લશ્કરી કવાયત

January, 2004

લશ્કરી કવાયત : લશ્કરના સૈનિકો દ્વારા એકસાથે કરવામાં આવતું શિસ્તબદ્ધ સામૂહિક સંચલન. તેના અનેક ઉદ્દેશો હોય છે. સૈનિકી વ્યાયામનો તે એક પ્રકાર હોય છે. સૈનિક માટે શારીરિક તંદુરસ્તી એક અત્યંત મહત્વની બાબત ગણવામાં આવે છે. સંપૂર્ણ શારીરિક તંદુરસ્તી વગર કોઈ પણ લશ્કર દુશ્મનનો સામનો કરી શકે નહિ તથા આત્મરક્ષણ પણ કરી શકે નહિ. તે માટે તેને સજ્જ રહેવા સતત કવાયત કરવી પડે છે. આવી કવાયતમાં ચુસ્ત રીતે ચાલવાની તાલીમ, ચુસ્ત રીતે હલનચલન કરવાની તાલીમ, શરીરના જુદા જુદા અવયવોને લવચીક બનાવવાની તાલીમ આપવામાં આવે છે. લશ્કરી કવાયતનો બીજો હેતુ સૈનિકોને શિસ્તબદ્ધ વર્તનની તાલીમ આપવાનો હોય છે. કવાયત કરનાર ટુકડીનો સરદાર કે અધિકારી જે આદેશ આપે તેનું સંપૂર્ણ પાલન સૈનિકોએ કરવાનું હોય છે. ઉચ્ચ અધિકારીએ આપેલ આદેશ યોગ્ય છે કે નહિ તેનો વિચાર પણ સૈનિકના મનમાં ઊભો થવો જોઈએ નહિ અને આવી રીતે સૈનિકને આદેશોનું યંત્રવત્ અનુકરણ કરવાનું હોય છે. કવાયતનો ત્રીજો ઉદ્દેશ પ્રશિક્ષણનો કે યુદ્ધાભ્યાસનો હોય છે. પોતાના દેશની સરહદો અને માલમિલકતનું રક્ષણ કરવું એ દરેક સૈનિકની ફરજ હોય છે અને તે માટે સર્વોચ્ચ બલિદાન આપવા માટે સૈનિક શારીરિક અને માનસિક રીતે સતત તત્પર હોવો જોઈએ. આ માટે સૈનિકોને શસ્ત્રસરંજામ સાથે કવાયત કરવાની હોય છે. આધુનિક જમાનામાં યુદ્ધમાં વિવિધ પ્રકારનાં શસ્ત્રાસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, જેની તાલીમ સૈનિક્ધો કવાયત દ્વારા આપવામાં આવે છે. શસ્ત્રો કેવી રીતે ચલાવવાં, શસ્ત્રોની જાળવણી કેવી રીતે કરવી, શસ્ત્રોનો રખરખાવ કેવી રીતે કરવો વગેરે બાબતો પણ લશ્કરી કવાયતનો અનિવાર્ય ભાગ હોય છે. લશ્કરી કવાયત દ્વારા સૈનિકો વચ્ચે એકતાની ભાવના બળવત્તર થાય છે.

કેટલીક વાર લશ્કરી કવાયત સૈનિકોનો જુસ્સો વધારવા માટે તો કેટલીક વાર માત્ર પ્રદર્શન માટે તેનું આયોજન કરવામાં આવે છે; દા. ત., ભારતમાં જ્યારે પણ કોઈ વિશિષ્ટ વિદેશી મહેમાન શાસકીય આમંત્રણને માન આપી દેશની મુલાકાત લે છે ત્યારે તેમના આગમન વખતે તેમને સન્માનવા માટે, એટલે કે તેમને સૈનિક સલામી (Guard of Honour) આપવા માટે સૈનિકોની કવાયતનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારની કવાયત માત્ર શાસકીય ઔપચારિકતાનો ભાગ હોય છે. તેવી જ રીતે દેશના સર્વસામાન્ય નાગરિકોનો જુસ્સો વધારવા માટે તેમજ લશ્કરી દૃષ્ટિએ દેશ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેટલા પ્રમાણમાં સજ્જ છે તેનો ખ્યાલ પ્રજાને આપવા માટે કેટલીક વાર મોટા પાયા પર લશ્કરી કવાયતનું આયોજન કરવામાં આવે છે; દા.ત., દર વર્ષે પ્રજાસત્તાક દિને દેશના પાટનગરમાં અને કેટલીક વાર રાજ્યોનાં પાટનગર કે મોટાં નગરોમાં સૈનિકોની કવાયતનું આયોજન કરવામાં આવતું હોય છે. કેટલીક વાર ખરેખર યુદ્ધની સ્થિતિ ન હોય છતાં યુદ્ધ ફાટી નીકળે ત્યારે યુદ્ધના મેદાન પર દુશ્મનનો સામનો કેવી રીતે કરવો તેનું પ્રશિક્ષણ આપવા માટે પણ મોટા પાયા પર લશ્કરી કવાયતનું આયોજન કરવામાં આવતું હોય છે. આવી પ્રશિક્ષણ કવાયત દરમિયાન દેશના લશ્કરની જુદી જુદી પાંખો તેમના શસ્ત્રસરંજામ સાથે કવાયતમાં સામેલ કરવામાં આવે છે. કેટલીક વાર આ પ્રકારના અભ્યાસની કવાયતમાં વિદેશી સૈનિકો અને શસ્ત્રસરંજામને પણ સામેલ કરવામાં આવતા હોય છે – જેને ‘યુદ્ધનો સંયુક્ત અભ્યાસ’ કહેવામાં આવે છે. આમ લશ્કરી કવાયત એ દરેક સૈનિક માટેની અનિવાર્ય પ્રવૃત્તિ હોય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે