વાળિંબે, વિનાયક સદાશિવ

January, 2005

વાળિંબે, વિનાયક સદાશિવ (જ. 11 ઑગસ્ટ 1928, પુણે, મહારાષ્ટ્ર) : મરાઠીના લેખક. બી.એ.ની પદવી મેળવ્યા બાદ 1962થી 1978 સુધી તેઓ ‘કેસરી’ વૃત્તપત્રના સહસંપાદક રહેલા.

તેમણે કુલ 30 ગ્રંથો આપ્યા છે. ‘આજ ઇથે ઉદ્યા તિથે’ (1967); ‘વોલ્ગા જેવ્હાં લાલ હોતે’ (1970); ‘વૉરસૉ તે હિરોશિમા’ (1990); ‘જય હિંદ આઝાદ હિંદ’ (1994); ‘સત્તાવન તે સત્તેચાળિસ’ (1997) તેમના જાણીતા નિબંધસંગ્રહો છે. ‘હિટલર’ (1982); ‘સાવરકર’ (1983) અને ‘નેતાજી’ (1989) તેમના ચરિત્રગ્રંથો છે.

1965માં તેમણે ઇંગ્લૅન્ડનો પ્રવાસ કર્યો હતો. તેમની લેખન-સેવાઓ માટે તેમને મહારાષ્ટ્ર શાસન દ્વારા અપાતો એવૉર્ડ, મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ એવૉર્ડ તથા મારવાડી સંમેલન એવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા