટીપાં નાંખી દશેક મિનિટ સુધી રૂનું પૂમડું ખોસી રાખવામાં આવે છે. કાનમાં મૂળિયાના ભાગમાં સોજો હોય તો કાળો મલમ ત્યાં લગાડાય છે.

(17) લોહીનો સોજો (haemotoma) : તીક્ષ્ણ નહિ હોય તેવા હથિયારથી કેટલીક વાર ચામડીમાં ઈજા ન થાય પણ તેની નીચે આવેલી પેશીઓ તેમજ રક્તવાહિનીઓને ઈજા થાય છે. તેને કારણે તુરત જ લોહીનો સોજો જોવા મળે છે. સોજો ચઢેલ ભાગ લીલાશ પડતો, ગરમ હોય છે અને દુ:ખે છે તથા તે બરોબર રીતે કામ કરી શકતો નથી. આવી ઈજા થાય કે તુરત જ શરીરની પ્રતિક્રિયાઓ (reactions) કુદરતી રીતે જ ચાલુ થઈ જાય છે. તેને શાંત પાડવા સોજાવાળી જગ્યાએ ઠંડું પાણી રેડવામાં આવે છે અથવા બરફ ઘસવામાં આવે છે. આનાથી સોજો વધતો અટકાવી શકાય છે. ત્યારબાદ સોજાને સંપૂર્ણપણે નાબૂદ કરવા બે-ત્રણ દિવસ સોજાવાળા ભાગને આરામ આપી, તેની ઉપર ગરમ પાણીનાં પોતાં મૂકવામાં આવે છે કે ગરમ પાણીથી તેને ઝારવામાં આવે છે. એથી સોજો ઝડપથી ઊતરી જાય છે. વળી સોજો ઝડપથી ઉતારવા કાળા મલમ(iodex)થી માલિશ કરવામાં આવે છે.

(18) દાદર (ringworm), ખરજવું (eczema) : આવાં ચામડીનાં દર્દોનું કારણ એક ખાસ પ્રકારની ફૂગ હોય છે. આ ફૂગ જાનવરના વાળ તેમજ ચામડીને નુકસાન કરે છે. આ ચેપી રોગમાં ઢોરને ખૂબ જ ખંજવાળ (itching) આવે છે અને ચામડીમાં બળતરા થાય છે અને દર્દી નબળું પડી જઈ લોહી લેતું નથી. આ ચામડીના રોગની સારવાર માટે કાબૉર્લિક સાબુ અથવા તો ગરમ પી. પી.ના પાણીથી પહેલાં રોગગ્રસ્ત ભાગને ધોઈ નાખી, ત્યાંનાં બધાં જ ભીંગડાં તેમજ વાળ કાઢી નાખવામાં આવે છે. પછી ગંધક, કપૂર અને જસત ભસ્મ(ઝિંક ઑક્સાઇડ)માંથી બનાવેલ મલમ લગાડવામાં આવે છે. લસણમાંથી બનાવેલ મલમ અથવા લસણની કળી વાટીને તે દાદર પર લગાવી શકાય છે. આ મલમ ખસ(scabies)ના રોગમાં પણ વપરાય છે.

(19) મોઢા(મુખગુહા)માં ચાંદાં પડવાં (stomatitis) : મોઢાની ભીની ત્વચામાં; જીભ, પેઢાં કે ગાલની બાજુએ અંદર ચાંદાં પડે છે. વળી ખરવા મોવા (foot and mouth disease) કે માતા (rinder- pest) જેવા ચેપી રોગોમાં પણ મોઢામાં ચાંદાં પડે છે. મોઢામાં વાગવાથી, દાહક પદાર્થથી કે કબજિયાતથી પણ ચાંદાં પડે છે. આ રોગમાં મોઢાંમાંથી વાસ આવે છે, લાળ પડવાનું વધે છે. જાનવર ખોરાક બરાબર ચાવી શકતું નથી અને ખોરાક મોઢાંમાંથી નીચે પડે છે. આ દર્દની સારવાર માટે થોડું તેલ જાનવરને પિવડાવાય છે. ટંકણખાર (borax) સાથે મધ અથવા ગ્લિસરીનનું મિશ્રણ, હળદર અને તેલ કે ઘીનું મિશ્રણ ચાંદા પર લગાડાય છે.

