વૈયાપુરી, પિલ્લઈ, સા (જ. 1891, તિરુનેલવેલી, તામિલનાડુ; અ. 1956) : તમિળ પંડિત અને વિવેચક. તેમણે સ્થાનિક હિંદુ કૉલેજ તથા મદ્રાસ(ચેન્નાઈ)ની ક્રિશ્ચિયન કૉલેજમાં અભ્યાસ કર્યો. કાયદાની પદવી મેળવ્યા બાદ 1915થી 1925 સુધી ત્રિવેન્દ્રમ્માં વકીલાત કરી. તે દરમિયાન તેઓ દેસિકા વિનાયકમ્ પિલ્લઈ, લક્ષ્મનન્ પિલ્લઈ, કે. એન. શિવરાજ પિલ્લઈ અને કે. જી. શંકર અય્યર જેવા વિખ્યાત રચયિતાઓના સંપર્કમાં આવ્યા. તેમણે સુંદરમ્ પિલ્લઈના નાટક ‘મનોમનિયમ’નું સંપાદન કર્યું.

પછી તિરુનેલવેલી આવીને તેમણે નાનું સાહિત્યિક વર્તુળ રચ્યું. 1926થી 1936 સુધી તેઓ 10 ગ્રંથોના બનેલા તમિળ શબ્દકોશના સંપાદક રહ્યા. તે દરમિયાન કોશવિદ્યાને લગતા ઘણા નિઘંટુઓ(શબ્દકોશો)નું સંપાદન કર્યું. 1936થી 1946 સુધી તેઓ મદ્રાસ યુનિવર્સિટીના તમિળ વિભાગના વડા રહ્યા, પછી તેમણે સંખ્યાબંધ તમિળના પ્રશિષ્ટ ગ્રંથોનું સંપાદન કર્યું. તેમનું ‘પુરાતિરટ્ટુ’ નામક ચયનિકાનું સંપાદન તમિળની કેટલીક અલભ્ય કૃતિઓ પર પ્રકાશ ફેંકે છે.

તેઓ તમિળ અને અંગ્રેજી ઉપરાંત સંસ્કૃત, જર્મન, ફ્રેન્ચ અને મલયાળમનું સંગીન જ્ઞાન ધરાવતા હતા. તેઓ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમણે 40 વર્ષ સુધી તમિળ અભ્યાસો ઘડવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. 1941માં મદ્રાસ ખાતે તમિળ સાહિત્યિક પરિષદ, 1944માં બનારસ, 1946માં નાગપુર અને 1951માં લખનૌ ખાતે ઑલ ઇન્ડિયા ઓરિએન્ટલ કૉન્ફરન્સના પ્રમુખ રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં 246 લેખો ધરાવતી તમિળમાં અલભ્ય સંશોધનકૃતિઓના 20 ગ્રંથો, તાડપત્રની હસ્તપ્રતોમાંથી સંપાદિત 40 ગ્રંથો, ‘રાજી’ નામક નવલકથા; 8 વાર્તાસંગ્રહો તથા કાવ્યસંગ્રહ અને નિબંધસંગ્રહ આપ્યા છે. 1946માં નિવૃત્ત થયા બાદ તેમણે 1956માં અંગ્રેજીમાં ‘ધ હિસ્ટરી ઑવ્ તમિલ લગ્વેજ ઍન્ડ લિટરેચર’ ગ્રંથ આપ્યો. ‘કમ્બરામાયણમ્’ની 77 તાડપત્ર પરની હસ્તપ્રતો એકત્રિત કરી. 1951થી 1954 સુધી તેઓ કેરળ યુનિવર્સિટીના તમિળ ભાષા-સાહિત્ય વિભાગના અધ્યક્ષ રહ્યા. યુ. વી. સ્વામીનાથ અય્યર પછી, તેમણે વિસારે પડેલ પ્રાચીન તમિળ સાહિત્યનો પુનરુદ્ધાર કર્યો અને દરેક કૃતિનો ઐતિહાસિક અને સાહિત્યિક પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ કરીને તમિળ ભાષા અને સાહિત્યનો વિકાસ સાધવામાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવનાર તેઓ તમિળ પંડિત સમાજમાં અનન્ય સ્થાન પામ્યા. 1955માં તમિળ લેખક મંડળ, ચેેન્નાઈ તરફથી તેમના મહત્ત્વના પ્રદાન બદલ તેમને શિલ્ડ એનાયત કર્યો.

તેમણે 4551 ગ્રંથો અને હસ્તપ્રતોના ગ્રંથાલયની રચના કરી. તે પૈકી 2943 તમિળ, 1543 અંગ્રેજી, ફ્રેંચ અને જર્મન તથા 113 સંસ્કૃત, 16 મલયાળમ અને 340થી વધુ તાડપત્રમાં હસ્તપ્રતો તથા ગ્રંથો છે. 1960માં તેમની પુત્રી સરોજિનીએ આ સંગ્રહ નૅશનલ લાઇબ્રેરી, કોલકાતાને અર્પણ કર્યો.

તેમની ઉલ્લેખનીય કૃતિઓમાં ‘અરૈચી ઉરઈ થોગુટી’ (1930); ‘ઇલિક્કિય ઉદયમ્’ (1952); ‘ઇલિક્કિય દીપમ્’ (1952); ‘કાવ્યકલમ્’ (1957); ‘ઇલક્કિય વિલક્કમ્’ (1958) અને ‘હિસ્ટરી ઑવ્ તમિળ લૅક્સિકૉગ્રાફી’નો સમાવેશ થાય છે.

બળદેવભાઈ કનીજિયા