રેસીફ (Recife) : બ્રાઝિલના ઈશાન ભાગમાં આવેલા પર્નામ્બુકો રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 8° 58´ દ. અ. અને 34° 55´ પ. રે.. તે ઍટલૅન્ટિક મહાસાગરના પશ્ચિમ કિનારે કૅપબારિબે અને બેબીરિબે નદીઓના નદીનાળ મુખસંગમ પર આવેલું છે. આ શહેરનો કેટલોક ભાગ બ્રાઝિલની મુખ્ય ભૂમિ પર અને કેટલોક ભાગ ટાપુ પર આવેલો છે. નદીમુખ, મુખ્ય ભૂમિ અને ટાપુ પરના તેના ત્રણેય ભાગો પુલો દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે.

ગગનચુંબી ભવનોનું નગર રેસીફ

અર્થતંત્ર : રેસીફ પર્નામ્બુકો રાજ્યનું પાટનગર હોવા ઉપરાંત તે ઔદ્યોગિક મથક, કૃષિમથક તેમજ બ્રાઝિલના આ વિભાગનું આગળ પડતું બંદર પણ છે. તેના પીઠપ્રદેશમાં ધાન્ય પાકો, કપાસ, શેરડી અને તમાકુનું વાવેતર થાય છે. તે ધોરી માર્ગો તેમજ રેલમાર્ગો દ્વારા તેના પીઠપ્રદેશ સાથે જોડાયેલું છે. શહેરમાં આવેલી મિલો અને કારખાનાં કાપડ, કાગળ, સિરૅમિક્સ, વનસ્પતિ-તેલો, ચામડાનો માલસામાન અને આલ્કોહૉલનું ઉત્પાદન કરે છે. શહેરનું અર્થતંત્ર કેળાં, કૉફી, કપાસ, ધાન્યપાકો, ચામડાં, ખાંડ અને રમની નિકાસ પર નભે છે. બ્રાઝિલ અને પર્નામ્બુકો રાજ્ય માટે પણ આ શહેરના વેપાર-વાણિજ્યનું ઘણું જ મહત્વ છે. તેને ‘બ્રાઝિલના વેનિસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. રેસીફ ઈશાન બ્રાઝિલનું મહત્વનું શૈક્ષણિક કેન્દ્ર ગણાય છે. અહીં ચાર યુનિવર્સિટીઓ, ચર્ચ તથા દેવળો આવેલાં છે. અહીં અવારનવાર થતા રહેતા ઉત્સવો, જ્યાફતો, ઉજાણીઓ અને મેળાઓ વખતે ઘણા પ્રવાસીઓ ઊમટી પડે છે. આ શહેરની મોટાભાગની વસ્તી અશ્વેતોની છે, આ પૈકીના ઘણાખરા તો વસાહતો સ્થપાઈ તે સમયે શેરડીના વાવેતર માટે શ્રમિકો તરીકે લવાયેલા મૂળ આફ્રિકી ગુલામોના વંશજો છે. 1996 મુજબ આ શહેરની વસ્તી 13,46,045 અને મહાનગરની વસ્તી 30,87,967 છે.

ઇતિહાસ : 1520ના અરસામાં અહીં સર્વપ્રથમ પોર્ટુગીઝો આવેલા. તેઓ અહીંથી બ્રાઝિલવુડ કાપીને વહાણોમાં ભરીને લઈ જતા. 1535માં તેમણે અહીં વસાહતો સ્થાપેલી. સોળમી સદીના અંતભાગમાં તેમણે રેસીફની સ્થાપના કરી. 1630થી 1654 દરમિયાન બ્રાઝિલ પર ડચ આક્રમણો થયેલાં ત્યારે રેસીફ દુશ્મનોને હંફાવવા માટેનું મુખ્ય સ્થળ બની રહેલું. તે પછીથી વસ્તી ધીમે ધીમે વધતી ગઈ. 1706માં અહીં પહેલવહેલું છાપખાનું સ્થપાયું. 1710માં તે બ્રાઝિલનું મહત્ત્વનું નગર અને 1823માં શહેર બની રહ્યું. દક્ષિણ અમેરિકાનું જૂનામાં જૂનું સમાચારપત્ર ‘ડિયારિયોડ પર્નામ્બુકો’ 1825થી ચાલુ છે.

જાહ્નવી ભટ્ટ

ગિરીશભાઈ પંડ્યા