(20) તણછ (પગનું તણાવું / ખેંચાવું, subluxation of patella) : સામાન્યપણે સાથળનાં અસ્થિના (femur) નીચેના છેડે, ગોઠવાયેલી ઢાંકણીનું અસ્થિ પ્રચલન દરમિયાન ઉપર-નીચે સરકતું હોય છે, પગ વળે ત્યારે ઉપર સરકે છે અને પગ સીધો થાય ત્યારે સાથળના અસ્થિની ગરગડી પર (trochlea) ગોઠવાયેલું રહે છે. તણછના રોગમાં આ ઢાંકણી ગરગડીની ઉપર ચઢી જાય છે અને મૂળ સ્થિતિમાં આવતી નથી. પરિણામે તેના ત્રણ સ્નાયુપટ્ટા ખેંચાયેલા રહે છે અને તેથી ઢોર પગ વાળી શકતું નથી. આ એક આનુવાંશિક (congenital) રોગ હોઈ તેવાં પ્રાણીઓનો નિકાલ કરવાનો રહે છે. અપૂરતા પોષણને લીધે જો રોગનાં ચિહ્નો જણાય તો પોષણયુક્ત ખોરાક આપવો જરૂરી છે. જાનવરને કોઢમાંથી છોડતાં પહેલાં પશુને આ સાંધા ઉપર ખાવાના તેલથી થોડો સમય માલિશ કરવી, જેથી સ્નાયુ શિથિલ થઈ જતાં ગોઠણની ઢાંકણી સહેલાઈથી ઉપર-નીચે સરકી શકે. સચોટ ઉપાય તરીકે નજીકના પશુચિકિત્સકનો સંપર્ક સાધી ઑપરેશન કરાવવું ઇચ્છનીય છે.

(21) માટી ખસવી (આસ નીકળવી, prolapse of uterus) : આ બીમારીમાં ગર્ભાશય (uterus) અથવા યોનિ (vagina) ભગોષ્ઠદ્વાર(vulvar lips)ની બહાર નીકળી જાય છે. વિયાણ પહેલાં કે પછી જો જાનવર વધારે તાણ (બળ) કરે તોપણ આવું થાય છે. મેલી ન પડવાથી (retension of placenta) અને વિયાણમાં તકલીફ (dystocia) પડવાથી પણ માટી ખસી જાય છે. પ્રાથમિક સારવાર માટે પી. પી.ના દ્રાવણથી બહાર નીકળેલા ગર્ભાશયને સાફ કરાય છે. ગર્ભાશય તથા યોનિને ધીમેથી અંદર ધક્કા મારી તે અંદર બેસી જાય પછી ભગોષ્ઠદ્વારની બાજુમાં દોરડું, જાનવરના આગળના પગ નીચે રહે તેમ ઢાળ ઉપર બાંધવામાં આવે છે અથવા પાછળનો ભાગ ઊંચો રાખવામાં આવે છે. જો આ પગલાં લેવાથી કોઈ ફેર ન પડે તો પશુચિકિત્સકની સલાહ લેવી હિતાવહ રહે છે.

(22) આઉ/થાનેલાનો સોજો (mastitis) : આંચળના મુખ (teat orifice) કે આંચળની નળી(teat canal)માંથી જીવાણુ આઉની અંદર પ્રવેશવાથી આ સોજો આવે છે. કાપા, ચીરા અથવા ઘામાંથી પણ જીવાણુ અંદર દાખલ થાય છે. ગંદકી, બેકાળજીપૂર્વકનું દોહવાણ, દૂધ અપૂરતું દોહવું વગેરે કારણોને લીધે આઉમાં સોજો આવવાની શક્યતાઓ વધી જાય છે. આઉનો સોજો આવવાથી ઢોરને પીડા થાય છે, તે ઘણી વખત ખાવાનું બંધ કરે છે, તેનું દૂધ ઘટે છે અને તે દૂધ ન દોહવા દે એવું પણ થાય છે. લાંબા ગાળાના સોજામાં દૂધ પાણી જેવું પાતળું અથવા લોહી જેવા દેખાવવાળું, કડવો સ્વાદ ધરાવતું જોવા મળે છે. શરૂઆતના થોડાક દૂધમાં ફોદા કે લોહીના ગઠ્ઠા જોવા મળે છે. જો સારવાર સમયસર વહેલી ચાલુ કરવામાં આવે તો સફળતાની શક્યતાઓ વધે છે. આંચળને ગરમ પાણીમાં બોળી બહાર કાઢી નંખાય છે. જીવાણુવિરોધી દવાને નળી વાટે આંચળમાં દાખલ કરાય છે. ચેપના શરૂઆતના તબક્કે બે કેળાં, બે ચમચી હળદર અને એક ચમચી મીઠું દળી જાનવરને ખોરાક સાથે દિવસમાં ત્રણ વખત દરરોજ આપવાથી તેમજ કેળામાં કપૂર પણ આપવાથી ફાયદો થાય છે.

