વૉગ્લર, એબી (. 1749, વુર્ઝબર્ગ, જર્મની; . 1814) : અઢારમી સદીના જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક.

વુર્ઝબર્ગના એક વાયોલિન બનાવનારના તે પુત્ર હતા. 1771માં તેમને ઇટાલીના બોલોન્યા નગરમાં સંગીતનું શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ મળી. બોલોન્યા અકાદમી ઑવ્ મ્યુઝિકમાં ખ્યાતનામ ગણિતજ્ઞ તથા સંગીતજ્ઞ પાદરી જિયામ્બાતિસ્તા માર્તિની તથા પછીથી પાદુઆમાં વાલોત્તીની રાહબરી નીચે તેમણે સંગીતનો અભ્યાસ કર્યો પછી તે વેનિસ જઈને સ્વરનિયોજક હેસેને મળ્યા. ત્યારબાદ રોમ જઈને પાદરીના શપથ ગ્રહણ કરી તે પાદરી બન્યા. 1775માં તેમણે મેન્હીમ જઈ સંગીતના શિક્ષણ માટે મહાશાળા શરૂ કરી. સંગીતના ઉચ્ચશિક્ષણ માટે સમગ્ર જર્મનીમાં આ સર્વપ્રથમ મહાશાળા હતી. એ ઑર્ગન વાદનમાં નિપુણ બન્યા. લંડન અને પૅરિસથી તેમને ઑર્ગનવાદન માટે આમંત્રણો મળ્યાં. સ્ટૉકહોમ, પ્રાહા અને ડેર્મ્સ્ટેટમાં સંગીતની મહાશાળાઓની સ્થાપના કરવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો. મોરૉક્કો, અલ્જિરિયા તથા તુર્કીના તાબાના ગ્રીસનો તેમણે પ્રવાસ કર્યો. આ પ્રદેશોના વૃંદગાનનો અભ્યાસ તેમણે આ પ્રવાસ દરમિયાન કર્યો. 1807માં તેઓ ડેર્મ્સ્ટેટમાં સ્થિર થયા. તેમના શિષ્યોમાંથી કાર્લ મારિયા ફોન વેબર તથા મેયર્બિયર પછીથી ઝળકી ઊઠ્યા.

વૉગ્લરનું મૌલિક સ્વરનિયોજન જર્મન સંગીતકાર સ્ટેમિટ્ઝની પ્રણાલીને અનુસરે છે.

અમિતાભ મડિયા