વિકિરમણ (જ. 19 માર્ચ 1928, તિરુચિરપલ્લી, તમિલનાડુ) : તમિળ નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે 47 વર્ષ સુધી તમિળ સાહિત્યિક મૅગેઝિન ‘અમુધા સુરભિ’નું સંપાદન કર્યું. તેઓ ઑલ ઇન્ડિયા તમિળ રાઇટર્સ એસોસિયેશનના પ્રમુખ; 1987-89 સુધી તમિળ ફિલ્મ ઍવૉર્ડની પસંદગી સમિતિના સભ્ય; 1991-93 સુધી ‘ઇયાલ, ઈસાઈ, બાડગ મન્રમ્’ના સભ્ય રહેલા.

અત્યાર સુધીમાં તેમણે તમિળમાં 51 ગ્રંથો આપ્યા છે. ‘નાન્દી પુરતુ નયગી’ (3 ભાગમાં, 1964); ‘ચોલા ઇલાવરસન કનવુ’ (1991); ‘મદુરાઈ મગદમ’(1993)  એ બધી તેમની જાણીતી નવલકથાઓ છે. ‘પોન વિળા અંધુ ચિહુ કથૈગલ’ તેમનો વાર્તાસંગ્રહ છે. તેમની કૃતિઓમાં સંખ્યાબંધ સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ અને વાર્તાસંગ્રહોનો સમાવેશ થાય છે.

તેમને 1981માં તામિલનાડુ સરકાર ઍવૉર્ડ; 1994માં રાજા સર અન્નામલાઈ ચેટ્ટિયાર ઍવૉર્ડ; તામિલનાડુ સરકાર તરફથી કલૈમામાણી ઍવૉર્ડ અને તામિલનાડુ યુનિવર્સિટી દ્વારા તમિળ અન્નાઈ ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા