વાલેસ, કાર્લોસ (ફાધર)

January, 2005

વાલેસ, કાર્લોસ (ફાધર) (જ. 4 નવેમ્બર 1925; લા ગ્રોન્યો, સ્પેન) : મૌલિક ચિંતક અને નિબંધકાર. એમનું પૂરું નામ કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ. ઈસુસંઘની સાધુસંસ્થામાં ઈ. સ. 1941માં પ્રવેશ કરી, ઈ. સ. 1958માં દીક્ષિત થઈ ફાધર વાલેસ બન્યા. લૅટિન અને ગ્રીક સાહિત્યનો તેમજ તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરી, ઈ. સ. 1949માં તેઓ ભારતમાં આવ્યા અને ઈ. સ. 1950માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિત સાથે એમ. એ.ની પદવી પ્રાપ્ત કરી. એ પછી ગુજરાતમાં આવ્યા અને વલ્લભવિદ્યાનગરમાં ગુજરાતી ભાષાનો અભ્યાસ કરી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક તરીકે અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ દ્વારા અધ્યાપનકાર્ય આરંભ્યું. એમણે ગુજરાતીમાં ગણિતનાં પાઠ્યપુસ્તકો લખ્યાં અને ગુજરાતમાં અન્ય અધ્યાપકો સાથે નૂતન ગણિતનો પાયો નાખ્યો. નિવૃત્તિ પછી હાલ તેઓ સ્પેનમાં રહે છે અને મુખ્યત્વે અંગ્રેજી તથા સ્પૅનિશ ભાષામાં પુસ્તકો પ્રગટ કરે છે.

કાર્લોસ વાલેસ (ફાધર વાલેસ)

‘સદાચાર’ (1960) એમનું પ્રથમ પુસ્તક. એ પછી ‘કુમાર’માં એમણે ‘વ્યક્તિઘડતર’ના શ્રેણીબંધ લેખો લખ્યા અને ‘કુમાર ચન્દ્રક’ (1966) પ્રાપ્ત કર્યો. સ્થાનિક વર્તમાનપત્રમાં ‘નવી પેઢીને’ શીર્ષક નીચે દર અઠવાડિયે યુવાપેઢીનું ઘડતર કરે એવા લઘુલેખો વર્ષો સુધી તેઓ લખતા રહ્યા. ઈ.સ. 1978નો ‘લોકશિક્ષણાત્મક પ્રેરણાદાયી સાહિત્ય’ માટે રણજિતરામ સુવર્ણચન્દ્રક એમને એનાયત થયો. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા એમનાં પુસ્તકો માટે એમને શ્રી અરવિંદ ચંદ્રક તથા મૂલ્યનિષ્ઠ સાહિત્યસર્જન માટે ‘સચ્ચિદાનંદ સન્માન’ (2002), ‘રામકૃષ્ણ જયદલાલ સમન્વય પુરસ્કાર’ (1997) તથા ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો પણ એમને મળ્યાં છે.

ગુજરાતીમાં એમણે સિત્તેર ઉપરાંત પુસ્તકો લખ્યાં છે. એ પુસ્તકોમાં કિશોરોની, યુવાનોની, વાલીઓની અને માતાપિતાની એમ સમગ્ર સમાજની સમસ્યાઓને માર્મિક રીતે વ્યક્ત કરીને સહૃદયતાપૂર્વક માર્ગદર્શન આપ્યું છે. ગુજરાતી પ્રજાના કુટુંબજીવનના, સમાજજીવનના નાનામોટા વિવિધ પ્રશ્ર્નો અને તેના જીવનની લગભગ બધી પરિસ્થિતિઓમાંથી જન્મતા કોયડાઓ વિશે એમણે રોચક શૈલીમાં લખ્યું છે. ગુજરાતના લોકોની નબળાઈઓ અને ભૂલો પ્રત્યે તેઓ મૃદુતાથી સહાનુભૂતિપૂર્વક વિચારે છે અને ઊંડી સૂઝથી સન્નિષ્ઠપણે સાચો માર્ગ સૂચવે છે. ગુજરાતનાં પર્વો અને ઉત્સવો વિશે(‘પર્વોત્સવ’માં)નાં એમનાં અર્થઘટનો સુંદર અને સચોટ છે.

