રિહગ્વે, મેથ્યૂ બંકર (જ. 3 માર્ચ 1895, ફૉર્ટ મનરો, વર્જિનિયા; અ. 1993) : અમેરિકન લશ્કરના ચીફ-ઑવ્-સ્ટાફ. 1917માં તે અમેરિકન મિલિટરી અકાદમીમાંથી સ્નાતક થયા અને તેમની પ્રથમ 25 વર્ષની મિલિટરી કારકિર્દી દરમિયાન અધિકારીના દરજ્જા મારફત ક્રમશ: સ્ટાફમાં નિમણૂક પામ્યા. 1943ના જુલાઈમાં સિસિલીના આક્રમણ દરમિયાન તેમને યુદ્ધમાં પ્રથમ અમેરિકન વિમાની હુમલાના આયોજન અને અમલ માટેની જવાબદારી સોંપવામાં આવી. વિમાની કાફલાની અપેક્ષિત સજ્જતાનો અભાવ તેમજ ખરાબ હવામાન હોવા છતાં આ ભારે આક્રમણ સામે કુનેહપૂર્વક સફળતા પ્રાપ્ત કરી. આક્રમક ગ્લાઇડરોને મોટા પ્રમાણમાં દરિયામાં ગોઠવવામાં આવ્યાં અને બાકીનાંએ તેમનાં ધાર્યાં નિશાન તાક્યાં. જોકે તેમાં ઘણા અતિ ગંભીર રીતે ઘવાયા.

મેથ્યૂ બંકર રિહગ્વે

આ અનુભવના આધારે તેમને ઇંગ્લૅન્ડ પર આક્રમણ કરવા આદેશ મળ્યો ત્યારે તેમને 82મા અમેરિકન વિમાની કાફલાના વડા તરીકે નીમવામાં આવ્યા હતા. ફ્રાન્સના ભારે આક્રમણના શરૂઆતના તબક્કે નૉર્મંડીમાં તેમને હવાઈ છત્રીદળથી સજ્જ કરાયા. ઉત્તર યુરોપ મારફત સાથી દળોના આક્રમણના પછીના તબક્કે તેમણે બેલ્જિયમ, નેધરલૅન્ડ્ઝ અને જર્મનીમાં 18મા અમેરિકન વિમાની કાફલાનું સફળ સંચાલન કર્યું.

બીજા વિશ્વયુદ્ધ પછી તેઓ અમેરિકા પાછા ફર્યા અને તેમણે મિલિટરી ખર્ચમાં કાપ મૂકવાના જનરલ આઇઝનહોવરના પ્રયાસોને વફાદારીપૂર્વક ટેકો આપ્યો. 1950ના જૂનમાં કોરિયામાં યુદ્ધ ફાટી નીકળતાં સામ્યવાદી દળોએ શરૂમાં ઝડપથી આશ્ચર્યજનક સફળતા મેળવી અને સંયુક્ત રાષ્ટ્ર સંઘનાં દળો ઝડપી અને સુસજ્જ હોવા છતાં આ દળોને તેઓ દક્ષિણ કોરિયા બહાર હાંકી કાઢવામાં સફળ રહ્યા હતા. 8મી અમેરિકન લશ્કરી કુમકના વડા જનરલ વૉલ્ટન એચ. વૉકરે સામ્યવાદી દળોને આગળ વધતાં અટકાવ્યાં અને આગલી હરોળને સ્થિર કરીને મોટાભાગની ગુમાવેલી ભૂમિ કબજે કરી. 23 ડિસેમ્બરના રોજ કાર અકસ્માતમાં વૉકરે જાન ગુમાવ્યો અને તેમના સ્થાને લેફ્ટેનન્ટ જનરલ રિહગ્વેની નિમણૂક કરવામાં આવી.

સર્વોચ્ચ કમાન્ડર, જનરલ મેકઆર્થરે રિહગ્વેને કોરિયામાં તમામ ભૂમિદળો પરની સત્તા સોંપી. મેકઆર્થરની માન્યતા હતી કે સામ્યવાદી દળો પર દબાણ લાવવાથી સામ્યવાદી ચીન દ્વારા ટૂંક સમયમાં જ ખુલ્લો હુમલો થશે અને ચીનના સરહદી વિસ્તારો પર દુશ્મનની કેડ ભાંગી નાખતો બૉમ્બમારો કરવાની હિમાયતથી અમેરિકામાં ટ્રુમેન સત્તા નારાજ થઈ, દૂર પૂર્વની તેમની સત્તા સત્વરે આંચકી લઈ તેમને તુરત જ છૂટા કરવામાં આવ્યા; અને તેમને સ્થાને રિહગ્વેને સર્વોચ્ચ કમાન્ડર તરીકે નીમ્યા. આમ તેમણે કોરિયન યુદ્ધની વ્યૂહાત્મક કામગીરી તેમના તાબાના જનરલ જેમ્સ એ. વાન ફ્લીટને સોંપીને પોતે દૂર પૂર્વમાં મિલિટરીને લગતી બાબતોના સર્વાંગી વિકાસમાં અને જાપાનના પુન:સ્થાપનમાં સક્રિય રસ લેવા માંડ્યા.

1952માં રિહગ્વે જનરલ ડ્વાઇટ ડી. આઇઝનહોવરના સ્થાને યુરોપમાં સાથી દળોના સર્વોચ્ચ કમાન્ડર તરીકેનું પદ ધારણ કરવા યુરોપ પાછા ફર્યા. 1953માં તેમની નિમણૂક અમેરિકન લશ્કરના ચીફ-ઑવ્-સ્ટાફ તરીકે કરવામાં આવી અને 1955માં તેઓ નિવૃત્ત થયા. 1986માં તેમને પ્રેસિડેન્શિયલ મેડલ ઑવ્ ફ્રીડમ એનાયત કરવામાં આવ્યો હતો.

બળદેવભાઈ કનીજિયા