વિષાણુજન્ય રોગો (પશુસ્વાસ્થ્ય) : પશુધન(live stock)ને ઘાતક એવા વિષાણુચેપના પ્રકારો. પશુધનમાં ગાય, બળદ, ભેંસ, બકરાં, કૂતરાં, બિલાડાં, ભુંડ જેવાં સસ્તનો ઉપરાંત મરઘાં જેવાં પક્ષીઓનો સમાવેશ થાય છે. સસ્તનોને થતા વિષાણુઓના ચેપમાં 1. ખરવા મોંવાસો શોથ (foot and mouth disease), 2. બળિયા (rinder pest), 3. સંકીર્ણ શ્ર્લેષ્મ(લાળ, લીંટ, ચીકણા ઝાડા વગેરે)-ચેપ – mucosal complex disease, 4. હડકવા (rabies), 5. માતાનો ચેપ (pox disease), 6. નીલી જીભ અને રક્તસ્રાવ શોથ (blue tongue and haemorrhagic disease), 7. ગોજાતીય ઘ્રાણ શ્વાસનાલિકીય શોથ (bovine rhinotracheitis) અને 8. ટૂંટિયા તાવ(dengue fever)નો સમાવેશ થાય છે. પક્ષીઓ 1. રાનીખેત-ચેપ (Ranikhet disease), 2. પક્ષીકીય-અધિકમ શ્વેતકણ સંકીર્ણ શોથ (avian leucosis complex), 3. લકવો (mavek’s disease), 4. કુક્કુટ શ્વસની શોથ (fowl bronchitis), 5. ગુદા-ગ્રંથિ ચેપ (infections bursitis-gumboro disease), 6. ઘ્રાણ શ્વસની ચેપ (infectious laryngo-tracheitis) અને 7. કુક્કુટ શીતળા (fowd pox) જેવા વિષાણુજન્ય ચેપથી પીડાય છે.

(1) ખરવા મોંવાસો : આ રોગ ઢોર, બકરાં અને ભુંડ જેવાં સમખૂરી જાનવરોમાં જોવામાં આવે છે. આ સંસર્ગના અતિરેકથી થતો રોગ છે. રોગિષ્ઠ જાનવરોને ખરીના વચ્ચેના ભાગમાં અને મોઢામાં ફોલ્લા થાય છે, જે ફૂટ્યા બાદ ચાંદાં પડે છે.

ખરવા મોંવાસાના વિષાણુઓના મુખ્ય સાત પ્રકાર છે; જે ઓ (O), એ (A), સી (C), સેટ-1, સેટ-2, સેટ-3 અને એશિયા-1 તરીકે ઓળખાય છે. દરેક પ્રકારને ઉપપ્રકાર હોય છે. જો જાનવરને એક પ્રકારના વિષાણુથી રોગ થયો હોય અને તેમાંથી સારાં થાય તોપણ તેમને બીજા પ્રકારના વિષાણુથી રોગ થઈ શકે છે.

રોગનો પ્રસાર : આ રોગમાં મોઢા તથા પગના ફોલ્લા ફૂટીને તેમાંથી નીકળતું પ્રવાહી, ખોરાકમાં મળી જતાં તેનાથી બીજાં જાનવરોને ચેપ લાગે છે. આ રોગના વિષાણુઓ શરીર બહાર ઘાસ, જમીન, માંસ અને અનાજ પર 4-11 મહિના સુધી જીવંત રહી શકે છે. રોગનો ફેલાવો સંદૂષિત ખોરાક, પાણી, ઉંદર, માનવ અને માણસની અવર-જવર દ્વારા પણ થાય છે.

રોગનાં લક્ષણો : ચેપ લાગ્યા બાદ 18 કલાકથી 21 દિવસના સમયમાં રોગનાં લક્ષણો દેખાય છે. સામાન્યપણે એક જ તબેલામાં રહેતાં, કોઢમાં એક છાપરા નીચે (cattle shed) રહેતાં મોટાભાગનાં જાનવરોને એકસાથે રોગ લાગુ પડે છે. રોગી પશુને 9798° સે. જેટલો તાવ આવે છે. મોઢાંની ત્વચામાં, પેઢામાં તેમજ જીભના ભાગ ઉપર ફોલ્લા થાય છે; જે ફૂટીને લાલાશ પડતાં ચાંદાંમાં પરિણમે છે. આને કારણે જાનવરને ખૂબ જ દર્દ થાય છે અને ખોરાક લઈ શકાતો નથી અને મોઢામાંથી સતત લાળ પડ્યાં કરે છે. સામાન્ય રીતે ફોલ્લા ફૂટી ગયા બાદ ધીરે ધીરે તાવ ઓછો થતો જાય છે અને પછી ચાંદાંમાં રૂઝ આવવી શરૂ થાય છે. મોઢામાં ચાંદાં પડવાની સાથે અને કેટલીક વખત થોડા દિવસો બાદ જાનવરને પગની ખરી વચ્ચેની ચામડી પર ફોલ્લા થાય છે, જે ફૂટીને ચાંદાં પડે છે. આને પરિણામે જાનવરને ખૂબ જ દર્દ થાય છે અને તે લંગડાતું ચાલે છે. જો કાળજી રાખવામાં ન આવે તો પગના ચાંદામાં માખીની ઇયળો (જીવાત) વિકસે છે અને બેકાળજીમાં રૂઝ આવતાં સમય લાગે છે અને કોઈક વખત ખરી પણ છૂટી પડી જાય છે. અમુક કિસ્સાઓમાં આંચળ અને થાનલાં ઉપર પણ ફોલ્લા થાય છે અને ચાંદાં પડે છે. આને પરિણામે જાનવરના દૂધ-ઉત્પાદન પર અવળી અસર થવા સંભવ છે.

