શર્મા, ભગવતીકુમાર હરગોવિંદભાઈ

January, 2006

શર્મા, ભગવતીકુમાર હરગોવિંદભાઈ (. 31 મે 1934, સૂરત) : ગુજરાતી સાહિત્યકાર. બહુમુખી પ્રતિભાશાળી સર્જક. એમણે નવલકથા, નવલિકા, નિબંધ, કવિતા, વિવેચન, પ્રવાસકથા, આત્મકથા, અનુવાદ તથા પત્રકારત્વક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે. જ્ઞાતિએ શ્રીમાળી બ્રાહ્મણ. વતન અમદાવાદ, પરંતુ પાંચેક પેઢીથી સૂરત મુકામે વસવાટ. માતા વાચનરસિક અને પિતા નાટ્યરસિક હતાં. ભગવતીકુમારમાં બાળપણથી જ તેમનાં માતા-પિતાના ધાર્મિક સંસ્કારનું સિંચન થયું છે. એમણે શાળાનું શિક્ષણ સૂરતમાં લીધું. 1950માં એસ. એસ. સી. થયા. આંખની તકલીફને કારણે આગળ અભ્યાસ ન કરી શક્યા. 1969માં અભ્યાસ પુન: શરૂ કર્યો. 1974માં 40 વર્ષની વયે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી સાથે બી.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. ઈ.સ. 2000ના વર્ષે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાં એમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’(ડી.લિટ્.)ની માનાર્હ પદવી એનાયત કરી. ઈ. સ. 1954થી સૂરતના પ્રતિષ્ઠિત દૈનિક વર્તમાનપત્ર ‘ગુજરાત મિત્ર’ના તંત્રી વિભાગમાં જોડાયા. ઈ. સ. 1994માં સહાયક તંત્રી તરીકે નિવૃત્ત થયા પછી પણ ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં તેઓ સક્રિય છે.

ભગવતીકુમાર હરગોવિંદભાઈ શર્મા

1948ની 30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની થયેલી હત્યાના આઘાતથી પ્રેરાઈ પ્રથમ કાવ્ય લખ્યું. 1950થી લેખનકાર્ય સતત વધતું ગયું. 1955માં પ્રથમ વાર્તા ‘પતનની એક પળ’, ‘‘સવિતા’’ વાર્તા- માસિકમાં પ્રકાશિત થઈ. 1956માં તેમની પ્રથમ નવલકથા ‘આરતી અને અંગારા’ પ્રસિદ્ધ થઈ, ત્યારથી આજ સુધી અનેક સાહિત્યસ્વરૂપોમાં સતત અને સત્વશીલ લખતા રહ્યા છે.

‘આરતી અને અંગારા’ (1956), ‘મન નહિ માને’ (1962), ‘પડછાયા સંગ પ્રીત’ (1963), ‘ન કિનારો, ન મઝધાર’ (1965), ‘રિક્તા’ (1968), ‘વ્યક્તમધ્ય’ (1970), ‘ભીના સમયવનમાં’ (1972), ‘સમયદ્વીપ’ (1974), ‘ઊર્ધ્વમૂલ’ (1981), ‘અસૂર્યલોક’ (1987), ‘નિર્વિકલ્પ’ (2005) વગેરે એમની નવલકથાઓ છે. ‘સમયદ્વીપ’, ‘ઊર્ધ્વમૂલ’ અને ‘અસૂર્યલોક’ એમની યશોદાયી નવલકથાઓ છે. પરંપરા સાથે અનુસંધાન સાધી આધુનિકતાનો સ્વીકાર કરી, મધ્યમ માર્ગ ગ્રહણ કરી, બંને પરંપરાનો વિવેકબુદ્ધિથી સમન્વય સાધીને એમણે સામાજિક અને સાંસ્કૃતિક ભૂમિકાને રજૂ કરતી નવલકથાઓ આપી છે.

‘દીપ સે દીપ જલે’ (1958), ‘હૃદયદાન’ (1961), ‘રાતરાણી’ (1963), ‘મહેક મળી ગઈ’ (1965), ‘છિન્નભિન્ન’ (1967), ‘તમને ફૂલ દીધાનું યાદ’ (1970), ‘કંઈ યાદ નથી’ (1974), ‘વ્યર્થ કક્કો, છળ બારાખડી’ (1979), ‘અડાબીડ’ (1985), ‘અકથ્ય’ (1985), ‘ભગવતીકુમાર શર્માની શ્રેષ્ઠ વાર્તાઓ’ (1987) અને ‘માંગલ્યકથાઓ’ (2001) – આ એમના વાર્તાસંગ્રહો છે. ગુજરાતી વાર્તાના પરંપરાના સંસ્કાર ઝીલીને આધુનિકતાના કશા વળગણ સિવાય સ્વકીય સર્જકમુદ્રા દ્વારા સમન્વયશીલ ‘વચલી કેડી’ના અભિગમ દ્વારા એમણે ગુજરાતી સાહિત્યને કેટલીક સ્મરણીય વાર્તાઓ આપી છે.

