વિનોદ રસમંજરી (ઓગણીસમી સદી)

February, 2005

વિનોદ રસમંજરી (ઓગણીસમી સદી) : વીરાસ્વામી રેડ્ડિયાર દ્વારા રચાયેલ ઓગણીસમી સદીની પ્રથમ તમિળ ગદ્ય-કૃતિ. આ કૃતિએ તમિળમાં નવલકથા-સાહિત્ય અને અન્ય લખાણોની શૈલી સ્થાપિત કરી અને તે અગ્રેસર બની. એક સદી પહેલાં ઇટાલિયન મિશનરી વીરામા મુનિવર દ્વારા ‘અવિવેક પરમાર્થ ગુરુ કતૈ’ નામક તમિળ ગદ્ય-કૃતિ રચવામાં આવી હતી. ત્યારબાદ વીરાસ્વામી રેડ્ડિયારના સમયમાં અંગ્રેજી શિક્ષણનો પાયો મજબૂત બન્યો હતો અને અંગ્રેજી ગદ્ય-કૃતિઓ સર્વસામાન્ય બનતાં તેમની કૃતિ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું અને તમિળ ગદ્યનાં મૂળ નંખાયાં.

વીરાસ્વામી રેડ્ડિયાર ચેન્નઈની પ્રેસિડેન્સી કૉલેજમાં તમિળના પ્રાધ્યાપક હતા અને તેઓ સર્વગ્રાહી ‘તમિળ-ઇંગ્લિશ ડિક્શનેરી’-(1862)ના સંકલનમાં એમ. વિન્સ્લૉ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. તે ઉપરાંત તેઓ રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યો પર પ્રવચનો આપતા હતા. તેના પરિણામ-સ્વરૂપ ‘વિનોદ રસમંજરી’નું સર્જન થયું.

આ તેમની પ્રગટ થયેલી એકમાત્ર જાણીતી કૃતિ છે, અને તે તમિળ ગદ્યના ઐતિહાસિક વિકાસમાં ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. આ કૃતિ તેમનાં વિવિધ વિષયો પરનાં લખાણોનો સંગ્રહ છે. જેમાં શુદ્ધતા, ઈશ્વરની વિભાવના, ઉપાસના, શિક્ષણ અંગેના નિબંધો; પુગલેંધી, કલમેગમ, કાલિદાસ જેવા કવિઓના ચરિત્રવિષયક નિબંધો – અને વીરામા મુનિવરની કૃતિ ‘અવિવેક પરમાર્થ ગુરુ કથાઈ’નો સમાવેશ થાય છે. કવિઓનાં ચરિત્રોનું ચિત્રાંકન કરવામાં તેમણે મૌખિક પરંપરામાં પ્રવર્તતી હકીકતોને મહત્વ આપ્યું છે, નહિ કે તેમની ઐતિહાસિક પ્રમાણભૂતતાને. તેમનો મુખ્ય ઉદ્દેશ તમિળ ગદ્યને લોકસંચાર માટે સંપૂર્ણ માધ્યમ બનાવવાનો હતો. તેમની રમૂજી ગૂંથણી અને શૈલીની સુબોધગમ્યતાએ તેમને પ્રતિષ્ઠા અપાવી હતી.

બળદેવભાઈ કનીજિયા