રોગી જાનવરને ખોરાક લેવાની અરુચિ થવાથી તેની ઉત્પાદકશક્તિ તેમજ કાર્યશક્તિ ઘટી જાય છે. આ ચેપને લીધે નાનાં વાછરડાં તેમ જ ભારતમાં વસતા વિદેશી જાનવરોમાં મૃત્યુનું પ્રમાણ ઘણું ઊંચું રહે છે.

રોગનિદાન : રોગનું નિદાન તેનાં લક્ષણો પરથી થઈ શકે છે. આ ઉપરાંત ફોલ્લાનું પ્રવાહી અથવા તો ફોલ્લાની ચામડીના ટુકડાને 5 % ગ્લિસરીન ફૉસ્ફેટના બફર (તટસ્થ) દ્રાવણમાં મૂકીને પ્રયોગશાળામાં લઈ જઈ ત્યાં તેનું પરીક્ષણ કરાવવાથી વિષાણુના પ્રકાર પણ જાણી શકાય છે.

સારવાર : (1) મોઢાંનાં ચાંદાંને ફટકડી કે પોટૅશિયમ પરમૅન્ગેનેટ(1.1000)ના દ્રાવણથી સાફ કરીને બોરોગ્લિસરીન, ટેનિક ઍસિડ અથવા તો કાથા જેવી વસ્તુ લગાડી શકાય.

(2) પગમાંની ખરીના ચાંદાને જંતુનાશક દવાથી સાફ કરી બોરિક ઍસિડ, ઝિંક ઑક્સાઇડ, કે સલ્ફાનિમાઇડનો મલમ અથવા તો ગ્લોરેક્ઝેઇન ક્રીમ લગાડી શકાય. જખમમાં ઇયળોના નાશ માટે એક ભાગ ટર્પેન્ટાઇનનું તેલ તથા ત્રણ ભાગ મીઠા તેલનું મિશ્રણ કરી લગાડી શકાય.

(3) સામૂહિક સારવાર માટે ગામમાં અથવા તો ગમાણમાં જાનવર દાખલ થવાની જગ્યાએ 2 મીટર લાંબો, 1.5 મીટર પહોળો તેમજ 20 સેમી. ઊંડો ખાડો તૈયાર કરી તેમાં વિષાણુનાશક દવા (4 ટકા ધોવાનો સોડા અથવા તો 1 ટકો મોરથૂથુંનું દ્રાવણ) ભરી તેમાંથી જાનવરને પસાર થવા દેવાં.

રોગ થતો અટકાવવા માટે ખરવા મોંવાસાની રસી નિયમિત રીતે મુકાવવી હિતાવહ છે. આ માટે બજારમાં વિષાણુના જુદા જુદા પ્રકારની મિશ્ર રસી ઉપલબ્ધ છે.

ભારતનાં દેશી જાનવરોમાં મૃત્યુપ્રમાણ ઓછું છે, પરંતુ આવાં જાનવરની ઉત્પાદક શક્તિ તેમજ કાર્યશક્તિ ઘટી જતી હોય છે.

2. બળિયા : બળિયા એ ઢોરોનો સાંસર્ગિક અને પ્રાણઘાતક રોગ છે. ઢોર, ઘેટાં, બકરાં, ભુંડ તેમજ ઊંટને તેમજ જંગલી જાનવરોમાં હરણ, નીલગાયને આ રોગ થાય છે. દુનિયાના ઘણા દેશોમાં આ રોગ નિર્મૂળ કરવામાં આવ્યો છે. ભારતમાં પણ મોટાભાગનાં રાજ્યોમાંથી આ રોગ નિર્મૂળ કરવામાં આવ્યો છે, તેને અટકાવવા સામૂહિક રસીકરણ કાર્યક્રમ ચાલુ છે.

