વિખંડન (cleavage) : પ્રાણીગર્ભવિજ્ઞાન. ફલિતાંડ (અને અનિષેચિત [parthenogenetic] ઈંડાં)નું ગર્ભ-ખંડો (blastomeres) નામે ઓળખાતા કોષોમાં થતું વિભાજન. આ વિભાજન અત્યંત ઝડપી હોવાથી ઉત્પન્ન થતા નવા કોષો વૃદ્ધિ પામતા નથી અને ક્રમશ: નાના અને નાના બને છે; જ્યારે તેમનાં કદ ઘટ્યાં કરે છે. તેની અસર હેઠળ નવતર કોષોમાં આવેલ કોષરસનું પ્રમાણ ક્રમશ: ઘટે છે. જોકે બધા ગર્ભખંડોના આવેલ કોષકેન્દ્રનું કદ એકસરખું હોય છે. તેથી ક્રમશ: નવા કોષોમાં આવેલા કોષકેન્દ્રનાં કદ અને કોષરસ વચ્ચેના પ્રમાણ(ratio)માં વધારો થયા કરે છે. આ પ્રમાણ સામાન્ય પુખ્ત કોષના જેટલું થતાં, વિખંડન-વિભાજનનો અંત આવે છે. ગર્ભની આ અવસ્થાને ગર્ભકોષ્ઠી અવસ્થા (blastula) કહે છે. આ અવસ્થાના ગર્ભના મધ્ય ભાગમાં ગર્ભકોષ્ઠ (blastocoel) નામથી ઓળખાતા એક પોલાણનું નિર્માણ થાય છે. જોકે ગર્ભખંડન પછી પણ ગર્ભનું વિભાજન ચાલુ હોય છે; પરંતુ આ વિભાજન દરમિયાન પ્રત્યેક કોષ વૃદ્ધિ પામતો હોવાથી કોષકેન્દ્ર અને કોષરસ વચ્ચેનું પ્રમાણ લગભગ એકસરખું રહે છેં.

એમ્ફિઑક્સના ગર્ભનું વિખંડન : (અ) ગર્ભની 4 કોષીય અવસ્થા, (આ)(ઇ) ઉત્તરધ્રુવ પરથી નિહાળવાથી દેખાતી અષ્ટકોષીય અવસ્થા, (ઈ) જરદીને લીધે ગર્ભખંડો માત્ર ઉત્તરધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે.

ગર્ભકોષ્ઠી અવસ્થા : ગર્ભકોષ્ઠનો આકાર પોલા ગોલક (sphere) સ્વરૂપનો હોય છે. તેની દીવાલ તરફના કોષો પાતળા હોઈ શકે છે. જોકે ફલિતાંડમાં જરદીનું પ્રમાણ વધારે હોય તો દીવાલ જાડી બની શકે છે. ગર્ભમાં જરદીનું પ્રમાણ વધારે હોય તો ગર્ભકોષ્ઠ ઉત્કેન્દ્રી (eccentric) હોય છે. આવા સંજોગોમાં ગર્ભકોષ્ઠના ઉપલા સ્તરોમાં આવેલા કોષો પ્રમાણમાં સાવ નાના હોય છે. મરઘી જેવાનાં ઈંડાંમાં તો ખંડન માત્ર ઉપલા સ્તર પૂરતું મર્યાદિત હોય છે. આ પ્રકારના ખંડનને તક્તીયખંડન (discoidal) કહે છે, નીચલા ભાગમાં માત્ર જરદી સમાયેલ હોય છે. આ સ્તરના મધ્ય ભાગમાં આવેલ બિંદુને ઉત્તર ધ્રુવ (animal pole) કહે છે. તે જ પ્રમાણે નીચલા ભાગમાં આવેલા મોટા કોષોના મધ્ય ભાગમાં આવેલા મધ્ય બિંદુને વર્ધક ધ્રુવ (vegetal pole) કહે છે.

વિખંડન : (અ) ગર્ભ, (આ) ચારકોષીય અવસ્થા, (ઇ) આઠકોષીય અવસ્થા, (ઈ) અને (ઉ) બહુકોષીય અવસ્થા, (ઊ) ગર્ભકોષ્ઠ

ગર્ભકોષ્ઠ જેલી જેવા પ્રવાહીથી ભરેલું હોય છે. ગર્ભની આંત્રકોષ્ઠન (gastrulation) અવસ્થા દરમિયાન, ગર્ભકોષ્ઠના અવકાશમાં કેટલાક કોષોના સમૂહને અથવા તો વૈયક્તિક કોષોને નિર્દિષ્ટ સ્થાને ખસી જવા ગર્ભકોષ્ઠને લીધે અવકાશ પ્રાપ્ત થાય છે, જે ગર્ભવિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે.

ગર્ભખંડન દરમિયાન રંગસૂત્રોનું વર્તન : આ અવસ્થા દરમિયાન રંગસૂત્રો સૂત્રીભાજન (mitosis) વિધિ અપનાવે છે. શરૂઆતમાં પ્રત્યેક રંગસૂત્ર પોતાની લંબકક્ષાએ દ્વિગુણિત બને છે અને નવનિર્મિત દુહિતૃકોષ(daughter cell)માં પ્રવેશે છે.

ગર્ભખંડભિન્નતા (blastomere differentiation) : પ્રચલિત માન્યતા મુજબ વિખંડન દરમિયાન વિશિષ્ટ કોષરસીય ક્ષેત્રો વિસંયોજન (segregation) પામતાં હોય છે. તેની અસર હેઠળ આ ક્ષેત્રોના કોષનાં સંતાનો (progeny) વિશિષ્ટ દિશાએ ખસીને જુદા જુદા સમૂહોમાં વહેંચાઈ જાય છે.

વિખંડનનું સમતલ (cleavage plane) : મોટાભાગનાં અપૃષ્ઠવંશી પ્રાણીઓના ગર્ભમાં થતા વિભાજનનું સમતલ સર્પિલ (spiral) હોય છે; જ્યારે શૂળત્વચી (echinodermis) અને મેરુદંડી(chordata)ઓમાં આ સમતલ અરીય (radial) હોય છે.

વિખંડનના પ્રકારો અને મહત્વ : કેટલાંક પ્રાણીઓની જાતો દા.ત., સ્ટાયેલા(પુચ્છમેરુ, unicate પ્રાણી)માં પ્રથમ ખંડનની શરૂઆતમાં નિર્માણ થયેલા બે કોષોના (કોષ)રસમાં વિભિન્નતા પ્રગટ થાય છે; જ્યારે દેડકો/સસલું જેવાં પ્રાણીઓમાં આ ભિન્નતા બીજા વિભાજનમાં નિર્માણ થાય છે. ગર્ભખંડન દરમિયાન અલગ થતા કોષોના સમૂહને લીધે, આંત્રકોષ્ઠન (gastrulation) અને તે પછીની અવસ્થા દરમિયાન પેશી અને અંગોની થતી નિર્માણ-પ્રક્રિયા સહેલી બને છે.

મહાદેવ શિ. દુબળે