વિક્ટોરિયા મેમૉરિયલ મ્યુઝિયમ, કોલકાતા

February, 2005

વિક્ટોરિયા મેમૉરિયલ મ્યુઝિયમ, કોલકાતા : બ્રિટિશ વસાહતના સમયગાળાને લગતો ઉત્તમ સંગ્રહ. કોલકાતામાં રાણી વિક્ટોરિયા(અ. 1906)ની સ્મૃતિ રૂપે અંગ્રેજ સ્થપતિ વિલિયમ ઇમર્સને તેના મકાનની ડિઝાઇન તૈયાર કરીને 1921માં તેનું બાંધકામ પૂર્ણ કર્યું. તે મકાનને મકરાણી(રાજસ્થાન ભારત)થી લાવેલ સફેદ આરસથી મઢવામાં આવ્યું અને તેમાં સફેદ આરસનો 57 મિટર ઊંચો ઘુમ્મટ બાંધ્યો. તે ઘુમ્મટ ઉપર તે કાળમાં વિશ્વમાં પાંચમા નંબરે આવતું ટાવર અને તેના પર એન્જલ ઑવ્ વિક્ટરીનું 6 મિટર ઊંચું, 3 ટન વજનનું કાંસાનું ફરતું પૂતળું ગોઠવવામાં આવ્યું. તે મકાનના પ્રવેશદ્વાર આગળ લૉર્ડ કર્ઝનની પ્રતિમા ઉપરાંત આરસનાં અન્ય શિલ્પો ગોઠવવામાં આવ્યાં છે.

તેના મધ્યસ્થ ખંડમાં સર થૉમસ બ્રૉકે તૈયાર કરેલ યુવાન રાણી વિક્ટોરિયાનું પૂરા કદનું શિલ્પ શોભે છે. તે ખંડની દીવાલોમાં રાણી વિક્ટોરિયાના રાજ્યકાળની ઘટનાઓ દર્શાવતી તકતીઓ જડેલી છે. તેમાં 1858 અને 1877નો રાણીનો ઢંઢેરો વિવિધ ભાષાઓમાં કોતરવામાં આવેલ છે. પ્રવેશદ્વારની જમણી બાજુ રૉયલ ગૅલરી મબલખ તૈલચિત્રોથી વિભૂષિત છે. તેમાં રાણીનાં લગ્ન, રાજ્યાભિષેક જેવા તેમના જીવનના પ્રસંગોને વણી લેવામાં આવ્યા છે. રશિયન ખ્યાતનામ ચિત્રકાર વેરેસ્ટ ચેજિને (Verest Chagin) દોરેલ 1876માં રાજા એડ્વર્ડ 7માનો જયપુરમાં પ્રવેશ દર્શાવતું આબેહૂબ ચિત્ર અતિ સુંદર છે.

વિક્ટોરિયા મેમૉરિયલ મ્યુઝિયમ, કોલકાતા

તેની બાજુની વીથિમાં કેટલાક અગત્યના ફોટોગ્રાફ જોવા મળે છે. પ્રવેશદ્વારની ડાબી તરફ આબેહૂબ ચિત્રોની વીથિ છે. તેમાં બ્રિટિશ વહીવટકર્તાઓ અને વિદ્વાનોનાં ચિત્રો તથા કેટલીક હસ્તપ્રતો ગોઠવવામાં આવ્યાં છે. તત્કાલીન ભારતીય જીવન-રિવાજો, ટેવો, પહેરવેશ અને સૈનિકોના ગણવેશ સંબંધી પુસ્તકો કાચની કૅબિનેટમાં પ્રદર્શિત કરાયાં છે. તેમાંના એક પુસ્તકમાં ભારતમાં અંગ્રેજ મેમસાહેબોની વૈભવશાળી અને આનંદદાયક જીવનશૈલી ઉપરાંત આયાઓ(ભારતીય)ના રોજગારને લગતા કેટલાક રમૂજી પ્રસંગો વણી લેવામાં આવ્યા છે.

