વૈયાકરણભૂષણ : કૌંડ ભટ્ટે (1625) રચેલો સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રનો શબ્દાર્થની ચર્ચા કરતો ગ્રંથ. ભર્તૃહરિએ ‘વાક્યપદીય’ નામના પોતાના પ્રસિદ્ધ ગ્રંથમાં જે શબ્દાર્થવિચાર પ્રસ્તુત કર્યો છે તે જ વિષયના આધારે ભટ્ટોજી દીક્ષિતે 74 કારિકાઓની બનેલી ‘વૈયાકરણ સિદ્ધાન્તકારિકા’ લખેલી. એ કારિકાઓની ભટ્ટોજી દીક્ષિતના ભત્રીજા કૌંડ ભટ્ટે ‘વૈયાકરણભૂષણ’ નામના પોતાના ગ્રંથમાં વિસ્તૃત સમજ આપી છે. ‘વૈયાકરણભૂષણ’ મોટા કદનો ગ્રંથ છે. તે ગ્રંથ વિદ્યાર્થીઓને સરળતાથી સમજાય તે માટે લેખક કૌંડ ભટ્ટે પોતે જ તેમાંથી કેટલીક સૂક્ષ્મ ચર્ચાઓને બાદ કરી મુખ્ય વિષયવસ્તુને યથાતથ રજૂ કરતો સારરૂપ બીજો ગ્રંથ લખ્યો તે ‘વૈયાકરણભૂષણસાર’ છે અને તે મૂળ ગ્રંથ કરતાં અભ્યાસકોમાં વધુ પ્રચલિત છે. તેના પર હરિ દીક્ષિતે ‘મનોરમા’, કેશવ કાલેએ ‘કાશિકા’, ભૈરવ મિશ્રે ‘ભૈરવી’, શંકર શાસ્ત્રી મારુલકરે ‘શાંકરી’, હરિવલ્લભે ‘દર્પણટીકા’, ગોપાલદેવે ‘લઘુભૂષણકાંતિ’ નામની ટીકાઓ લખી છે. છેક 19મી સદીમાં ‘વૈયાકરણભૂષણસારવૃત્તિ’  એ સૌથી છેલ્લી વૃત્તિ લખાઈ છે. આ બધી ટીકાઓ અને વૃત્તિ મૂળ ગ્રંથ કરતાં તેના સારની લોકપ્રિયતા બતાવે છે. મૂળ ગ્રંથના થોડાક જ મુદ્દાઓને કાઢી નાખવામાં આવ્યા છે તેથી ‘વૈયાકરણભૂષણસાર’ મૂળ ગ્રંથને જ મોટાભાગે રજૂ કરે છે.

‘વૈયાકરણભૂષણ’ અને તેનો સાર બંને 14 પ્રકરણોના બનેલા છે. આ પ્રકરણોનાં નામ આ મુજબ છે : (1) ધાત્વર્થનિર્ણય, (2) લકારાર્થ-નિર્ણય, (3) સુબર્થનિર્ણય, (4) નાનાર્થનિર્ણય, (5) સમાસશક્તિનિર્ણય, (6) શક્તિનિર્ણય, (7) નઞર્થનિર્ણય, (8) નિપાતાર્થનિર્ણય, (9) ત્વાદિભાવપ્રત્યયાર્થનિર્ણય, (10) દેવતાપ્રત્યયાર્થનિર્ણય, (11) અભેદૈકત્વસંખ્યાનિર્ણય, (12) સંખ્યાવિવક્ષા, (13) ક્ત્વાદ્યર્થ-નિર્ણય, (14) સ્ફોટનિર્ણય. સંક્ષેપમાં, વ્યાકરણશાસ્ત્રના મહત્ત્વના પદાર્થોના અર્થનિર્ણયનું નિરૂપણ આ ગ્રંથમાં કૌંડ ભટ્ટે કર્યું છે. એમાં ભર્તૃહરિના ‘વાક્યપદીય’ના મુદ્દાઓ જ રજૂ થયા છે. તેથી તેમાં નવીન કે મહત્ત્વનું પ્રદાન નથી; પરંતુ શબ્દાર્થવિચારને ફરી વાર પ્રચલિત કરવાનું માન ‘વૈયાકરણભૂષણ’ અને ‘વૈયાકરણભૂષણસાર’  એ બંને ગ્રંથોના એકમાત્ર લેખક કૌંડ ભટ્ટના ફાળે જાય છે. ‘વૈયાકરણભૂષણ’ની મૂળ કારિકાઓ લખનાર કૌંડ ભટ્ટના કાકા ભટ્ટોજી દીક્ષિતની પણ કૌંડ ભટ્ટને પ્રેરણા મળી છે અને કારિકાઓ લખી તેમણે પણ મોટું પ્રદાન કર્યું છે. ‘વૈયાકરણભૂષણસાર’ એ ગ્રંથ કાશી સંસ્કૃત સિરીઝમાં 23મા ગ્રંથ તરીકે ‘દર્પણટીકા’ સાથે 1939માં અનંતશાસ્ત્રી ફડકેએ પ્રગટ કર્યો છે તે હાલ ઉપલબ્ધ છે.

પ્ર. ઉ. શાસ્ત્રી