રોવર્સ કપ : ફૂટબૉલ માટેનો ખૂબ જ લોકપ્રિય રાષ્ટ્રીય કક્ષાનો કપ. આ કપની શરૂઆત 1891માં થઈ હતી. પ્રથમ રોવર્સ કપ જીતવાનું શ્રેય પ્રથમ બટૅલિયન વૉર્સેસ્ટર રેજિમેંટને જાય છે. આજે તો રોવર્સ કપની પ્રતિષ્ઠા ફૂટબૉલમાં રાષ્ટ્રીય કક્ષાની ‘સંતોષ ટ્રોફી’ જેવી છે. દર વર્ષે રમાતી આ ટ્રોફી જીતવા માટે સમગ્ર દેશની ફૂટબૉલ ટીમો તનતોડ મહેનત કરે છે. રોવર્સ કપ મેળવનાર ટીમને રાષ્ટ્રીય કક્ષાનું સન્માન પ્રાપ્ત થાય છે. આ રોવર્સ કપ જીતનાર ટુકડીના ખેલાડીઓની પસંદગી મોટાભાગે ફૂટબૉલની ભારતીય ટીમમાં થતી હોય છે. એ રીતે જોતાં આજે ભારતમાં રોવર્સ કપ જીતનાર ખેલાડીઓ ‘આંતરરાષ્ટ્રીય સ્તરના ફૂટબૉલર’ બની જાય છે. આજે તો તેની પ્રતિષ્ઠા એટલી વધી ગઈ છે કે તેની ઘણી મૅચો દૂરદર્શન પરથી બતાવવામાં આવે છે તથા ફાઇનલ મૅચનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવે છે. 1891થી આજદિન સુધી દર વર્ષે નિયમિતપણે તે રમાતી રહી છે.

પ્રભુદયાલ શર્મા