રૉકોસોવ્સ્કી, કૉન્સ્ટાન્ટિન

January, 2004

રૉકોસોવ્સ્કી, કૉન્સ્ટાન્ટિન (જ. 21 ડિસેમ્બર 1896, વેલિકિય લુકી, રશિયા; અ. 3 ઑગસ્ટ 1968) : સોવિયેત યુનિયનના માર્શલ. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં તે ઝારિસ્ટ લશ્કરમાં જોડાયા. 1917ની ક્રાન્તિ દરમિયાન તેઓ રેડ ગાર્ડમાં જોડાયા. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચે સામ્યવાદી પક્ષમાં તેમને નિમણૂક મળી અને માર્શલનો હોદ્દો પ્રાપ્ત કર્યો (1944).

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મૉસ્કો અને સ્ટૅલિનગ્રાડને બચાવવા બદલ (1943) અને કર્સ્ક પરનો વિજય મેળવવા બદલ તેમને ખ્યાતિ મળી. રશિયન દૃષ્ટિબિંદુએ જોતાં સ્ટૅલિનગ્રાડનું યુદ્ધ જીતતાં પહેલાં લગભગ ઘણું ગુમાવ્યું હતું. જર્મન દળોએ ત્રીજા ભાગના શહેર પર કબજો મેળવી લીધો હતો. તેમ છતાં રૉકોસોવ્સ્કીએ કુશળ વ્યૂહરચના ઘડીને ચોથી, છઠ્ઠી અને નવમી જર્મન લશ્કરી ટુકડીઓને ચારે બાજુથી ઘેરી લઈને, આક્રમક હુમલા દ્વારા જીત મેળવી. ઑરેલ અને વૉર્સો પાછાં મેળવ્યાં. ત્યારબાદ તેમને પોલીસ મિનિસ્ટર ઑવ્ ડિફેન્સ અને વાઇસ-ચૅરમૅન ઑવ્ ધ કાઉન્સિલ ઑવ્ મિનિસ્ટર્સના પદે નીમવામાં આવ્યા (1949).

1956માં તેઓ રશિયા પાછા ફર્યા અને સોવિયેત મિનિસ્ટ્રી ઑવ્ ડિફેન્સમાં જોડાયા. સી.પી.એસ.યુ.ની મધ્યસ્થ સમિતિના સભ્ય તરીકે તેઓ અવારનવાર ચૂંટાયા. છેલ્લે તેઓ ડેપ્યુટી ઑવ્ ધ સુપ્રીમ સોવિયેત તરીકે પસંદગી પામ્યા હતા અને રાષ્ટ્રીય વીર પુરુષનું બિરુદ પણ મેળવ્યું હતું.

બળદેવભાઈ કનીજિયા