આ રોગનો ફેલાવો રોગી જાનવરના મોઢામાંથી પડતી લાળ, નાક અને આંખનું પ્રવાહી, ઝાડો-પેશાબ વગેરે ખોરાકમાં ભળી જતાં થાય છે. ભારતમાં માલધારીઓની અવર-જવર રોગના ફેલાવામાં અગત્યનો ભાગ ભજવે છે.

રોગનાં લક્ષણો : ચેપ લાગ્યા બાદ 3થી 9 દિવસમાં રોગનાં લક્ષણો દેખાય છે. શરૂઆતમાં જાનવર બેચેની અનુભવે છે અને પછી તેને એકદમ તાવ આવે છે. ઓછો ખોરાક લે છે અને તેની ચામડીની રુવાંટી બરડ થઈ જાય છે. આંખ અને નાકમાંથી પ્રવાહી વહે છે અને મોઢાની ત્વચા તેમજ જીભની નીચે ચાંદાં પડે છે. શરૂઆતમાં ચાંદાં લાલાશ પડતાં હોય છે. ત્યારબાદ તેને પીળાશ પડતી ગંધ મારતી છારી વળે છે.

તાવ આવ્યા બાદ ત્રણથી ચાર દિવસમાં જાનવરને લોહી મિશ્રિત પાતળા દુર્ગંધ મારતા ઝાડા થાય છે. જાનવર નબળાં અને ક્ષીણ થઈ જાય છે. આંખમાં ચીપડા બાઝે છે અને નાકનું શ્ર્લેષ્મ ઘટ્ટ થઈ જાય છે. ગાભણ જાનવરને ગર્ભપાત પણ થઈ શકે છે. ખૂબ જ નબળાઈને પરિણામે જાનવર મૃત્યુ પામે છે.

ઉપચાર : આ રોગ માટે કોઈ ઇલાજ નથી, કેટલાક કિસ્સાઓમાં બળિયા-વિષાણુ-પ્રતિરોધક રક્તદ્રવ્ય આપવાથી જાનવર રોગથી પીડાતું નથી.

બળિયાના રોગની નિર્મૂલન યોજના ભારતમાં છેલ્લાં પચાસેક વર્ષથી ચાલે છે; તેથી મોટાભાગના પ્રદેશોમાં રોગ નિર્મૂળ કરી શકાયો છે.

બળિયાના રોગના નિવારણ માટે નીચે મુજબની પ્રતિકારક રસીઓ ઉપલબ્ધ છે :

અતિશીતનથી સૂકવેલ બકરાં-પેશી રસી (freezed dried goat-tissue vaccine, F.D.G. vaccine) : ઓલાદનાં ઢોરો માટે આ રસી ખૂબ જ અસરકારક નીવડી છે. જોકે હાલમાં પેશી-સંવર્ધન રસી(tissue culture vaccine)નો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. આ રસી વધારે અસરકારક છે અને સામાન્યપણે દરેક જાતનાં જાનવરો માટે વપરાય છે.

નિદાન : આ રોગ સંકીર્ણ શ્ર્લેષ્મ ચેપ સાથે સામ્યતા ધરાવતો હોઈને રક્તરસ દ્રવ્ય(serum)નું પરીક્ષણ કરાવવાથી ફરક જાણી શકાય છે. ખાસ કરીને જ્યારે બળિયાના રોગ માટે રસી આપવામાં આવી હોય છતાં રોગ જણાય ત્યારે રક્તરસ દ્રવ્ય-પરીક્ષણ કરવું જરૂરી છે.

3. સંકીર્ણ શ્ર્લેષ્મ : આ ચેપનાં લક્ષણો બળિયાના રોગને મળતાં આવે છે. રોગી જાનવરને તાવ આવે છે. મોઢામાં અને નાકની આગળની ત્વચા પર ચાંદાં પડે છે. મોઢામાંથી સતત લાળ પડ્યા કરે છે અને નાક તથા આંખમાંથી ઘટ્ટ ચીકણો પદાર્થ વહ્યા કરે છે. રોગ શરૂ થયા બાદ ઢોરને ત્રણથી ચાર દિવસ બાદ દુર્ગંધ મારતા ઝાડા થાય છે. ધીરે ધીરે તાવ ઊતરી જાય છે; પરંતુ નબળાઈને લઈને તેનું મૃત્યુ થવાની શક્યતા રહે છે. જોકે બચી ગયેલાં જાનવરો પાછાં સાજાં-તંદુરસ્ત બને છે. આ રોગ સામે પ્રતિકારક રસી ઉપલબ્ધ નથી.

