રૉલ્ફ્સ, ક્રિશ્ચિયન (જ. 1849, નિન્ડૉર્ફ, જર્મની; અ. 1938, હાગેન, જર્મની) : અભિવ્યક્તિવાદી જર્મન ચિત્રકાર. 1870માં જર્મનીની વાઇમર અકાદમીમાં કલાનો અભ્યાસ શરૂ કર્યો. આ દરમિયાન વાસ્તવ-આભાસી નિસર્ગદૃશ્યોનું આલેખન કર્યું. અભ્યાસ પૂરો કર્યા પછી 1884 સુધી તેઓ વાઇમરમાં જ રહ્યા. 1900માં તેમને કલાના સંગ્રાહક ઑસ્થેયસનો ભેટો થયો અને તેમની સાથે મિત્રતા થઈ. હાગેનમાં આવેલા તેમના અંગત ‘ફૉકવૅન્ગ’ મ્યુઝિયમમાં મોને, સિન્યા, સેઝાં, ગોગાં અને વાન ગૉઘનાં ચિત્રોનો પરિચય થયો. પરિણામે તેમનાં ચિત્રો હવે બિંદુવાદી (pointilist) બન્યાં; રંગોના લસરકા ખૂબ ઘાટા (thick) બન્યા. પદાર્થચિત્ર (still life) અને સરકસનાં પાત્રોનાં આલેખનો તેમના પ્રિય વિષયો બની રહ્યા. આ ઉપરાંત નગરચિત્રો (cityscapes) પણ કર્યાં. 1902માં વાઇમરની કલાશાળામાં તેઓ અધ્યાપક બન્યા અને 1909 સુધી એ પદે રહ્યા. 1905માં સોએસ્ટ ખાતે અભિવ્યક્તિવાદી ચિત્રકાર નૉલ્ડેને મળ્યા. 1911માં તેઓ ‘ન્યૂ સેસેશન ઇન બર્લિન’ જૂથના સભ્ય બન્યા. 1914 પછી બાઇબલની વાર્તાઓ અને નૉર્ડિક (ઉત્તર યુરોપની) લોકકથાઓ પરથી પણ ચિત્રો કર્યાં.

1922માં આખેન પૉલિટૅકનિકની માનાર્હ ડૉક્ટરેટની પદવી વડે તેમનું બહુમાન કરાયું. 1927થી 1938 લગી નાજુક તબિયતને કારણે ઍસ્કૉના ખાતે વસવાટ કર્યો. 1929માં હાગેન ખાતે ક્રિશ્ચિયન રૉલ્ફ્સ મ્યુઝિયમની સ્થાપના થઈ. 1930 પછી કૅન્વાસનો ત્યાગ કરી માત્ર કાગળ પર જ ટેમ્પરા, જળરંગ અને ક્રેયૉનના મિશ્રમાધ્યમમાં ચિત્રો સર્જ્યાં. 1937માં નાઝી દળોએ રૉલ્ફ્સને ભ્રષ્ટ અને અવનત જાહેર કરી જર્મનીનાં વિવિધ મ્યુઝિયમોમાંનાં તેમનાં 412 ચિત્રોને સળગાવી દીધાં. તેમનાં બચેલાં ચિત્રો જર્મનીના ફૉકવૅન્ગ મ્યુઝિયમ અને ડૉર્ટમન્ડ નગરના ‘મ્યુઝિયમ એમ ઑસ્ટ્વાલ’માં સચવાયાં છે.

અમિતાભ મડિયા