રિચમંડ (1) : બૃહદ્ લંડન વિસ્તારનો એક શહેરી વિભાગ. તે લંડનના બહારના ભાગમાં આવેલો મ્યુનિસિપલ અધિકૃત વહીવટી વિભાગ છે. સ્થાનિક દૃષ્ટિએ તે ‘રિચમંડ અપૉન ટેમ્સ’ તરીકે ઓળખાય છે. આ વિભાગ ટેમ્સ નદીની બંને બાજુ વિસ્તરેલો છે. તેમાં જૂના બર્નેસ, ટ્વિકનહામ, કેવ, ટેડિંગટન અને હેમ્પ્ટનનો પણ સમાવેશ થઈ જાય છે. આ રીતે તે નિવાસી જિલ્લા તરીકે પણ ઓળખાય છે.

ટેમ્સ નદી પરનું લોકપ્રિય વિહારધામ, ઍશ્ગિલ હાઉસ, મેઇડ્ઝ ઑવ્ ઑનર રો, ટ્રમ્પેટ હાઉસ, વિક હાઉસ, શાહી વનસ્પતિ ઉદ્યાન, એક હજાર હેક્ટરમાં પથરાયેલો બ્રિટનનો મોટામાં મોટો રિચમંડ પાર્ક, રાણી ઍનનું સ્થળ તેમજ જૂના સમયનાં ઘણાં જ્યૉર્જિયન ઘર આ વિભાગમાં આવેલાં છે. વળી 1603માં અવસાન પામેલ રાણી એલિઝાબેથ પહેલીના ટ્યૂડર શાહી મહેલના અવશેષો પણ અહીં જ છે.

વર્જિનિયા અને લિયૉનાર્દ વુલ્ફ હોગાર્થ પ્રેસ અહીં જ સ્થપાયેલી. ટૉમસ ત્રેહર્ન અને આર. ડી. બ્લૅકમોર ટેડિંગટનમાં તથા હેન્રી ફિલ્ડિંગ બર્નેસમાં રહેતા હતા.

1991 મુજબ આ વિભાગની વસ્તી 1,60,700 જેટલી છે.

રિચમંડ (2) : ન્યૂ સાઉથ વેલ્સ(ઑસ્ટ્રેલિયા)ના રિચમંડ-વિન્ડસર શહેરી વિસ્તારનું હૉક્સબરી નદી પર આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 33° 36´ દ. અ. અને 150° 50´ પૂ. રે. પર ટેકરી ઉપર વસેલું છે.

1789માં ગવર્નર આર્થર ફિલિપે ડ્યૂક ઑવ્ રિચમંડના માનમાં તેને ‘રિચમંડ’ નામ આપેલું. અહીં પૂરની અસર ન થતી હોવાથી સલામતીભર્યા વસવાટ માટે ગવર્નર લૅકલાન માક્વારીએ 1870માં આ સ્થળને પસંદ કરેલું. 1872માં અહીં મ્યુનિસિપાલિટીની રચના થયેલી. આ સ્થળ સિડનીથી 56 કિમી. દૂર વાયવ્ય દિશા તરફ આવેલું હોવા છતાં તે સિડનીનું પરું ગણાય છે.

નગરની આજુબાજુનો વિસ્તાર નદીએ રચેલાં ફળદ્રૂપ મેદાનોથી બનેલો છે. ત્યાં શાકભાજી, મકાઈ, ડેરીપેદાશોનું ઉત્પાદન લેવાય છે. અહીંની ખાદ્યપેદાશોનું પ્રક્રમણ રિચમંડ ખાતે થાય છે. અહીં હૉક્સબરી ઍગ્રિકલ્ચરલ કૉલેજ (1888) અને રૉયલ ઑસ્ટ્રેલિયન ઍરફૉર્સ કૃષિવિજ્ઞાન માટેનું હવાઈ મથક આવેલાં છે. વિન્ડસર સહિત રિચમંડની વસ્તી 1,89,000 જેટલી છે (1993).

રિચમંડ (3) : ટસ્માનિયાના અગ્નિભાગમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે કોલ (coal) નદી પર પિટ્ટવૉટર ખાડીસરોવરના મથાળે વસેલું છે.

1815માં અહીં ટસ્માનિયાની સર્વપ્રથમ આટા મિલ બાંધવામાં આવેલી. ટસ્માન દ્વીપકલ્પ, પૂર્વ કિનારાના ભાગો તેમજ અહીંથી નૈર્ઋત્યમાં આવેલા હોબાર્ટને સાંકળી લેવા માટે 1823માં નદી પર પુલ બાંધવામાં આવેલો. આ પુલ અહીંનો જૂનામાં જૂનો પુલ ગણાય છે. 1830ના દાયકામાં અહીં ઘઉંની ખેતીનું પ્રમાણ વધવાથી વસ્તીનું પ્રમાણ પણ વધતું ગયેલું. વસ્તી વધવાથી 1861માં મ્યુનિસિપાલિટીની રચના કરવામાં આવી. 1872માં પિટ્ટવૉટર ખાડીસરોવર પર પુલ બાંધવાથી રિચમંડનું મહત્વ ઘટ્યું. તે પછીથી રિચમંડ ઘેટાંઉછેર, મિશ્રખેતી તેમજ ડેરીપેદાશોનું મથક બની રહ્યું. 1836–37માં બંધાયેલું અહીંનું જૂનામાં જૂનું દેવળ સેન્ટ જૉન કૅથલિક ચર્ચ તથા અન્ય ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્રો બની રહેલાં છે.