હડકવા : હડકવાના વિષાણુની વૃદ્ધિ જાનવરના મગજમાં થતાં સમગ્ર ચેતાતંત્ર ઉપર તે અસર કરે છે.

ખાસ કરીને શિયાળ, વરુ, કૂતરાં, લોંકડી વગેરે માંસભક્ષી પ્રાણીઓ આ રોગથી પીડાતાં હોય છે. રોગી પ્રાણીઓ માણસ કે અન્ય જાનવરોને કરડવાથી તેઓ પણ આ રોગથી પીડાય છે. હડકાયાં જાનવરોની લાળ દ્વારા વિષાણુ અન્ય જાનવરના શરીરમાં પ્રવેશે છે. યજમાનના શરીરને ચેપ લાગવાનો સમય કરડનાર પ્રાણીની જાત, જખમની ઊંડાઈ અને ચેતાતંત્ર સાથેના તેના સામીપ્ય પર આધારિત હોય છે.

સામાન્ય રીતે હડકાયાં જાનવર કરડ્યા બાદ 210 દિવસમાં રોગનાં ચિહ્નો દેખાય છે. કેટલીક વખત સમય 12 માસ જેટલો લાંબો પણ થાય છે.

રોગનાં લક્ષણો : આ લક્ષણો સૌમ્ય કે ઉગ્ર આમ બે પ્રકારનાં હોઈ શકે છે.

સૌમ્ય પ્રકારના રોગમાં જાનવર એક બાજુ નીરસ અવસ્થામાં બેસી રહે છે, ખોરાક લેતું નથી, અને ધીરે ધીરે તેનું મૃત્યુ થાય છે.

ઉગ્ર પ્રકારના રોગમાં જાનવર વારે વારે ઉશ્કેરાય છે. તે અહીંતહીં દોડ્યા કરે છે. વચ્ચે કાંઈ અડચણ આવે તો તેને તેનો ખ્યાલ આવતો નથી અને માર્ગમાં માણસ કે જાનવર દેખાય તો તેને બચકાં ભરે છે. આવા જાનવરની ભૂખ ખૂબ જ ઊઘડે છે અને ગમે તેવી વસ્તુ(દા.ત., ચામડું, પ્લાસ્ટિક, પથરા)ને તે ખાય છે. ચેપથી મગજ પર સોજો ઊપજતો હોવાથી જાનવર અસ્થિર બની અહીંતહીં ભાન વગર ભટક્યાં કરે છે.

ચેપપીડિત કેટલાંક જાનવરો બેચેન બની જાય છે; અવાર-નવાર માથું ઊંચુંનીચું કરે છે અને શિંગડાં જમીનમાં ખોસી ખાડો કરે છે. તેના પગ ખેંચાય છે અને અવાર-નવાર ઉશ્કેરાય છે. જો ખીલે બાંધ્યાં હોય તો ખીલો તોડી નાસવાનો પ્રયત્ન કરે છે. થોડો સમય ઉશ્કેરાટની તીવ્રતા ઘટે છે અને જાનવર પર લકવાની અસર દેખાય છે. ગળાના સ્નાયુઓમાં પણ લકવો થવાથી આવાં જાનવરોનો અવાજ રોતાં કૂતરાં જેવો સંભળાય છે. જાનવરના મોઢામાંથી લાળ પડે છે, ખોરાક લઈ શકાતો નથી, વાગોળી શકાતું નથી અને આફરો ચડે છે. હડકવાથી પીડાતાં બધાં જાનવરો 5-15 દિવસની અંદર મૃત્યુ પામતાં હોય છે.

જાનવરને કૂતરું કરડે કે તરત જ ઘાવાળી જગ્યા સાબુ અને પાણીથી ધોવી અને તેના પર કાર્બોલિક ઍસિડ, સિલ્વર નાઇટ્રેટ જેવી દવા લગાડવી જરૂરી છે.

કૂતરું કરડેલ જાનવરને હડકવારોધક રસી વડે તુરત ઉપચાર કરવાથી જાનવર રોગમુક્ત થઈ શકે છે.

કૂતરું કરડ્યા બાદ તે જ દિવસે અને ત્યારબાદ 3, 9, 14, 30, 60 અને 90 દિવસના અંતરે રસી મુકાવવી જરૂરી છે. વળી અધોચર્મક્ષેપે અથવા સ્નાયુમાં તદુપરાંત દર વરસે એક રસી મુકાવવી હિતાવહ છે.

પૂર્વોપાય : મોટેભાગે કૂતરાં કરડવાથી જાનવરને હડકવાનો રોગ થાય છે. ભટકતા કૂતરાની વંશવૃદ્ધિ અટકાવવાથી ચેપનું પ્રમાણ ઘટી શકે છે.