ઉપર્યુક્ત બીમારીઓ ઉપરાંત પશુઓમાં અનેક રોગોની સારવાર માટે વિશિષ્ટ પ્રકારનાં ઑપરેશનો કરવાની જરૂરિયાત રહે છે; જેમાં મુખ્યત્વે રુમેનૉટૉમી (rumenotomy) શસ્ત્રક્રિયાથી જાનવરનું પ્રથમ આમાશય ખોલવું, પથરી કાઢવા માટે યુરેથ્રૉટૉમી (urethrotomy), કષ્ટદાયક પ્રસૂતિની સારવાર માટે સિઝેરિયન ઑપરેશન (caesarian), કરમોડી માટે શિંગડું કાઢી નાંખવાનું ઑપેરશન, આંતરડાના રોગ માટે એન્ટેરૉટૉમી (Enterotomy) અથવા આંતરડાનો અમુક ભાગ કાઢી નાંખવા માટેનું ઑપરેશન (enteroanastomosis) મુખ્ય છે.

વિશિષ્ટ રોગોની સારવાર માટેની શસ્ત્રક્રિયા :

(1) હોજરીની અંદરની ઈજાઓ (traumatic reticulitis) : જાનવરોને જે મળે તે ખાવાની ટેવને કારણે ઘણી વખત ખીલી / ખીલા, વાયરના કટકા, ચામડું, પ્લાસ્ટિક, દોરડાં, સોય વગેરે પણ તેમના પેટમાં જાય છે. હોજરીના મધપૂડા જેવા બીજા ખંડ(રેટિક્યુલમ)માં થઈને તે ઉદરપટલમાં ખૂંચી જાય છે, છાતીની ગુહામાં જાય છે અને સારણગાંઠ(diaphragmatic hernia)ને અને ત્યાંથી હૃદયને ઈજા પહોંચાડે છે (traumatic pericarditis). ઘણી વખત આ કટકાઓ પેટના હલનચલનને કારણે જ્યાં ભોંકાયેલા હોય ત્યાંથી આગળ વધે છે. પેટના આ ભાગની આગળની બાજુએ લગભગ અડીને હૃદય આવેલું હોય છે. હૃદયનું સંકોચન-પ્રસરણ પણ અવિરત ચાલુ રહેતું હોઈ અણીદાર ભોંકાયેલી વસ્તુ હૃદય તરફ ભોંકાવાની શક્યતા વધારે રહે છે. આમ લોખંડ કેવું છે અને કઈ જગ્યાએ ભોંકાયેલ છે તે મુજબ જુદી જુદી બીમારીનાં ચિહ્નો જોવા મળે છે. આ રોગ થાય તે કરતાં, પાણી પહેલાં પાળ બાંધવાની કહેવત મુજબ, પશુના ખોરાકમાં લોખંડ ન આવે તેવી કાળજી લેવામાં આવે તો તે સૌથી ઉત્તમ છે. પશુને આપવામાં આવતો ખોરાક તપાસીને આપવાની ટેવ દરેક પશુપાલક કેળવે તે ખૂબ જ જરૂરી છે. આમ છતાં જો લોખંડ ખોરાકમાં લેવાઈ ગયું હોય તો જાનવર ખાવાનું બંધ કરે છે અને નબળું પડતું જાય છે. તેનું દૂધ-ઉત્પાદન ઘટી જાય છે; ચામડી સૂકી અને બરછટ બની જાય છે. શરીરનું તાપમાન વધે છે. મળત્યાગ અને મૂત્રત્યાગ વખતે જાનવર તાણ અનુભવે છે. આવી પરિસ્થિતિમાં નજીકના પશુચિકિત્સકની વહેલી તકે સલાહ લેવી જરૂરી છે. શસ્ત્રક્રિયા (rumenotomy) દ્વારા અંદરના પદાર્થો દૂર કરવા એ જ એકમાત્ર ઉપાય રહે છે. હાલના તબક્કે ભેંસ વર્ગનાં મોટાભાગનાં પ્રાણીઓમાં ખોરાકમાં લોખંડ લેવાઈ ગયું હોય તેવા દાખલા મળે છે. તેના કારણે આંતરિક સારણગાંઠ થવાની શક્યતા પણ વધે છે, જે જાનવરો માટે એક ખૂબ જ ભયંકર ને જીવલેણ રોગ ઠરે છે. આંતરિક સારણગાંઠ એટલે કે છાતી અને પેટની વચ્ચે આવેલ ઉદરપટલ(diaphragm)માં લોખંડ ભોંકાવાથી કાણું પડવું તે. આ કાણું મોટું થતાં ઉદરપટલનો ભાગ ફેફસાં / હૃદય તરફ ખેંચાય છે અને ત્યાં ચોંટી જઈ પશુને વારંવાર ફૂલી જવાની બીમારી લાગુ પડે છે. આવી આંતરિક ગાંઠને સારણગાંઠ (diaphragmatic hernia) કહે છે.