એમના સુશ્ર્લિષ્ટ નિબંધો – લઘુલેખોએ ગુજરાતની યુવાન પેઢીને ઉન્નત બનાવી એનું સાચું જીવન-ઘડતર કર્યું છે. પ્રજાના શુભેચ્છક અને વત્સલ મિત્ર તરીકે એમણે નિખાલસતાથી શ્રેયનો માર્ગ ચીંધ્યો છે. એમના લેખો વાંચતાં એમનું હેતાળ વ્યક્તિત્વ વાચકના હૃદય ઉપર છવાઈ જાય છે. એમનો બોધ મિત્રસંમિત હોવાથી સહેજે કઠતો નથી. ચોટદાર આરંભ અને ચોટદાર અંત, તાર્કિક અને સબળ દલીલો, નાનાં નાનાં સૂત્રાત્મક વાક્યો, વચ્ચે વચ્ચે વેરાયેલો વિનોદ, આકર્ષક ષ્ટાંતો, કહેવતો અને રૂઢિપ્રયોગોનો સમુચિત ઉપયોગ, એમાં આવતા ગુજરાતના સાંસ્કૃતિક સંદર્ભો વગેરેથી તેઓ વાચકનું દિલ જીતી લે છે. એમનાં લખાણોમાં વિચારનું – લાગણીનું પુષ્પ ધીમે ધીમે ખીલે છે અને વાચકના જીવનને સુવાસિત કરી મૂકે છે.

‘વ્યક્તિઘડતર’ (1968) એમનું નોંધપાત્ર પુસ્તક છે. ‘ગાંધીજી અને નવી પેઢી’(1971)માં એમણે એક ગભરુ વિદ્યાર્થી કેવી રીતે મહાત્મા બને છે એનો સુરેખ આલેખ આપ્યો છે. ‘લગ્ન-સાગર’ (1969) સુખી લગ્નજીવનનું માર્ગદર્શક પુસ્તક અનેક આવૃત્તિઓ પામ્યું છે. એમનું દળદાર પુસ્તક ‘શબ્દલોક’ (1987) ભાષાચિંતનનું વિશિષ્ટ પુસ્તક છે. ઈ. સ. 2003માં મૂળના પાંચ વિભાગોમાં ‘દેહની વાણી’ (1987) પુસ્તકને ઉમેરીને ‘વાણી તેવું વર્તન’ એ નામે એની સંયુક્ત આવૃત્તિ પ્રગટ થઈ છે. બોલવાની રીત ઉપરથી વિચારવાની અને વર્તવાની રીત પૂર્વ અને પશ્ચિમમાં કેવી જુદી જુદી હોય છે એનું એમાં રસમય અને ચિંતનાત્મક નિરૂપણ છે. એમણે ‘આત્મકથાના ટુકડા’ (1979) નામે એમના જીવનના કેટલાક નોંધપાત્ર પ્રસંગોનું વર્ણન કર્યું છે. ‘પ્રસન્નતાની પાંખડીઓ’ એમનું ઈ. સ. 2003માં પ્રગટ થયેલું છેલ્લું પુસ્તક છે. એમનાં પુસ્તકોમાંથી પસંદ કરેલા લેખોનાં અન્ય દ્વારા ‘સમાજઘડતર’. ‘જીવનઘડતર’, ‘હયાતીના હસ્તાક્ષર’ નામે સંપાદનો પ્રગટ થયાં છે. એમણે પોતે પણ ‘ફાધર વાલેસ લેખસંચય ભાગ 1થી 5’ અને એમાંથી ‘ફાધર વાલેસ નિબંધવૈભવ’ એ નામે એક સંપાદન પ્રગટ કરેલ છે.

ચિમનલાલ ત્રિવેદી