લૉર્ડ ક્લાઇવ અને ગવર્નર જનરલોનાં પૂરા કદનાં શિલ્પો ધરાવતી શિલ્પ ગૅલરીમાં ખંડના દક્ષિણ દ્વારેથી જવાય છે. ભારત સંસ્કૃતિનું રહસ્ય ખુલ્લું કરવામાં અવિરત જહેમત ઉઠાવનાર અને સમર્પણને વરેલા એવા સંખ્યાબંધ વિદ્વાનોનાં છવિચિત્રો અને પૂતળાં આ ખંડમાં જોવા મળે છે. તેની વિવિધ વીથિઓમાં પ્રદર્શિત ચિત્રકલાકૃતિઓ, નકશીકામ તથા કોતરકામના વિશાળ સંગ્રહ માટે આ મ્યુઝિયમ જાણીતું છે. અલ્લાહાબાદના કિલ્લાનું આબેહૂબ ચિત્ર બ્રિટિશ કલાકાર વિલિયમ હૉજિઝે દોરેલું ધ્યાનાર્હ છે. તે ઉપરાંત થૉમસ ડૅનિયલ (1749-1840) અને વિલિયમ ડૅનિયલ (1769-1837) નામના બે ધંધાદારી ચિત્રકારોએ 8 વર્ષ સુધી ભારતનો પ્રવાસ ખેડીને ટેક્નિકલ દૃષ્ટિએ તૈયાર કરેલાં વિવિધ ચિત્રોનો સારો એવો સંગ્રહ અહીં સચવાયો છે. તેમાં કોલકાતા, હરદ્વાર, આગ્રા, દિલ્હી, બનારસ, ચેન્નાઈ, તાંજોર અને કેપ કોમોરિનનાં દૃશ્યોને લગતી ચિત્રકલાકૃતિઓ, છાપેલી આકૃતિઓ તથા કથાચિત્રોનો સમાવેશ થાય છે.

વળી, યૉહૅન ઝૉફની(Johana Zoffany)નાં નાટકીય, ઐતિહાસિક દૃશ્યચિત્રો જેવાં કે કોલકાતા ખાતે હૈદરબેગની એલચી કચેરી, વાઘનો શિકાર; ક્લૉડ માર્ટિન અને તેનાં ચિત્રો, ટિલી કેટલ(Tilly Kattle)નાં આબેહૂબ વર્ણનાત્મક ચિત્રો અને ફ્રેસરનાં હિમાલયનાં દૃશ્યોનાં ચિત્રો ધ્યાન ખેંચે છે.

આમ બ્રિટિશ કલાકારો અને વિદ્વાનોએ ભારતમાં જિજ્ઞાસાપૂર્વકનો ગંભીર રસ દાખવ્યો. પરિણામે ભારતને એક દેશ તરીકે જોવા- જાણવાની, તેનાં સંસ્કૃતિ અને ઇતિહાસને સમજવાની, અંગ્રેજ પ્રજામાં ભારે ઉત્સુકતા જાગી; અને તેમનામાંથી કેટલાક ભારતીય ભાષાઓ, ધર્મો, રિવાજો, પ્રથાઓ, વનસ્પતિ અને પશુસૃદૃષ્ટિનો અભ્યાસ કરવા પ્રેરાયા. તેના ફળસ્વરૂપે ભારતની સંસ્કૃતિ વિશેની માહિતી આપતી અનેક કલાકૃતિઓ વિશ્વ સમક્ષ આ રીતે અભ્યાસ માટે રજૂ કરાઈ.

આ યુગ દરમિયાન દસ્તાવેજીકરણના હેતુથી ભારતનાં સ્મારકોનાં ગંભીર સંશોધનમૂલક ચિત્રો, આલેખો, નકશા અને મોજણીઓ તૈયાર થયાં. ભારતની વિવિધ વિદ્યાશાખાઓને લગતાં જર્નલો પ્રકાશિત કરાવ્યાં અને બ્રિટિશ તેમજ ભારતીય અભ્યાસીઓએ ભારત વિશેની વધુ ચોક્કસ માહિતીનું સંકલન કરી, પ્રાકૃતિક ઇતિહાસ, પુરાતત્વવિદ્યા, ભાષા અને સાહિત્યક્ષેત્રે તેમનો અમૂલ્ય ફાળો નોંધાવ્યો, જે આજે પણ ભારતમાં કૃતજ્ઞતાપૂર્વક યાદ કરાય છે. એ રીતે આ મ્યુઝિયમ ઘણું મહત્વનું લેખાયું છે.

બળદેવભાઈ કનીજિયા