(2) શસ્ત્રક્રિયા દ્વારા પ્રસૂતિ (caesarian) : જ્યારે ગર્ભાશયમાં બચ્ચાની સ્થિતિ સામાન્ય હોતી નથી, ત્યારે તેનો જન્મ સરળતાથી થતો નથી અને તેથી સાનુકૂળ પ્રસૂતિ માટે અનુભવી ડૉક્ટર(પશુચિકિત્સક)ની મદદની આવશ્યકતા રહે છે. કેટલીક વખત ગર્ભનો પ્રસવકાળ નજીક હોય ત્યારે શસ્ત્રક્રિયા દ્વારા માદાના ઉદર અને ગર્ભાશયનું છેદન કરીને બચ્ચાને બહાર કાઢવામાં આવે છે. આ શસ્ત્રક્રિયા સૌપ્રથમ 1836માં જ ટોન ફિલ્ડ નામના અંગ્રેજે તેની કૂતરી ઉપર કરી હતી. આજના સમયમાં તો આ એક ઉત્તમ ઉપાય લેખાય છે. સિઝેરિયન દ્વારા પ્રસવનાં કારણોમાં મોટેભાગે અપુખ્તતાને કારણે અવિકસિત અવયવો હોવા અને સાંકડો પ્રસવમાર્ગ (narrow birth canal) હોવો, ગર્ભનું અસામાન્ય મોટું કદ હોવું, માદાના જનનમાર્ગની વિકૃતિઓ હોવી, ગર્ભાશય ઉપર આંટી પડવી (uterine torsion), ગર્ભાશયમાં ગર્ભની અસ્વાભાવિક સ્થિતિ હોવી તેમજ માદાનું અકસ્માત કે બીજા  અન્ય કોઈ કારણથી મૃત્યુ નજીક હોવું વગેરેનો સમાવેશ થાય છે. નવજાત બચ્ચાને બચાવવા માટે આવી શસ્ત્રક્રિયા જરૂરી બને છે; જેથી માતા અને બચ્ચું બંનેને બચાવી શકાય. સિઝેરિયન પ્રસવ દરમિયાન અને પછી જાનવરોમાં રક્તસ્રાવ, આઘાત (shock), ઉદરના અંદરના ટાંકા તૂટી જવાને કારણે સારણગાંઠ (hernia) તેમજ હંગામી વંધ્યત્વ અને દૂધ ઘટવાની મુશ્કેલીઓ જોવા મળે છે.