‘શબ્દાતીત’ (1980), ‘બિસતંતુ’ (1990), ‘પરવાળાંની લિપિ’ (1995), ‘હૃદયસરસાં’ (1995), ‘સ્પંદનપર્વ’ (1995), ‘પ્રેમ જે કશું માગતો નથી’ (1997), ‘માણસ નામે ચંદરવો’ (1998), ‘ફૂલો સાથે વાત કરવાનો સમય’ (2001), ‘નદીવિચ્છેદ’ (2001), ‘ડાળખી પર બે પાંદડાં’ (2005) એમના નિબંધસંગ્રહો છે. શૈશવનાં સ્મરણ, આત્મકથનાત્મક, ભારતીય સંસ્કૃતિના સંસ્કારની સાથે સાથે મહાપુરુષોએ પ્રબોધેલાં જીવનનાં મૂલ્યો, આદર્શો અને ભાવનાઓથી રસાયેલા ચિંતનાત્મક તેમજ લલિત પ્રકારના નિબંધો એમણે આપ્યા છે. વિષયવૈવિધ્ય, નિજી ભાષાશૈલી, વિચાર-ભાવવૈવિધ્ય અને તેનું સમતોલ નિરૂપણ, ચિત્રાત્મકતા, સુશ્ર્લિષ્ટતા, લાઘવ, ઇન્દ્રિયપ્રત્યક્ષતા વગેરે વિશેષોથી એમના નિબંધો નોંધપાત્ર છે.

‘સંભવ’ (1974), ‘છંદો છે પાંદડાં જેનાં’ (1987), ‘ઝળહળ’ (1995), ‘નખદર્પણ’ (1995), ‘ગઝલની પાલખીમાં નીકળ્યાં’ (2001), ‘અઢી અક્ષરનું ચોમાસું’ (2001), ‘એક કાગળ હરિવરને’ (2003), ‘ઉજાગરો’ (2004) એમના કાવ્યગ્રંથો છે. આ ઉપરાંત ‘તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે’ (2003), ‘પ્રાતિનિધિક કાવ્યસંગ્રહ’ (2005) અને ‘કાવ્યકળશ’ એમનાં કાવ્યોનાં અન્ય દ્વારા થયેલાં સંપાદનો છે. ભગવતીકુમારની કવિતામાં પરંપરા અને આધુનિકતાના સંયોજનથી પ્રગટતો વિલક્ષણ સ્વર સંભળાય છે. સ્વરૂપની દૃષ્ટિએ એમણે છંદોબદ્ધ કાવ્યો, ગીત-ગઝલના સ્વરૂપમાં અર્પણ કર્યાં છે. ગઝલની કાવ્યબાની અને રચનાબંધના વિવિધ પ્રયોગો એમણે કર્યા છે.

‘ગુજરાતી ગઝલ’ (1995), ‘અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા’ (1998), ‘ગઝલનો કરીએ ગુલાલ’ (2005)  એ એમના વિવેચન- આસ્વાદના ગ્રંથો છે. ‘અમેરિકા, આવજે !’ (1996) એ પ્રવાસકથાનું પુસ્તક છે. ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ (2005) એમની આત્મકથા છે. ‘જડબાતોડ’ (2005), ‘ક્લીન બોલ્ડ’ (2005), ‘સૂપડાં સાફ’ (2005) અને ‘ડાંડિયા ગુલ !’ (2005)  એ હાસ્યકટાક્ષનાં પુસ્તકો છે. ‘અયોધ્યાકાંડ : અગ્નિ અને આલોક’ (1993) એ એમનો તંત્રીલેખોનો સંગ્રહ છે. ‘છેલ્લાં પચ્ચીસ વર્ષનું ગુજરાતી પત્રકારત્વ’ (1986) અને ‘એકવીસમી સદીની ગુજરાતી નવલકથા’ – એ એમની પ્રવચનોની પુસ્તિકાઓ છે. ‘સાત યુગોસ્લાવ વાર્તાઓ’ (1978), ‘અષાઢનો એક દિવસ’ (1978) તથા ‘આલોકપર્વ’ (1994) – એ એમણે કરેલા અનુવાદના ગ્રંથો છે. એમણે નાનુભાઈ નાયકના ગુજરાતી પુસ્તકનો ‘એક અસ્થાપિત રાજનીતિક દલ કા મસૌદા’ નામે હિન્દીમાં અનુવાદ કર્યો છે.

