રેડ્ડી, રવીન્દર (જ. 1956) : આધુનિક ભારતીય શિલ્પી. 1976થી 1982 સુધી વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં અભ્યાસ કરી રેડ્ડી શિલ્પકલામાં સ્નાતક અને અનુસ્નાતક થયા. આ પછી લંડન ખાતેની ઑવ્ લંડનની ગોલ્ડસ્મિથ કૉલેજ ઑવ્ આર્ટ્સમાં એક વરસ અભ્યાસ કરી 1983માં ડિપ્લોમા ઇન આર્ટ ઍન્ડ ડિઝાઇન મેળવ્યો.

રેડ્ડી રતિભાવથી છલકતી હૃષ્ટપુષ્ટ અંગોપાંગો ધરાવતી નગ્ન યૌવનાઓનાં શિલ્પ બનાવવા માટે જાણીતા છે. આ યૌવનાઓનાં નેત્રો હંમેશાં વિસ્ફારિત અને દર્શકની સામે એવી વેધકતાથી તાકી રહેલાં હોય છે કે દર્શક ભોંઠો પડે છે.

રેડ્ડીએ દિલ્હી, બૅંગલોર, ચેન્નાઈ અને મુંબઈ ખાતે પોતાનાં શિલ્પોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. આ ઉપરાંત તેમણે ચેન્નાઈ, મુંબઈ, ન્યૂયૉર્ક, લીમા (પેરૂ), સિંગાપુર, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને લિવરપૂલ (બ્રિટન) ખાતે યોજાયેલાં અનેક સમૂહ-પ્રદર્શનોમાં પણ પોતાનાં શિલ્પ રજૂ કર્યાં છે.

રેડ્ડીને ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સીનિયર ફેલોશિપ, ન્યૂયૉર્કના પૉલોક-ક્રેસ્નર ફાઉન્ડેશનની ગ્રાન્ટ,  લલિત કલા અકાદમીની સ્કૉલરશિપ, બ્રિટિશ કાઉન્સિલની સ્કૉલરશિપ તથા નવી દિલ્હીના સંસ્કૃતિ પ્રતિષ્ઠાનનો ‘સંસ્કૃતિ’ ઍવૉર્ડ મળી ચૂક્યાં છે.

રવીન્દર રેડ્ડીની એક શિલ્પકૃતિ

રેડ્ડી હાલ (1990થી) વિશાખાપટ્ટનમ્ ખાતેની આંધ્રપ્રદેશ યુનિવર્સિટીની ફાઇન આર્ટ કૉલેજમાં શિલ્પવિભાગના વ્યાખ્યાતા છે.

અમિતાભ મડિયા