લાઇન ટાપુઓ

January, 2004

લાઇન ટાપુઓ : મધ્ય પૅસિફિક મહાસાગરમાં આવેલા, પરવાળાંથી બનેલા ઓછી ઊંચાઈ ધરાવતા છૂટાછવાયા અગિયાર ટાપુઓ. ભૌગોલિક સ્થાન : તે 0° 05´ ઉ. અ. અને 157° 00´ પ. રે.ની આજુબાજુનો આશરે 329 ચોકિમી. (વસ્તીવાળા આઠ ટાપુઓ અને 247 ચોકિમી. વિસ્તારના વસ્તીવિહીન ત્રણ ટાપુઓ) જેટલો વિસ્તાર આવરી લે છે. તે વિષુવવૃત્તની બંને બાજુએ પથરાયેલા છે.

લાઇન ટાપુઓ પૈકીના જર્વિસ, કિંગમૅન રીફ અને પાલ્મિરા ટાપુઓ યુ.એસ.ના કબજા હેઠળ છે; જ્યારે બાકીના આઠ ટાપુઓની શ્રેણી કિરિબાતી રાષ્ટ્ર હેઠળ છે, તેમાં કૅરોલિન, ફ્લિન્ટ, કિરિતિમાતી, માલ્ડેન, સ્ટારબક, તબુએરન, તરૈના અને વૉસ્ટૉકનો સમાવેશ થાય છે. ગિલ્બર્ટ આઇલૅન્ડ્ઝ, ફિનિક્સ આઇલૅન્ડ્ઝ અને ઓશન ટાપુને પણ કિરિબાતી ટાપુરાષ્ટ્રમાં ગણેલા છે. 2000 મુજબ કિરિબાતી ટાપુરાષ્ટ્રની વસ્તી 87,000 જેટલી છે.

જાહનવી ભટ્ટ