(3) કરમોડી (horn cancer) શિંગડાનું કૅન્સર : આ એક ભયંકર રોગ છે. મોટાં શિંગડાંવાળાં પાલતુ પશુઓનાં શિંગડાંના પોલાણમાં ગાંઠ (કૅન્સર) થાય છે, જેથી શિંગડું મૂળમાંથી નમી જઈ પાછળથી તૂટી પડે છે. તેમાં પશુને ખૂબ દર્દ થાય છે. ત્યારબાદ સારવાર કરવામાં ન આવે તો લાંબા સમય સુધી રિબાઈને પશુ મૃત્યુ પામે છે. આ રોગનું ખરું કારણ જણાયું નથી. હજુ સુધી મનુષ્ય કે પશુનાં શરીરમાં કૅન્સર પેદા કરનાર પૅથોજીન મળ્યા નથી. છતાં પ્રાણીઓમાં કેટલાંક ભૌતિક અને રાસાયણિક પરિબળો જેવાં કે પરોણાથી માર, ખરાબ ધૂંસરી, જાતીય અંત:સ્રાવો (sex hormones) વગેરે કૅન્સર પેદા કરી શકે છે. કેટલાંક કૅન્સર આનુવંશિક કે વિષાણુજન્ય હોય છે. બળદોમાં આ રોગનું પ્રમાણ વધારે હોય છે. સંકરિત (crossbred) ઓલાદોમાં કૅન્સરનું પ્રમાણ ઓછું જણાય છે. પશુશરીરના બધા જ પ્રકારનાં કૅન્સરોમાં કરમોડીનું પ્રમાણ 52 ટકા જેટલું જણાયું છે. રોગિષ્ઠ શિંગડાના મૂળનો ભાગ ગરમ અને સૂજી ગયેલો લાગે છે. નાની લોખંડની પટ્ટીથી કે પથ્થરથી રોગિષ્ઠ શિંગડાને ધીમેથી ઉપર-નીચે ઠોકવામાં આવે તો બોદો અવાજ આવે છે; જ્યારે બીજા નીરોગી શિંગડામાં બોદો અવાજ આવતો નથી. રોગિષ્ઠ શિંગડાની બાજુના નસકોરામાંથી ઘણી વાર લોહી-મિશ્રિત ચીકણું પ્રવાહી બહાર નીકળે છે. ત્યારબાદ રોગની અસરવાળું શિંગડું ધીમે ધીમે નમતું જાય છે. જ્યારે રોગ આગળ વધે છે અને અંદરની ગાંઠો મોટી થાય છે ત્યારે શિંગડું મૂળમાંથી ફાટીને તૂટી જાય છે. તેમાંથી મોટા પ્રમાણમાં દુર્ગંધ મારતું લોહી-મિશ્રિત ચીકણું પ્રવાહી નીકળે છે. ઘણી વાર તેમાં જીવડાં પડેલાં હોય છે. ત્યારબાદ પશુ ક્ષીણ થઈ થોડા વખતમાં રિબાઈને મૃત્યુ પામે છે. આ રોગમાં શરૂઆતથી જ પશુચિકિત્સક દ્વારા ઑપરેશન કરાવી શિંગડું જડમૂળમાંથી કપાવી અંદરથી બધી જ ગાંઠો કાઢી નાંખવાથી જ પશુને બચાવી શકાય છે.

(4) પથરી (urolith) : મૂત્રકોથળીનો સોજો (cystitis), મૂત્રપિંડનો સોજો (nephritis), મૂત્રનલિકાનો સોજો (ureteritis) તેમજ પથરીથી પેશાબનું બંધ થવું વગેરે મૂત્રતંત્રના સામાન્ય રોગો છે; પરંતુ શસ્ત્રક્રિયા દ્વારા સારવારની ષ્ટિએ પથરીનો રોગ ખાસ કરીને બળદોમાં તેમજ કૂતરાઓમાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. પથરી મૂત્રમાં રહેલાં ખનીજો અને ક્ષારોની સાંદ્રતા વધી જાય ત્યારે થાય છે. આથી મૂત્રપિંડ (kidney), મૂત્રવાહિની (ureter) અને મૂત્રાશય(urinary bladder)ના ભાગમાં સોજો આવે છે. સલ્ફૉનેમાઇડની વધારે માત્રા, ખસીકરણ, કૅલ્શિયમ તથા મૅગ્નેશિયમનું વધારે પ્રમાણ ધરાવતા ખોરાક અને અપૂરતું પાણી વગેરે કારણોથી મૂત્રપિંડ, મૂત્રવાહિની અને મૂત્રનલિકામાં પથરી થવાની શક્યતાઓ વધી જાય છે. મૂત્રજનનતંત્ર(urogenital system)ના રોગોમાં પીડા (colic) એ મુખ્ય લક્ષણ છે. મૂત્રની માત્રા ઘટી જાય છે અને મૂત્રનળીમાં અટકાવ આવવાથી પેશાબ બંધ પણ થઈ જાય છે. જાનવર લાત મારે છે, બેબાકળું તથા અસ્વસ્થ બની જાય છે અને તણાવ અનુભવે છે. જાનવર મૂત્રત્યાગ કરતી વખતે તાણ કરે છે. સદંતર મૂત્રત્યાગ બંધ થયા પછી જાનવર ગમે તેમ દોડે છે, રઘવાયું થાય છે, લાળ પાડે છે. ખાવાનું અને વાગોળવાનું બંધ કરે છે. ત્રણ-ચાર દિવસ પછી મૂત્રાશય ફાટી જાય છે (rupture of urinary bladder). ત્યારબાદ આ બધાં લક્ષણો દેખાવાનાં બંધ થઈ જાય છે. જાનવર નીચે બેસી રહે છે. મોઢામાંથી વિશિષ્ટ પ્રકારની ગંધ આવે છે. ચામડી સૂકી અને બરછટ બની જાય છે. શરીરનું તાપમાન પણ વધી જાય છે. જ્યારે મૂત્ર-ઉત્સર્ગ બંધ થતો જણાય ત્યારે પશુચિકિત્સકની પાસે તાત્કાલિક ઑપરેશન જ એકમાત્ર સરળ અને સચોટ ઉપાય રહે છે.