પાળેલાં કૂતરાંને નિયમિત રોગપ્રતિરોધક રસી મુકાવવી જરૂરી છે. ગલુડિયાંનાં જન્મ બાદ ત્રીજે માસે, ત્યારબાદ અનુક્રમે ત્રણ અઠવાડિયાં બાદ રસી મુકાવવી જરૂરી છે. વળી દર વર્ષે એક વાર રસી મુકાવવાથી કૂતરાને હડકવાનો રોગ થતો નથી.

માતાનો રોગ : માતાનો રોગ ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ડુક્કર વગેરે જાનવરોને થાય છે.

આ રોગની અસર માણસને પણ થતી હોય છે. આ રોગના ચેપની અસરથી ગાયો અને ભેંસોને ઝીણો તાવ આવે છે અને તેનાં આંચળ ને બાવલા પર તથા નરમાં વૃષણની ચામડી ઉપર નાની નાની ફોડલીઓ થાય છે; જે ધીરે ધીરે સુકાઈને ખરી જાય છે અને આવા સ્થળે એકાદ માસના સમયમાં રૂઝ આવી જાય છે.

આ રોગ સંસર્ગજન્ય છે. ખાસ કરીને દૂધ દોહનાર વ્યક્તિ દ્વારા તેનો ફેલાવો જલદી થાય છે. આ ઉપરાંત દોહનાર વ્યક્તિને પણ રસીના અભાવમાં આવો રોગ લાગુ પડી શકે છે.

રોગ ફેલાતો અટકાવવા માટે રોગી પશુઓને અલગ પાડી અન્ય સ્થળે લઈ જવાં અને દૂધ દોહતી વખતે સાવધ રહેવું જરૂરી છે.

ઘેટાં અને બકરાં ઉગ્ર પ્રકારના ચેપથી પીડાય છે અને તે પીડા દીર્ઘકાલીન હોય છે. તેની અસર હેઠળ જાનવરોના આખા શરીરની ચામડી તેમજ અંદરની સપાટી ઉપર ફોડલીઓ ઊપસે છે. આવાં પશુને સતત તાવ રહે છે અને તેની લસિકાગ્રંથિ સૂજી જાય છે. આ વ્યાધિથી પીડાતાં કેટલાંક જાનવરો ન્યુમોનિયા(ફેફસાંનો સોજો)થી પણ પીડાતાં હોય છે; જેમાં ફેફસાં ઉપર અનેક સ્થળે નાની નાની ગાંઠો થાય છે.

રસીના અંત:ક્ષેપણથી આ રોગ થતા અટકાવી શકાય છે.

ડુક્કરને માતાનો ઉગ્ર પ્રકારનો રોગ થાય છે. ખાસ કરીને 3થી 6 અઠવાડિયાંની ઉંમરનાં બચ્ચાં આ રોગથી પીડાતાં હોય છે. જૂ અને અન્ય જીવાતો મારફત પણ આ રોગ ફેલાય છે. મોટાં જાનવરોમાં ચેપનું સ્વરૂપ મંદ પ્રકારનું હોય છે.

આ રોગ માટે રસી ઉપલબ્ધ નથી, જોકે રોગમાંથી સાજાં થયેલા ડુક્કરને ફરી વખત રોગ થતો નથી.

6. ભૂરી જીભ અને રક્તસ્રાવ વ્યાધિ : ઘેટાં અને વાગોળનાર ઢોર જેવાં પ્રાણીઓ આ રોગથી પીડાતાં હોય છે. આ રોગ સંસર્ગજન્ય છે. લોહી ચૂસનાર જીવાતોના કરડવાથી પણ આ રોગ ફેલાય છે. ખાસ કરીને ક્યૂલેક્સ (culex) મચ્છરના કરડવાથી ઉપર્યુક્ત જાનવરો આ રોગથી પીડાતાં હોય છે.

રોગના વિષાણુઓનો પ્રવેશ ઘેટાના શરીરમાં થવાથી 7-8 દિવસ બાદ ઘેટાને 40°-41° સે. જેટલો તાવ આવે છે અને મોઢામાંની લાળ અને ફીણ સતત ઝર્યાં કરે છે. વળી મોઢાની તેમજ નાકની અંદરની સપાટી લાલચોળ થઈ જાય છે અને ઘેટાને હાંફ ચડે છે, ત્યારબાદ 2થી 3 દિવસમાં તેની મોઢાની અંદર ચાંદાં પડે છે અને 4થી 7મા દિવસે ચાંદા ઉપર સફેદ છારી બાઝે છે. આ ઉપરાંત દાંતનાં પેઢાં તેમ જ જીભ ઉપર પણ સફેદ છારી બાઝે છે. પગની ખરીની આજુબાજુથી રક્તસ્રાવ થાય છે. ચાંદાથી પીડાતાં જાનવરો પૂરો ખોરાક ખાઈ શકતાં નથી અને ચાલવામાં પણ મુશ્કેલી અનુભવે છે. તેમનું વજન પણ ઘટી જાય છે. દરમિયાન શરીર પરનું ઊન ખરી પડે છે, છેવટે રોગગ્રસ્ત પ્રાણી મૃત્યુ પામે છે.