ઉપરાંત ‘અષાઢી મૃગજળને કિનારે’, ‘હયવદન’, ‘તુઘલક’, ‘સૂર્યના અંતિમ કિરણથી સૂર્યના પ્રથમ કિરણ સુધી’, ‘પૌરુષ’ વગેરે એમણે રંગમંચ માટે ભાષાંતરિત-રૂપાંતરિત કરેલાં નાટકો છે. એમણે ‘સરળ શાસ્ત્રીજી’ (1966) નામે સ્વ. લાલબહાદુર શાસ્ત્રીના જીવનપ્રસંગોને આલેખતું જીવનચરિત્ર પણ આપ્યું છે. ‘શ્વાસ-ઉચ્છ્વાસ’ નામે ગની દહીંવાળાના અભિનંદનગ્રંથનું અન્ય સાથે સંપાદન કર્યું છે. એમની ‘અસૂર્યલોક’ નવલકથાનો હિંદીમાં તેમજ ‘સમયદ્વીપ’ નવલકથાનો હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં અનુવાદ થયેલો છે. ‘દ્વાર નહીં ખૂલે’ (1994) ભારતીય જ્ઞાનપીઠ દ્વારા એમનો હિન્દીમાં પ્રકાશિત થયેલો પ્રાતિનિધિક વાર્તાસંગ્રહ છે.

ભગવતીકુમારની કૃતિઓને મુંબઈ તથા ગુજરાત રાજ્યનાં અનેક પારિતોષિકો મળ્યાં છે. શ્રેષ્ઠ વાર્તા અને કાવ્યો માટે 1977નો કુમારચંદ્રક, ‘ઊર્ધ્વમૂલ’ નવલકથાને ગોવર્ધનરામ ત્રિપાઠી ઍવૉર્ડ તથા ગુજરાત સરકારનું પારિતોષિક મળ્યું છે. 1984માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ‘અસૂર્યલોક’ નવલકથાને 1988ના વર્ષનું ભારતીય સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મળ્યું છે. ગુજરાતી નવલકથાક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ એક લાખ રૂપિયાનો ‘દર્શક પુરસ્કાર’ એમને એનાયત થયો છે. ગુજરાતી ગઝલક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન માટે ‘ઇન્ડિયન નૅશનલ થિયેટર’ (મુંબઈ) દ્વારા ‘કલાપી પુરસ્કાર’ પ્રાપ્ત થયો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા સત્વશીલ અને મૂલ્યનિષ્ઠ સાહિત્યસર્જન માટે ‘સ્વામી સચ્ચિદાનંદ સન્માન’ મળ્યું. સાહિત્યક્ષેત્રે અદ્વિતીય સેવા માટે ગુર્જર વિકાસ સંઘ, વડોદરા તરફથી ‘ગુર્જર રત્ન ખિતાબ’ અર્પણ થયો છે. પત્રકારત્વક્ષેત્રે બજાવેલી સેવા માટે ‘બટુભાઈ દીક્ષિત ઍવૉર્ડ’ મળ્યો છે. પત્રકારત્વના ઉત્તમ યોગદાન માટે ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર, શેખાદમ આબુવાલા પુરસ્કાર તથા યજ્ઞેશ શુક્લ સન્માન પ્રાપ્ત થયાં છે. સત્યનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ અને નિર્ભીક પત્રકારત્વના ખેડાણ માટે એક લાખ રૂપિયાનું ‘નચિકેતા પારિતોષિક’ તત્કાલીન પ્રધાનમંત્રીશ્રી અટલબિહારી વાજપેયીને હસ્તે દિલ્હીમાં અર્પણ થયું હતું. ગુજરાત સ્થાપના દિને 2004માં ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ સાહિત્યકાર-પત્રકાર તરીકેનું સન્માન તેમને મળેલું. ભગવતીકુમારે અમેરિકા અને પૂર્વ આફ્રિકા કેન્યાનો પ્રવાસ પણ કર્યો છે. તેઓ ‘જન્મભૂમિ પ્રવાસી’, ‘મુંબઈ સમાચાર’, ‘સમકાલીન’, ‘સમાંતર’, ‘જોગ-સંજોગ’ વગેરે દૈનિક પત્રપત્રિકાઓમાં નિયમિત કટારલેખન કરે છે.

અમૃત ચૌધરી