(5) આંતરડામાં આંટી (intestinal torsion) : આંતરડામાં આંતરડું ભરાઈ જવું (intussusception), આંતરડામાં બાહ્ય પદાર્થ, આંતરડામાં અંતરાય જેવા રોગોમાં જે તે રોગનું નિદાન અઘરું હોવા છતાં અનુભવી ડૉક્ટર (પશુચિકિત્સક) દ્વારા ગુદામાં હાથ નાંખીને (per rectal) આવા રોગનું નિદાન કરી શકાય છે. જોકે મોટાભાગના કિસ્સામાં ચીકાશ પડતો ખૂબ જ અલ્પ પ્રમાણમાં થતો ઝાડો તેમજ ઝાડો કરતી વેળાએ ખૂબ જ તાણ સહિત જાનવર દ્વારા ખાવાનું બંધ કરવું જેવાં ચિહ્નોથી જ આંતરડાનો રોગ હોવાની શંકા જાય છે. તેના સચોટ નિદાન માટે માણસની જેમ અત્યાધુનિક સુવિધા મોટાં જાનવરો માટે ન હોવાને કારણે પેટ ચીરીને ઑપરેશન (laparotomy) કર્યા બાદ જ રોગનું સ્પષ્ટ કારણ જાણી શકાય છે. નાનાં જાનવરોના વર્ગમાં અત્યાધુનિક સાધનો જેવાં કે લેપ્રોસ્કોપી (દૂરબીનથી જોઈ નાનો છેકો મૂકીને કરવામાં આવતું ઑપરેશન), એન્ડોસ્કોપી (endoscopy) તથા અલ્ટ્રાસોનોગ્રાફીનો ઉપયોગ કરી માણસોની જેમ મોટાભાગના આંતરિક રોગોનું નિદાન કરવું શક્ય બન્યું છે. વળી દવા પિવડાવી ક્ષ-કિરણ (contrast radiography) દ્વારા પણ મોટાભાગના પાચનતંત્રના રોગોનું સચોટ નિદાન શક્ય બનેલ છે. આથી આંતરડામાં રોગ થયો હોય તો પશુચિકિત્સક દ્વારા લેપરૉટૉમી કર્યા બાદ આંતરડામાં ચીરો મૂકી અવરોધ ઉત્પન્ન કરતા પદાર્થને બહાર કાઢી દેવામાં આવે છે, જેને એન્ટેરૉટૉમી(enterotomy)નું ઑપરેશન કહેવામાં આવે છે. જ્યારે આંતરડાનો ભાગ સંપૂર્ણપણે નિર્જીવ તથા બગડેલો હોય તો તેવા બગડેલા આંતરડાના ભાગને કાપીને દૂર કરવામાં આવે છે, જેને એન્ટેરૉએનાસ્ટૉમૉસિસ (enteroanastomosis) કહેવામાં આવે છે.

ઉપર જણાવેલી શસ્ત્રક્રિયાઓ ઉપરાંત મોટાં જાનવરોના વર્ગમાં આંખ, કાન, નાક, સારણગાંઠ (હર્નિયા), લાળગ્રંથિ (salivary gland), દાંત વગેરેના રોગોમાં પણ જરૂરી ઑપરેશન કરવામાં આવે છે. નાનાં જાનવરોમાં ખાસ કરીને ખસીકરણ (કુટુંબનિયોજન), જઠર-શસ્ત્રક્રિયા (gastrotomy), સ્પ્રેઇંગ, પૂંછડી કાપવી (docking), અસ્થિભંગ જેવાં ઑપરેશનો કરવામાં આવે છે.

આર્થિક રીતે ખર્ચાળ ઑપરેશનો ખેડૂતોને પોસાતાં નથી પરંતુ નાનાં જાનવરોના માલિકો મનુષ્ય ઉપર કરવામાં આવતા ઑપરેશનોનાં જેવાં ઑપરેશનો હવે કરવાનો આગ્રહ રાખે છે.

નરેશકુમાર હસમુખલાલ કેલાવાલા

દેવશીભાઈ રામભાઈ બરવાલીયા