વા. રામસ્વામી (જ. 1889, થિંગુલર, જિ. તાંજાવર, તમિલનાડુ; અ. 1951) : તમિળ નવલકથાકાર, પત્રકાર, ચરિત્રલેખક અને સ્વાતંત્ર્યવીર. સનાતની વૈષ્ણવ બ્રાહ્મણ પરિવારમાં જન્મ. 1905માં કૉલેજમાં ઇન્ટરમીડિયેટનો અભ્યાસ છોડીને રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા. 1909માં તેઓ બંગાળા ગયા. પુદુચેરીમાં છૂપા વેશે રહેતા અરવિંદને નાણાકીય સહાય આપવા તથા સંદેશાવાહક તરીકે કામ કરવા તેમને છૂપા દૂત તરીકે પુદુચેરી મોકલવામાં આવ્યા. અરવિંદ આશ્રમમાં તેઓ સુબ્રહ્મણ્ય ભારતીના સંપર્કમાં આવ્યા.

1914માં ત્યાંથી પાછા ફરીને તેઓ કૉંગ્રેસના સક્રિય પ્રચારમાં જોડાયા અને નશાબંધી તથા હરિજન-ઉદ્ધારના કાર્યમાં લાગી ગયા. તેમણે 1918-19માં ‘તમિલનાડુ’, 1919માં ‘સ્વાતંત્ર્ય’ અને 1922થી 1925 દરમિયાન ‘ઉળિયા’નું સંપાદન કર્યું. 1925 પછી પુન: રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા. 1931માં મીઠાના સત્યાગ્રહમાં જોડાઈને જેલવાસ ભોગવ્યો. જેલમાંથી છૂટીને તેઓ ‘ફ્રી પ્રેસ જર્નલ’ મુંબઈના સ્ટેલિન શ્રીનિવાસન્ તરીકે જાણીતા કે. શ્રીનિવાસન્ અને દૈનિક ‘દિનમણિ’ના સંપાદક ટી. એસ. ચોક્કલિંગમ્ સાથે ઐતિહાસિક ‘મણિક્કોડી’ શરૂ કર્યું. તે ચળવળનું અગ્રદૂત, આધુનિક તમિળ સાહિત્યનું રેનેસાંસ-પત્ર બની રહ્યું; પરંતુ તે અલ્પજીવી રહ્યું. પછી તેઓ ‘વીરકેસરી’નું સંપાદન કરવા સિલોન (મ્યાનમાર) ગયા. 1935માં પંજાબી કન્યા ભુવનેશ્વરી સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 1936માં ચેન્નાઈ આવીને તેમણે 1943 સુધી ‘ભારત દેવી’નું સંપાદન કર્યું.

‘સુંદરી’ (1917) નવલકથાથી તેમનું લેખનકાર્ય શરૂ કર્યું. તેમાં તેમણે સ્ત્રીઓ પ્રત્યેના અમાનુષી અત્યાચારની ઝાટકણી કાઢીને વિધવાવિવાહની હિમાયત કરી છે, ત્યારબાદ ‘વિજયાત’ (1934); ‘ચિન્ના શંબુ’ (1942) અને ‘કોતઈ થીવુ’ (1946) નામક નવલકથાઓ આપી છે. તેમાં તેમણે ભારતીની અને તેમની પોતાની કલ્પના પ્રમાણેનો સંપૂર્ણપણે નિર્ભય, સામાજિક રૂઢિઓથી મુક્ત, ફૅશનપ્રિય સ્ત્રીઓ દ્વારા સંચાલિત સમાજ ચિત્રાંકિત કર્યો છે. આમ તેઓ સામાજિક સુધારા માટેના વધુ કઠોર વિવેચક તરીકે ઊભર્યા છે. તેમની ઉત્તમ ગદ્યાત્મક કૃતિઓમાં ‘નાડઇ ચિત્તિરામ’; ‘વાલ્કાઇ વિનોદાંગલ’; ‘કાલૈયમ વાલર્ચિયમ’, ‘મહાકવિ ભારતીયાર’ અને ‘તામિળ નટ્ટુ પેરિયારહલ’નો સમાવેશ થાય છે.

સુબ્રહ્મણ્ય ભારતીને તેમને લાયક પ્રતિષ્ઠા અપાતી નથી તેવું તેમને લાગતાં, પુદુચેરી ખાતે તેમની સાથે તેમણે ગાળેલાં વર્ષો, માણસ અને કવિ ભારતીનું આબેહૂબ શબ્દચિત્ર રજૂ કરતો ગ્રંથ લખ્યો, જે એક પ્રશિષ્ટ ગ્રંથ લેખાયો. તદુપરાંત તેમણે નાસ્તિક અને સમાજસુધારક ઈ. વી. રામસ્વામી નૈકર, ફિલ્મ કૉમેડિયન એન. એસ. કૃષ્ણન્ અને રંગમંચ તથા ફિલ્મોના ગાયક કે. બી. સુંદરામ્બલ જેવા તેમના મતે તમિલનાડુની 10 મહાન પ્રતિભાઓના તેમની કદર રૂપે ચરિત્રો આપ્યાં.

બળદેવભાઈ કનીજિયા