ગાભણી ઘેટીને જો રોગ થાય તો તેના ગર્ભાશયમાં રહેલો ગર્ભ પણ મૃત્યુ પામે છે.

ગાયોને ભૂરી જીભનો રોગ થતાં તે રોગનાં ખાસ લક્ષણો દેખાતાં નથી; પરંતુ આવા જાનવરોના લોહીમાં શ્વેતકણો અને લસિકાકણોનું પ્રમાણ વધે છે અને જાનવરને શરીર પર ચામઠાં પડે છે. જોકે જૂજ જાનવરો ઉગ્ર પ્રકારના રોગથી પણ પીડાતાં હોય છે. તેમની સરખામણી પીડાતા ઘેટા સાથે કરી શકાય.

રોગનું નિદાન રોગનાં લક્ષણોથી તેમજ રક્ત-પરીક્ષણથી થઈ શકે છે. રોગને થતો અટકાવવા રસી ઉપલબ્ધ છે. કીટકોનો નાશ કરવાથી પણ રાહત અનુભવાય છે.

7. ગોજાતીય ઘ્રાણશ્વાસનાલિકીય શોથ : આ રોગની અસર ઢોરના શ્વસનતંત્રના નાસિકા, શ્વાસનળી જેવા ભાગ પર થાય છે. આ રોગનો ફેલાવો મુખ્યત્વે નાક, આંખ અને ગળામાંથી ઝરતા પ્રવાહી મારફતે થાય છે.

રોગ શરૂ થતાં જાનવરની આંખ સૂઝી જાય છે અને તેમાંથી સતત પ્રવાહી પડ્યા કરે છે અને છેવટે આંખની ત્વચા પર લોહીની ટશર બાઝે છે અને ચીપડા વળે છે. માંદા જાનવરને 40° (104° – 107° F.) જેટલો તાવ આવે છે અને નાકમાંથી શરૂઆતમાં પાણી જેવું પ્રવાહી પડે છે, જે છેવટે ઘટ્ટ પરુ જેવું થઈ જાય છે.

રોગી જાનવરને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. શ્વસનક્રિયા ઝડપી બને છે અને ગળા ઉપર સોજો આવે છે, જેને લઈને જાનવરથી ખોરાક લઈ શકાતો નથી.

આ રોગનું નિદાન રક્તરસ પરીક્ષણથી થઈ શકે છે. રસી વડે આ રોગ અટકાવી શકાય છે.

8. ટૂંટિયું તાવ : આ તાવનો ફેલાવો તળેલા-માખ તેમજ ક્યુલેક્સ અને એઇડીસ મચ્છરો કરડવાથી થાય છે. આ રોગની અસર હેઠળ શરીર સતત ધ્રૂજ્યા કરે છે, શરીર અક્કડ થઈ જાય છે, ચાલવામાં તકલીફ પડે છે અને ત્વચાની નીચે આવેલ લસિકાગ્રંથિઓ સૂજી જાય છે. કીટકોના નિયંત્રણથી આ રોગનો ફેલાવો થતો અટકાવી શકાય છે.

પક્ષીઓને થતો વિષાણુ ચેપ : (1) રાનીખેતનો રોગ : આ રોગની અસર મરઘાની શ્વાસનળી અને ફેફસાં ઉપર થાય છે. આ રોગને લીધે પક્ષીઓમાં મરણપ્રમાણ ખૂબ જ ઊંચું હોય છે. રોગી મરઘાં એકદમ સુસ્ત થઈ જાય છે. શ્વાસ લેતાં અવાજ થાય છે અને તેમની ચરક એકદમ પાતળી આવે છે. કેટલાંક પક્ષીઓમાં શરીરમાં ખૂબ જ ખેંચ આવે છે અને પક્ષી તેની ડોક એક બાજુ ઢાળીને બેસી રહે છે. ઈંડાંનું ઉત્પાદન પણ ઘટી જાય છે.

રોગ શરૂ થતાં કોઈ પણ જાતની સારવાર કામમાં આવતી નથી. તેથી આ રોગનો ફેલાવો થતો અટકાવવા માંદા પક્ષીને અલગ પાડી દેવાં અને શક્ય હોય તો તેમનો નાશ કરીને મડદાંને બાળી દેવાં હિતાવહ છે.

