વાજીકરણ (ચિકિત્સાવિશેષ)

January, 2005

વાજીકરણ (ચિકિત્સાવિશેષ) : આયુર્વેદ-વિજ્ઞાનનાં આઠ પ્રમુખ અંગોમાં છેલ્લું અંગ. ‘વાજી’ એટલે ઘોડો અને ‘કરણ’ એટલે કરવું તે. જે ઔષધ-ચિકિત્સા દ્વારા પુરુષને સ્ત્રી સાથેના સમાગમ(મૈથુન)માં ઘોડા જેવો બળવાન, તેજીલો કરવામાં આવે તે ચિકિત્સાવિશેષ તે ‘વાજીકરણ’. ‘વાજીકરણ’ સાથે સંકળાયેલા અનેક શબ્દ છે; જેમ કે, ‘વૃષ્ય’, ‘શુક્રબલપ્રદ’, ‘પુંસ્ત્વવર્ધક’, ‘પુંસ્ત્વપ્રદ’, ‘શુક્ર(વીર્ય)સ્તંભક’, ‘શુક્રલ’, ‘કામોત્તેજક’, ‘અપત્ય(સંતાન)કર’ વગેરે.

વધુ પડતી ચિંતા, શોક, અતિમૈથુન કે વીર્યનો દુરુપયોગ કરવાથી વીર્યવાન પુરુષ પણ નિર્વીર્ય અને નામર્દ બની જાય છે. જે વિશિષ્ટ ઔષધિ-પ્રયોગોથી નિર્વીર્ય કે અલ્પવીર્ય પુરુષ સામર્થ્યવાન કે સમાગમ-ક્રિયામાં ઘોડા જેવો બળવાન બને છે તેમને ‘વાજીકરણ-પ્રયોગો’ કહે છે. આ વ્યાખ્યામાં ઔષધ-પ્રયોગો ઉપરાંત જે દ્રવ્યો(ખાદ્ય ચીજો)ના આહાર કે ખાસ વિહાર(ક્રિયા)ના સેવનથી પુરુષ સ્ત્રી સાથે રતિક્રીડામાં પૂર્ણ સમર્થ બને તેવી વિશેષ શક્તિ મેળવે અથવા પુરુષ એક કરતાં વધુ વખત (અનેક વખત) સ્ત્રી-સંયોગ કરવામાં સમર્થ બને, તેની ગણના પણ ‘વાજીકરણ’માં કરાઈ છે.

વાજીકરણના સેવનથી વ્યક્તિના મન અને શરીરમાં એક ખાસ ઉત્તેજના, ચંચળતા, ઉત્સાહ અને રતિશક્તિ પેદા થાય છે. સંસારમાં પુરુષને સંતાન-પરંપરા આગળ ચલાવવા માટે અને રતિક્રીડાનું ઉત્તમ સુખ પ્રાપ્ત કરવા માટે ‘પુંસ્ત્વ’(‘પૌરુષ કે મર્દાનગી)ની ખાસ જરૂરત પડે છે. આ પૌરુષ-મર્દાઈની પ્રાપ્તિ માટે ‘વાજીકરણ’ની યોજના છે. આ ‘વાજીકરણ’ યોજના પ્રાય: 16 વર્ષથી 70 વર્ષની વયના પુરુષ માટે, ખાસ કરી ગૃહસ્થી કે સંસારી જનો માટે છે. આનો પ્રયોગ વિદ્યાર્થી-બ્રહ્મચારી, વાનપ્રસ્થી અને સંન્યાસી લોકો માટે નથી. તેવા લોકો માટે ‘રસાયન’ પ્રયોગ હિતકર ગણાય છે.

