વિશાખદત્ત (છઠ્ઠી-સાતમી સદી) : સંસ્કૃત ભાષાના નાટ્યકાર. તેમણે ‘મુદ્રારાક્ષસ’ નામનું રાજકીય ખટપટો વર્ણવતું નાટક લખ્યું છે. તેમના પિતાનું નામ મહારાજ ભાસ્કરદત્ત કે પૃથુ હતું. તેમના પિતામહનું નામ વટેશ્વરદત્ત હતું. પિતામહ વટેશ્વરદત્ત સામંત હતા, જ્યારે પિતા મહારાજ ભાસ્કરદત્ત સ્વતંત્ર રાજા હતા. તેઓ ઉત્તર ભારતના રહેવાસી હતા, કારણ કે તેમના નાટકમાં પાટલીપુત્રનું જે ભવ્ય વર્ણન તેમણે કર્યું છે તે શહેરનો તેમનો ગાઢ પરિચય સિદ્ધ કરે છે. તેમનો સમય છઠ્ઠી સદીના ઉત્તરાર્ધ અને સાતમી સદીના પ્રારંભનો છે, કારણ કે મૌખરિ વંશના રાજા અવંતીવર્માનો તેમણે નાટકના ભરતવાક્યમાં નિર્દેશ કર્યો છે. ઇતિહાસકારો રાજા અવંતીવર્માનો સમય છઠ્ઠી સદીનો ઉત્તરાર્ધ માને છે. આથી સાક્ષરશ્રી કેશવ હર્ષદ ધ્રુવ વિશાખદત્તના સમકાલીન અવંતીવર્મા હતા એમ માને છે.

એમના નાટકમાં તેમણે નાન્દીશ્લોકમાં ભગવાન શિવની સ્તુતિ કરી હોવાથી તેઓ શૈવ સંપ્રદાયના હતા એમ વિદ્વાનો માને છે, આમ છતાં વિશાખદત્તે બૌદ્ધ ધર્મ કે અન્ય ધર્મ વિશે કશી નિંદા કરી નથી. એટલે તેઓ ધર્મની બાબતમાં સહિષ્ણુ હતા.

વલ્લભદેવની ‘સુભાષિતાવલિ’માં વિશાખદત્તે રચેલા કેટલાક શ્લોકો આપવામાં આવ્યા છે, પરંતુ તે શ્લોકો ‘મુદ્રારાક્ષસ’માં જોવા મળતા નથી. પરિણામે તેમણે ‘મુદ્રારાક્ષસ’ ઉપરાંત બીજી કોઈ રચના કરી હોવાનું વિદ્વાનો માને છે. ડૉ. રાઘવન્ એમ માને છે કે વિશાખદત્તની આ બીજી રચનાનું નામ ‘દેવીચંદ્રગુપ્ત’ નામનું નાટક છે; જ્યારે બીજા વિદ્વાનોના મતે આ રચનાનું નામ ‘રાઘવાનંદ’ છે. તેમનું ‘મુદ્રારાક્ષસ’ નાટક રાજકીય ખટપટો વર્ણવતું, સ્ત્રીપાત્ર વગરનું, વીર રસનું પ્રધાનપણે નિર્વહણ કરનારું અને નાટ્યસંધિનાં વિવિધ અંગોનાં ઉદાહરણો પૂરાં પાડતું નાટક છે, જેમાં નાટ્યકાર તરીકેની વિશાખદત્તની કુશળતા નજરે પડે છે. (વધુમાં જુઓ ‘મુદ્રારાક્ષસ’).

પ્ર. ઉ. શાસ્ત્રી