આ રોગ થતો અટકાવવા માટે પાંચ દિવસની ઉંમરના મરઘાંના પીલાને નાકમાં ટીપાં રૂપે રાનીખેતની રસી મુકાવી દેવી જરૂરી છે. આ રસીનો બીજો ડોઝ પક્ષીની 8થી 10 અઠવાડિયાંની ઉંમરે પાંખની માંસપેશીમાં આપવાનો રહે છે.

(2) શ્વેતકણોના બેહદ વધારાને કારણે પક્ષીઓમાં થતો રોગ : વિષાણુથી થતા આ રોગને કૅન્સરવ્યાધિ સાથે સરખાવી શકાય. પાંચથી છ મહિનાની ઉંમરનાં પક્ષીઓમાં આ વ્યાધિ વિશેષ જોવા મળે છે. વિષાણુઓ રોગી મરઘીનાં ઈંડાં મારફતે બહાર આવે છે અને આવાં ઈંડાંમાંથી જન્મેલાં બચ્ચાંને આ રોગ થવાની શક્યતા વધારે હોય છે.

આ રોગમાં કોઈ જાતનાં બાહ્ય ચિહ્નો જોવા મળતાં નથી; પરંતુ યકૃત ખૂબ મોટું અને શરીરમાં પાણીનો ભરાવો થવાથી પેટનો ભાગ ખૂબ જ ફૂલેલો દેખાય છે. આ રોગમાં યકૃત, બરોળ તથા ફેફસાંમાં લોહીના શ્વેતકણોનો બેહદ વધારો થવાથી અવયવોનું કદ વધે છે. હાલમાં તો આ વ્યાધિને અટકાવવા કોઈ રસી ઉપલબ્ધ નથી.

(3) મરેક્સનો રોગ : આ રોગથી 3થી 4 માસની ઉંમરનાં મરઘાં પીડાય છે. આ રોગમાં પક્ષીના ચેતાતંતુઓમાં શ્વેતકણોનો ભરાવો થવાથી લકવાનાં ચિહ્નો જોવા મળે છે. આ રોગથી બે પ્રકારે મરઘાં પીડાય છે :

() ટૂંકી મુદતનો રોગ : આ રોગમાં કોઈ પણ જાતનાં ચિહ્નો દેખાયા વગર મરઘીનાં બચ્ચાં મૃત્યુ પામે છે. મરણોત્તર તપાસમાં પક્ષીનાં અંડાશય, શુક્રાશય, યકૃત, બરોળ, હૃદય, ફેફસાં અને મૂત્રપિંડમાં ગાંઠો જોવા મળે છે.

() લાંબી મુદતનો રોગ : આ પ્રકારમાં પક્ષીની પાંખ, પગ અને ડોકને લકવો થાય છે. તેની વિપરીત અસરને લીધે પગ વળી જાય છે, પાંખો ઢળી જાય છે અને રોગની તીવ્રતા વધતાં પક્ષીનું મૃત્યુ થાય છે.

આ રોગ થયા બાદ કોઈ પણ જાતની સારવાર કામમાં આવતી નથી; આથી રોગને થતો અટકાવવો તે શ્રેષ્ઠ ઉપાય છે. આ રોગને થતો અટકાવવા માટે જુદી જુદી વયનાં મરઘાંને અલગ પાડી તેમનું પાલન-પોષણ કરવું ઇષ્ટ છે.

આ રોગને અટકાવવા માટે એક દિવસના બચ્ચા(પીલા)ને રસીનું અંત:ક્ષેપન કરવામાં આવે છે. કેટલાક દેશોમાં રોગનો પ્રતિકાર કરી શકે તેવાં મરઘાંની ઓલાદ તૈયાર કરવામાં આવી છે.

(4) કુક્કુટ શ્વસનીશોથ : આ રોગમાં પક્ષીઓનાં ફેફસાંઓમાં આવેલ શ્વાસનળીઓમાં સોજો આવે છે અને પક્ષીઓને શ્વાસ લેવાની તકલીફ પડે છે. શ્વાસ લેતાં તેમની શ્વાસનળીમાંથી અવાજ આવે છે. રોગ બેથી ત્રણ અઠવાડિયાં સુધી ચાલે છે. નાનાં પક્ષીઓમાં મૃત્યુપ્રમાણ ઘણું ઊંચું હોય છે. ઈંડાં આપતી મરઘીને રોગ થતાં ઈંડાંના ઉત્પાદનમાં 50થી 75 ટકા સુધી ઘટાડો થાય છે. જ્યારે ઈંડાં કદમાં નાનાં, વાંકાચૂકાં અને પાતળા કવચવાળાં થઈ જાય છે.