વાજીકરણ-ઔષધિઓ કે આહાર-વિહારના સેવનથી પુરુષમાં પુરુષત્વ કે સ્ત્રી સાથે મૈથુન કરવાની શક્તિ (potency) ખૂબ વધી જાય છે. તેનાથી પુરુષમાં વીર્યની વિશેષ ઉત્પત્તિ, વૃદ્ધિ અને સંચય થાય છે. જેથી વૃદ્ધ કે અતિ નિર્બળ બનેલ પુરુષમાં પણ સંતાનોત્પત્તિ કરવાની અને રતિક્રિયા ક્ષમતાપૂર્વક કરવાની મર્દાનગી કે શક્તિ આવી જાય છે. આચાર્ય ચરકે પુરુષમાં વીર્ય બનવાનો સમય (16થી શરૂ કરી) 70થી 75 વર્ષ સુધીની મર્યાદા બતાવી છે. તે પછી પુરુષમાં વીર્યની ઉત્પત્તિ ક્રમશ: ઘટતાં બંધ થાય છે : પરંતુ વાજીકર ઔષધિઓના સેવનથી પુરુષ 80 કે 100 વર્ષની વયે પણ મર્દ બની સ્ત્રી-સુખ માણી શકે છે. અતિ વૃદ્ધ ચ્યવન મહર્ષિ વાજીકર-રસાયન વડે ફરી યુવાન બનેલા અને પોતાની યુવાન પત્નીને પૂર્ણ સુખ આપી, સંતાન પેદા કરી શકેલા. સંસારી પુરુષો મોટી વયે વાજીકર ઔષધના સેવનથી, વધુ સંભોગ કરવા છતાં બળહીન, વીર્યહીન કે નામર્દ બનતા નથી; પરંતુ વિષય (sex) એવી વસ્તુ છે કે તેની જેમ વધુ કામના કરો, વધુ માણો, તેમ તેની તૃપ્તિ કદી થતી નથી. જેથી વ્યક્તિએ ક્યાં સુધી જાતીય સુખને પ્રાધાન્ય આપવું, તે તેના શાણપણ અને વિવેકબુદ્ધિ પર નિર્ભર છે. આચાર્ય ચરકે કહ્યું છે : ‘‘ગુણવાન સંતાનની ઉત્પત્તિ અને ઉત્તમ કામસુખની પ્રાપ્તિ માટે વાજીકર ઔષધિઓનો પ્રયોગ (સંસારી) પુરુષોએ નિત્ય કરવો જોઈએ. જે પુરુષો ખોટી કુટેવો કે આહારવિહારની ભૂલો કે અતિ મૈથુન કે વિકૃત મૈથુનથી અલ્પવીર્ય, પાતળા વીર્ય, દુષ્ટ વીર્ય કે શુક્રજંતુરહિત વીર્યવાળા થઈ ગયા હોય તેવા પુરુષોના વીર્યની શુદ્ધિ, વૃદ્ધિ અને વીર્યની ઉત્પત્તિ કરવી તથા સ્વસ્થ પુરુષો જેમનામાં મૈથુન સમયે હર્ષ-ઉત્સાહ અને શિશ્નમાં કડકાઈ કે પૂર્ણ જાગૃતિ ન થતી હોય, તેમના માટે ‘વાજીકરણ’ ચિકિત્સા છે.’’ વાજીકરણ ઔષધિઓના સેવનથી પુરુષનું વીર્ય વાયુ-કફ કે ગરમીના દોષરહિત, મધ જેવું ઘટ્ટ, દૂધ કે ઘી જેવું સફેદ, શીતળ અને પ્રમાણમાં વધુ (5થી 10 મિલી.) બને છે.

વાજીકરણની ઔષધિઓના પ્રકારો : સિદ્ધાંતની દૃષ્ટિએ વાજીકર- ઔષધિઓને 3 ભાગમાં વહેંચવામાં આવે છે : (1) વીર્યવર્ધક અને શીતળ ઔષધિઓ; (2) કામોત્તેજક ઔષધિઓ અને (3) વીર્યસ્તંભક (મૈથુન સમયવર્ધક) ઔષધિઓ.

(1) વીર્યવર્ધક ઔષધિઓ : જે ઔષધિઓ પુરુષના વીર્ય(શુક્ર : semen)ની માત્રાને વધારે છે, તેને ‘વીર્યવર્ધક’ કહે છે. પ્રાય: આવી તમામ ઔષધિઓ શીતળ હોય છે જેનો સીધો પ્રભાવ વ્યક્તિની પ્રથમ ધાતુ ‘રસ’ પર જોવા મળે છે. તે રસધાતુમાં રહેલી બિનજરૂરી (ખોટી) ગરમીને દૂર કરીને, (રસના અંતિમ પરિણામરૂપ છેલ્લી ધાતુ) વીર્યને પણ શીતળ બનાવી ઘટ્ટ કરે છે. યુવાવસ્થામાં કે વીર્યની અલ્પતા કે વીર્યની ખોટી ગરમી કે વીર્યના પાતળાપણાના દોષ સમયે આવી ‘વીર્યવર્ધક’ ઔષધિઓનું સેવન પુરુષ માટે જાતીય જીવનના ઉત્તમ સુખ માટે ‘અમૃત’ સમાન ગુણકારી બને છે.

