વિસ્થાનિકતા : સજીવની જાતિઓની સ્વતંત્ર ઉત્પત્તિ દર્શાવતું એક પરિબળ. સજીવોની નવી જાતિના સર્જનની ઘટનાને જાતિઉદ્ભવન (speciation) કહે છે. આ પ્રક્રિયા વિવિધ પ્રકારે અને પંથે સંભવે છે. કોઈ એક પ્રદેશ કે વિસ્તારની સજીવની જાતિની વસ્તીમાંથી ભૌગોલિક કે પરિસ્થિતિગત (ecological) કારણોસર જૂથો વહેંચાય કે અલગ પડી જાય તો તેમને વિસ્થાનિક (allopatric) કહે છે. સમયના વહેણમાં આવાં વિખૂટાં પડેલાં જૂથો સ્વતંત્ર જાતિઓમાં પરિણમે છે. તેઓ આકારવિદ્યા અને દેહધર્મવિદ્યાની દૃષ્ટિએ સદંતર ભિન્નતા અપનાવે છે. આમ, ભૌગોલિક અલગતાને આધારે નવી જાતિના નિર્માણને વિસ્થાનિકતા (allopatry)  કહે છે. ગેલાપૅગોસ ફિંચ(Geospiza)માં વિસ્થાનિકતા જોવા મળે છે.

નરેન્દ્ર ઈ. દાણી