રિચમંડ (4) : પશ્ચિમ કૅલિફૉર્નિયા(યુ.એસ.)ના કૉન્ટ્રા કોસ્ટા પરગણાનું બંદરી નગર. ભૌગોલિક સ્થાન : 38° 00´ ઉ. અ. અને 122° 15´ પ. રે. તે સાન ફ્રાન્સિસ્કો અખાતના ઈશાન કિનારા પર આવેલું છે અને પુલ મારફતે નજીકના મરીન  પરગણા સાથે જોડાયેલું છે.

મૂળ આ સ્થળ પ્રાચીન ઇન્ડિયનોનું છીપલાં એકત્રિત કરી રાખવા માટેનું સ્થાન હતું. 1823માં ડૉન ફ્રાન્સિસ્કો કૅસ્ટ્રોએ વસાવેલો ભાગ પણ અહીં જોવા મળે છે. 1900માં સાન ફ્રાન્સિસ્કો જવા માટે અહીં ફેરીસેવા ચાલતી હતી. ત્યાંથી રેલમાર્ગના અંતિમ મથક સાન્ટા ફે જઈ શકાતું. આ સ્થળે ઊંડા જળનું બારું હોવાથી યુદ્ધકાળ માટે નૌકામથક બાંધેલું તથા તેલશુદ્ધીકરણનું એકમ વિકસાવેલું; 1946માં અહીંનું જહાજી બાંધકામ અટકી ગયેલું. અહીંનાં ઉત્પાદનોમાં પેટ્રોલિયમ, રસાયણો, ઑટોપાર્ટ્સ અને હવાઈ યાનોના કેટલાક ઘટકો  ઑટોમોબાઇલ્સનાં ઉપકરણોનો સમાવેશ થાય છે. વસ્તી : આજુબાજુના વિસ્તાર સહિત તેની વસ્તી આશરે 1 લાખ જેટલી છે (1991).

રિચમંડ (5) : વર્જિનિયા રાજ્ય(યુ.એસ.)નું પાટનગર તેમજ આજુબાજુના વિસ્તાર માટેનું નાણાકીય, વાણિજ્ય, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ઐતિહાસિક મથક. ભૌગોલિક સ્થાન :  37° 33´ ઉ. અ. અને 77° 27´ પ. રે.. વર્જિનિયાનાં નોફૉર્ક અને વર્જિનિયા બીચ પછીના ત્રીજા ક્રમે આવતું આ મોટું શહેર છે. આ શહેર જેમ્સ નદી પર, પૂર્વ-મધ્ય વર્જિનિયામાં આવેલું નદી-બંદર પણ છે. તે સિગારેટ અને તમાકુની પેદાશો તથા કાગળ અને મુદ્રણકામ માટે દુનિયાભરમાં ખ્યાતિ પામ્યું છે. 1861–1865ના આંતરયુદ્ધ વખતે તે તત્કાલીન સમવાયતંત્રીય મિત્રરાજ્યોનું પાટનગર પણ રહેલું. 1992 પ્રમાણે તેની વસ્તી 2,03,056 (શહેર) અને 8,65,64 (મહાનગર) જેટલી છે.

રિચમંડ (નદી) : ન્યૂ સાઉથ વેલ્સ(ઑસ્ટ્રેલિયા)ના નૉર્થ કોસ્ટ ડિસ્ટ્રિક્ટની નદી. તે ક્વિન્સલૅન્ડ – ન્યૂ સાઉથ વેલ્સ સરહદે આવેલી મૅક ફર્ઝન હારમાળાના માઉન્ટ લિંડસેમાંથી નીકળે છે. ત્યાંથી તે અગ્નિ તરફ કૅસિનો અને કોરાકીમાંથી પસાર થાય છે. ત્યારબાદ તે ઈશાન તરફ વળે છે અને સિડનીથી ઉત્તરમાં 580 કિમી.ને અંતરે બાલિના ખાતે પૅસિફિક મહાસાગરને મળે છે. તેની કુલ લંબાઈ 163 કિમી. જેટલી છે. તેના મુખથી કૅસિનો સુધી તે જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે.

બ્રિટિશ નૌકા અફસર હેન્રી રાઉસ અહીં આવનાર (1828) પ્રથમ યુરોપિયન અભિયંતા હતો. અહીં જ્યાં પ્રથમ વસાહતો સ્થપાયેલી તે પ્રદેશને વીંધીને આ નદી પસાર થાય છે.

ક્લેરેન્સ અને ટ્વિડ નદીઓ સુધીના જળપરિવાહવાળા અહીંના આ વિસ્તારમાં શેરડી, મકાઈ, બાજરી અને કેળ ઉગાડાય છે. વળી ડેરીની પેદાશો અને લાકડાંનું ઉત્પાદન પણ લેવાય છે.

જાહ્નવી ભટ્ટ

ગિરીશભાઈ પંડ્યા