સુવર્ણ, ચાંદી કે લોહની ભસ્મો, બંગ કે ત્રિબંગ ભસ્મ, મોતી કે પ્રવાલ ભસ્મ કે તેની પિદૃષ્ટિ; અશ્વગંધા, મૂસળી, શતાવરી, ઋષભક, જીવક, જટામાંસી, આમળાં, સાલમ મિશ્રી, મેદા, મહામેદા, કાકોલી, ક્ષીર કાકોલી, તાલમખાના (એખરો), તપખીર, જીવંતી (ડોડી), ગળોસત્વ, જેઠીમધ, બાવળની ફળી (પૈડિયા), નાળિયેર, સેમલ મૂસળી, મોચરસ, ગોખરુ, સાકર, ઘી, દૂધ, માખણ, મલાઈ વગેરે શીતળ અને વીર્યવર્ધક છે. આ ઔષધિઓનાં સંયોજનોથી હજારો દવાઓ વિવિધ નામે બને છે ને વેચાય છે.

(2) કામોત્તેજક ઔષધિઓ : જે ઔષધિઓના સેવનથી પુરુષના શરીરમાં કામોત્તેજના, મૈથુન માટે હર્ષ તથા ઉત્સાહ પેદા થાય અને પુરુષ સંભોગ સમયે ઘોડા જેવો વેગવાન તથા તાકાતવાન બનીને પૂરી ક્ષમતાથી સંભોગસુખ માણી શકે, તેમને ‘કામોત્તેજક’ ઔષધિઓ કહે છે. આવી ઔષધિઓની તાસીર પ્રાય: ગરમ અને જ્ઞાનતંતુ-ઉત્તેજક હોય છે. આવી ઔષધિના સેવનથી રસધાતુની પુદૃષ્ટિ અને રક્તધાતુની સંચરણતા (પરિભ્રમણ) વધી જાય છે. તેથી નાડીતંત્ર બળવાન અને ઉત્તેજિત બનતાં, પુરુષના શિશ્નમાં પૂર્ણ જાગૃતિ, ઉત્તેજના અને ઉત્થાન પેદા થાય છે. તેથી કામોત્તેજના એટલી વધી જાય છે કે પુરુષ વારંવાર સંભોગ કરવાની ઇચ્છા કરે છે.

કામોત્તેજક ઔષધિઓનાં કેસર, કસ્તૂરી, ઝેરકોચલું, ખુરાસાની અજમો, અફીણ, તજ, ભાંગ, સુવર્ણ ભસ્મ, અભ્રક ભસ્મ, લોહ ભસ્મ, મૂસળી, અક્કલકરો, ડુંગરી, લસણ, લવિંગ, રસ સિંદૂર, હિંગળોક જેવાં દ્રવ્યો અથવા તેમનાં સંયોજનથી બનતી ઔષધિઓ સિદ્ધ મકરધ્વજ કે સુવર્ણ મકરધ્વજ, કામચૂડામણિ રસ, પુષ્પધન્વા રસ, ચંદ્રોદય રસ, મન્મથ રસ વગેરે વૈદ્યની સલાહ અનુસાર લેવા યોગ્ય છે.

(3) વીર્યસ્તંભક ઔષધિઓ : સ્ત્રી સાથે સંભોગ કરતી વખતે પુરુષનું વીર્ય જલદી સ્ખલિત ન થતાં, તે સામાન્ય કરતાં વધુ સમય સુધી અંદર અટકી રહે-સ્તંભી રહે, તેવું કાર્ય કરતી ઔષધિઓને ‘વીર્યસ્તંભક’ કહે છે. ઘણી વાર નાની વયના કિશોરો કે યુવાનોમાં કામોત્તેજના વધી જતાં હસ્તમૈથુન કે અકુદરતી મૈથુન દ્વારા વીર્યનો નાશ કરી દે છે કે મોટી વયનાં પુરુષો અતિ મૈથુન કરી વીર્યક્ષય કે નાશના ભોગ બને છે; ત્યારે તેમના શરીરનું કામકેન્દ્ર, વીર્યોત્પાદક ગ્રંથિઓ અને નાડીતંત્ર નષ્ટ-ભ્રષ્ટ તથા કમજોર બની જાય છે. શરીરની અંદર ખોટી ઉત્તેજનાની ગરમી વધી જતાં વીર્ય પાણી જેવું પાતળું અને સ્પર્શમાં ગરમ બની જાય છે. આવા લોકો સંભોગમાં પછીથી શીઘ્ર સ્ખલન કે વીર્ય જલદી છૂટી જવાની સમસ્યાનો તથા શારીરિક-માનસિક નબળાઈનો તીવ્ર અનુભવ કરે છે. જેમાંનાં ઘણાં તો સ્મૃતિભ્રંશ, ઓજહીનતા, અનિદ્રા અને નિરાશાના શિકાર બની; દારૂ, ગુટકા, તમાકુ કે ધૂમ્રપાનની આદતના શિકાર બને છે; જે તેમને વધુ બરબાદ કરે છે.