આ રોગ માટે પણ કોઈ જાતની સારવાર ઉપલબ્ધ નથી. 6થી 7 અઠવાડિયાંની ઉંમરે આંખમાં ટીપાં રૂપે અથવા તો પીવાના પાણી દ્વારા રસી આપવાથી રોગ થતો અટકાવી શકાય છે.

(5) ગમ્બોરો ચેપ ગુદાગ્રંથિ ચેપ (Infectious bursitis) : પક્ષીઓમાં અન્નમાર્ગ, ઉત્સર્જનતંત્ર અને પ્રજનનતંત્રો ગુદા (cloaca) નામે ઓળખાતા એક સામાન્ય અંગમાં ખૂલે છે, જે ગુદા (cloaca) નામે ઓળખાય છે. આ ગુદા સાથે એક ગ્રંથિ સંકળાયેલી છે. ગ્રંથિ burri નામે ઓળખાય છે. અન્નમાર્ગ દ્વારા આ ચેપ શરીરમાં પ્રવેશે છે. ખોરાકી પદાર્થો અને ખોરાકનાં વાસણો દ્વારા આ રોગ ફેલાય છે. હગારા વાટે રોગજન્ય વિષાણુઓ ગુદા-ગ્રંથિને ચેપ લગાડે છે. આ ચેપથી પીડિત કુક્કુટ ચાંચથી ગુદાને મારે છે. પરિણામે ગુદાને જખમ થતાં તે રંગે લાલ થઈ જાય છે અને તેને સફેદ ઝાડા થાય છે. પક્ષી ચાલી શકતું નથી, શરીર ધ્રૂજે છે અને લથડિયાં ખાય છે. સામાન્યપણે 3-6 અઠવાડિયાંનાં બચ્ચાં આ રોગથી પીડાતાં હોય છે. રોગથી આશરે 8-30 % જેટલાં મરઘાં મરણ પામે છે. આ રોગ અટકાવવા રસી ઉપલબ્ધ છે; પરંતુ તેનો પ્રચાર આજદિન સુધી ભારતમાં થયો નથી.

(6) ઘ્રાણ શ્વસની ચેપ : આ વિષાણુજન્ય રોગ બચ્ચાંમાં જોવા મળતો નથી, જ્યારે પાંચથી નવ માસની ઉંમરનાં પક્ષીઓમાં જોવા મળે છે. રોગમાં મૃત્યુપ્રમાણ 10થી 15 ટકા જેટલું રહે છે.

રોગના વિષાણુઓ શ્વાસનળી મારફત પક્ષીમાં દાખલ થાય છે. વળી મરઘાંઘરનાં સાધનો, ખોરાક તથા પાણી મારફતે પણ આ ચેપ ફેલાય છે.

રોગી પક્ષીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, માથું શરીરની એક તરફ ઢાળી દે છે અને ગળામાંથી સીસકારી જેવા અવાજ બહાર આવે છે, ચાંચ અને મોઢાની ત્વચા ઉપર સોજો આવે છે અને મોંમાં લોહીમિશ્રિત ચીકણું પ્રવાહી જોવા મળે છે. પરિણામે એકથી બે અઠવાડિયાંની અંદર પક્ષી મૃત્યુ પામે છે.

આ રોગ માટે કોઈ પણ જાતની સારવાર કે રસી ઉપલબ્ધ નથી. આ રોગને ફેલાતો અટકાવવા રોગી પક્ષીનો નાશ કરવો, ચેપથી પીડાતાં મરઘાંના ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો અને મરઘી-ઘરનો ઉપયોગ 6થી 8 અઠવાડિયાં પછી કરવો જરૂરી છે.

મરઘામાં થતો માતાનો રોગ સામાન્ય રીતે હળવા પ્રકારનો હોય છે. ચેપને લીધે મરઘાની કલગી, ઝાલર અને આંખની પાંપણના સ્થળે નાની નાની ગાંઠો થાય છે અને તે સુકાયા બાદ પોપડી ખરી જાય છે. રોગના અન્ય પ્રકારમાં ગળાની અંદર મસા થાય છે. આથી પક્ષીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ગૂંગળામણથી મરણ પામે છે.

આ રોગની શરૂઆત થયા બાદ કોઈ પણ જાતની સારવાર કામ આપતી નથી, છતાં જ્યાં મસા થયા હોય તે જગ્યાએ શરીરની બહારની ભાગમાં જ ટિંક્ચર આયોડિન લગાડીને રોગને ફેલાતો અટકાવી શકાય છે.

રોગ થતો અટકાવવા માટે છ અઠવાડિયાંની ઉંમરે રસી મુકાવી શકાય છે.

ભરત લા. આવસત્થી