વિવેકનાથન્, એમ. (. 23 ફેબ્રુઆરી 1951, પિન્નાલુર, જિ. વલ્લલાર, તામિલનાડુ) :  તમિળ લેખક. તેમણે અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી બી.એસસી.; મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.જી. એલ.; બી.એલ. અને એમ.એ.ની પદવીઓ મેળવી. તેમણે તામિલનાડુ વહીવટી પંચમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવી અને 1993-97 દરમિયાન ઑલ ઇન્ડિયા તમિળ રાઇટર્સ એસોસિયેશનના જૉઇન્ટ સેક્રેટરી રહ્યા.

તેમણે તમિળ અને અંગ્રેજીમાં ‘પિન્નાલુર વિવેકનંદન્’ ઉપનામથી 26 ગ્રંથો આપ્યા છે. ‘વલયમ નરકોડુગલ’ (1991) તેમનો નાટ્યસંગ્રહ, ‘કરુગમ મોટ્ટુગલ’ (1993) તેમનો વાર્તાસંગ્રહ અને ‘આદિયરાઈ નંગાઈ’ (1995) તેમની ઐતિહાસિક નવલકથા છે. ‘ઓરુ કુચિલિન કથાઈ’ (1990); ‘વળુમ પોતે ઓરુ વરલરુ’ (1993); ‘વળિકટ્ટમ વલ્લલાર’ (1994) તેમના ચરિત્રગ્રંથો છે. ‘કવિતાઈ ઇલક્કિયમ્ ઓરુ આયવુ’ (1989) વિવેચનગ્રંથ છે. અંગ્રેજીમાં ‘કૉન્ટેમ્પરરી ગ્રેટ સોલ્સ ઑવ્ ઇન્ડિયા’ (1990) નામક ચરિત્રગ્રંથ છે. તેમણે આકાશવાણી, પૉંડિચેરી અને ચેન્નાઈ માટે રેડિયોનાટકો લખ્યાં છે.

તેમને સ્ટેટ બૅન્ક ઑવ્ ઇન્ડિયા તરફથી 1993માં બેસ્ટ બુક ઍવૉર્ડ; 1994માં ગવર્નમેન્ટ ઑવ્ તામિલનાડુ ઍવૉર્ડ અને 1990માં અમુધા સુરભિ પ્રાઇઝ પ્રાપ્ત થયાં. તમિળ વટ્ટમ તરફથી ‘ઇલક્કિયા ચિર્પી’ તથા ‘પવેન્દર પટ્ટયમ્’ના ખિતાબ પણ તેમને આપવામાં આવ્યા.

બળદેવભાઈ કનીજિયા