શીઘ્રપતન અને તનુ (પાતળા) કે અલ્પ વીર્યના પુરુષોને શીતળ અને વીર્યસ્તંભક ગુણોવાળી દવાઓ અનુભવી વૈદ્યની સલાહથી લેવાથી લાભપ્રદ થાય છે.

વીર્યસ્તંભક ઔષધિઓમાં-અફીણ કે ખસખસ, ત્રિબંગભસ્મ, જાયફળ, જાવંત્રી, ભાંગ, કેસર અને વડનું દૂધ (પતાસા સાથે) વધુ લાભપ્રદ બને છે. આમાં ભાંગ અને અફીણ તત્કાલ લાભપ્રદ છે; પરંતુ તેનું સેવન ઓછી માત્રામાં અને અલ્પ સમય માટે કદીક જ થાય એ ઇષ્ટ છે.

વ્યક્તિની અલગ અલગ પ્રકૃતિ અને ઉંમર મુજબ દરેકને અલગ પ્રકારની ખાસ વાજીકર ઔષધિની જરૂરત પડે છે; પરંતુ આ માટે દર્દીએ અનુભવી-જાણકાર વૈદ્યની સલાહ મુજબ જ સારવાર લેવી હિતાવહ છે. પ્રાય: અનુભવી વૈદ્યો ‘વાજીકરણ’ ચિકિત્સા શરૂ કરતાં પૂર્વે દર્દીની ‘પંચકર્મ’ દ્વારા દેહશુદ્ધિની સલાહ આપે છે, જે વધુ લાભપ્રદ બને છે.

કેટલાક સુંદર વાજીકર-પ્રયોગો :

(1) અશ્વગંધાદિ ચૂર્ણ : અશ્વગંધા, શતાવરી, સફેદ મૂસળી, આમળાં, હરડે, એખરો અને ગોખરુ – આ 7 દ્રવ્યો સમભાગે લઈ, તેનું ચૂર્ણ બનાવી, તેમાં સમભાગે ખાંડેલી સાકર મેળવી, સવાર-સાંજ 5 ગ્રામ દવા ઘી અથવા દૂધ કે પાણી સાથે લઈ શકાય છે.

(2) સ્વગુપ્તાદિ ચૂર્ણ : કૌચા-બીજ, ક્ષીર કાકોલી, વિદારી કંદ, સફેદ જીરું, શાહજીરું અને સાંતળેલા તલ સમભાગે લઈ, ચૂર્ણ કરી, તેમાં સમભાગે સાકર મેળવી, આ ચૂર્ણ સવાર-સાંજ 10થી 15 ગ્રામ જેટલું મધ 1 ચમચી અને ઘી અર્ધી ચમચી મેળવી રોજ લેવાથી વાજીકરણ થાય છે.

(3) વીર્યસ્તંભન ચૂર્ણ : ખસખસ 60 ગ્રામ, સૂંઠ 15 ગ્રામ, જેઠી-મધ 30 ગ્રામ અને તુલસીનાં મૂળ કે બીજ 20 ગ્રામનું ચૂર્ણ કરી, તેમાં સમભાગે સાકર મેળવી તેનું ચૂર્ણ સવાર-સાંજ 5 ગ્રામ દવા દૂધ, ઘી કે માખણ સાથે લેવાથી વીર્યસ્તંભન અને કામવૃદ્ધિ બંને થાય છે.

(4) કામવર્ધક સરળ પ્રયોગ : જેઠીમધનું ચૂર્ણ 10થી 15 ગ્રામ, ઘી 6 ગ્રામ અને મધ 25 ગ્રામ મેળવી ચાટી લીધા પછી, તેની ઉપર દૂધનું રોજ સેવન કરવાથી કામવાસના ખૂબ વધે છે. અથવા ખૂબ વૃદ્ધ જનોની મરી પરવારેલી વાસના દરરોજ દિવેલ 2 ચમચી, દૂધ સાથે લેવાના પ્રયોગથી કામવૃદ્ધિ થાય છે.

(5) શીઘ્રપતન તથા પાતળા વીર્ય માટે : દરરોજ સૂર્યોદય પૂર્વે પતાસાં ઉપર વડના તાજા દૂધના 15-20 ટીપાં નાંખી, પતાસું ખાવાનો પ્રયોગ 1 માસ કરવાથી શીઘ્રપતન અટકે છે. વળી સફેદ મૂસળી 100 ગ્રામ, એખરો 200 ગ્રામ, ગોખરુ 300 ગ્રામ, ગળો-સત્વ 15 ગ્રામ અને સાકર 500 ગ્રામ મેળવી બનાવેલ ચૂર્ણ રોજ 5થી 10 ગ્રામ દવા કે દૂધ કે ઘી + સાકર સાથે લેવાથી પણ ઉત્તમ લાભ થાય છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા